“ઐતિહાસિક ગામ આદરિયાણા” “મંછાપુરી દાદાનો મઠ તથા દશનામી અખાડો”

રૂપેણ નદીના પડખોપડખ વસેલું અને રણની કાંધિના ગામડાઓનું સદીઓ જૂનું હટાણું, અને અંદરના ગામડાઓમાં ગયા હોવ અને જ્યારે પાછા વળીને આદરિયાણા પહોંચો ત્યારે હાશકારો થાય કે અહીં પહોંચ્યા પછી તમામ મદદ મળી રહેશે એવું આ ગામ આદરિયાણા અને એવા અહીંના પરોણાગત વાળા વિવેકી અને વહેવારુ ભક્તિભાવ વાળા માનવી અને જ્યારે આહલેક ઉઠે ત્યારે બટકામાંથી બટકો દઈ દે એવા દિલના દિલાવર લોકો,

જે ભોમકાએ સમયની ખૂબ થપાટો ખાધી હોય અને એક બાજુ રણ બીજું બાજુ રૂપેણ અને વિષમ આબોહવામાં જીવતી અહીંની પ્રજાની સહિષ્ણુતા દાદ માગીલે એવી…અને આવા અંતરિયાળ ગામડાઓમાં ખૂબ ઇતિહાસ ધરબાએલો પડ્યો છે જેને શોધતાં હું આ આયરિયાણા ગામ જઈ ચડ્યો,

ચાર મહિનાથી મંછાપુરી દાદાનો લેખ લખવો હતો પણ રજા મળતી નહોતી પણ મારી એટલી બુધ્ધિ ના પહોંચીકે એ દાદો જ્યારે ચાહશે ત્યારેજ હું જઈ શકીશ અને લખી શકીશ અને એમાં દાદા પણ નિમિત્ત બન્યાં કે એમને મને એવે સમયે બોલાવવો હતો કે જ્યારે મઠમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન સંવંત ૨૦૭૫ ની કારતક સુદી આઠમે શરૂ થવાનું છે આ માંગલિક પ્રસંગો શરૂ થઈ કારતક સુદી ૧૪ સુધી ચાલવાના અને દાદાને આંગણે ભક્તિની છોળો ઉડવાની…

~★★★~

આહીર (આયર) લોકોએ વસાવેલું આ ગામ આદરિયાણા “આયરીયાણા” ના નામ પરથી અપભ્રંશ થઈ આદરિયાણા નામ પડ્યું હોય એવું અહીંની ભૂગોળ અને સંસ્કૃતિ પરથી લાગે છે પરંતુ હું પાકું ના કહી શકું પરંતુ તર્ક કહે છે કે અહીં આ ગામમાં આહીરોના બનાવેલા શિલ્પો મંદિરો તળાવો વગેરે ઘણા જોવા મળે છે, રણની ધારમાં (કાંધિમાં) વસેલું હોઈ સિંધ અને કચ્છમાંથી નીકળી દક્ષિણ પૂર્વ તરફ જતી વ્યાપારીઓની પોઠોનું આ ગામ મુખ્ય આશ્રય સ્થાન રહ્યું હશે…

એ ભૂતકાળના સમયમાં પાણીની સખત તંગી વર્તાતી અને વરસાદ ઓછો હોય ત્યારે લોકો તથા માલઢોર તરસ્યા મરી ગયાના પણ અસંખ્ય દાખલા છે એવે સમયે આ આહીર પ્રજા ધાર્મીક અને સામાજિક રીતે સારી પ્રગતિ કરીને અહીં ઠરીઠામ થયેલી હશે એવું લાગે છે અને એ સમયે એ જ્ઞાતિના કોઈ વૃધ્ધ વ્યક્તિનું મૃત્યુ થતું તો એની પાછળ એ આહીર લોકો મૃતાત્માને પુણ્ય મળે એ હેતુએ નાત ભેગી કરતાં અને ફંડ ફાળો કરીને તળાવ ખોદાવતા અને એ વ્યક્તિના નામના આગળના બે શબ્દો એ તળાવના નામ સાથે જોડતા,

દા.ત.
ચાંદાસર-ચાંદા આહીરના પુણ્ય કાજે,
હાથીસર-હાથી આહીરના પુણ્ય કાજે,
મેઢાસર-મેઢા આહીરના પુણ્ય કાજે,
લોથર-લોંઠા આહીરના પુણ્ય કાજે,
તથા એમની કોઈ સ્ત્રી સ્વર્ગે સિધાવે તો,
ચાયણકી- ચારણ બાઈના નામ પરથી,
ધોળકી
નભોઈ
ખાતરકી…વગેરે આવા અનેક તળાવો અને નાની તલાવડીઓ આ આહીર લોકોએ ખોદાવેલી જે આ ગામે આજેય મોજુદ છે,

એવુંજ એક આદરિયાણાની ઉગમણી ભાગોળે મોટું સરોવર જેવું તળાવ નામે ચાંદાસર ચાંદા આહીરનું ખોદાવેલું હાલ મોજુદ છે પરંતુ એમાંય એક શ્રાપ પડેલો છે,

જેતે સમયે વરસાદ ઓછો હોઈ તળાવ સુકાઈ ગયેલ, એવા સુકાઈ ગયેલા તળાવમાં લોકો બેત્રણ હાથ જેવાં વિરડાં ગાળીને પાણી વાટકાથી ઉલેચીને વપરાશમાં લેતા, અને એવા એક વિરડાંમાં ત્યારે આદરિયાણામાં ગેલવા (જેલવા) કુળના ચારણ રહેતાં (હાલ જે કેસરિયા કુળનાં જે ચારણ રહે છે એમનું તો આ આદરિયાણા ગામે મોસાળ) એવાં એ ગેલવા કુળની ચારણ બાઈની ઓળકીએ પાણી પીવા એ વિરડાંમાં માથું ઘાલ્યું અને કાળી માટીમાં પહેલેથીજ લપસણું થઈ ગયેલું એ વિરડું ઓળકી માટે જીવલેણ નીવડ્યું અને એવી ફસાઈ કે આગળના બે પગ અને શીંગડા વાળું મોઢું લપસી ને અંદર ગયું અને બસ નાકનો આગળનો ભાગજ પાણીમાં ડૂબી ગયો અને શ્વાસ રૂંધાઇ ગયો,

અને એ ચારણ બાઈની જીવાદોરી સમ ઓળકી ડૂબી જતાં દુઃખી આંતરડીએ તળાવને શ્રાપ આપ્યો કે તું ગમે એમ હિલકોરે પણ તારાં પાણી સદાય ખૂટી જાશે ત્યારથી આજ દી લગી આ ચાંદાસર તળાવમાં પાણી ટકતું નથી અને ખાલી થઈ જાય છે,

અને આ ચાંદાસર તળાવની ઉગમણી પાળે જીવતે જીવ સમાધી લઈને બેઠાં છે “મનસાપુરીબાપુ” (મંછાપુરી) અને તળાવને આથમણે વસ્યું છે આદરિયાણા ગામ..

ભીમદેવપુરી બાપુએ અહીં શિવલિંગ ની સ્થાપના કરીને એ શિવલિંગ નું નામ ભીમનાથ મહાદેવ રાખેલું જે આજેય એ તળાવની મધ્યે ઉત્તુંડ શિખર કરીને ઉભું છે,

પ્રથમ નિત્યાનંદ બાપુ કાશી થી આવેલા ત્યારથી લઈને અત્યારે હાલ ૪૦ ચાલીસમાં મહંત તરીકે શ્રી દિનેશપુરી બાપુ બેઠાં છે અને આટલા પંથકમાં કે પછી આટલા વીતેલા સમયમાં આટલી નાની ઉંમરે ગુરુગાદી પર મહંત તરીકે બિરાજનાર દીનેશપુરી બાપુ લગભગ પ્રથમ મહંત હશે,

મહંત શ્રી અજબપુરી મહારાજે વિક્રમ સંવત-૧૫૬૧ શ્રાવણ સુદી ૧૧ ને શુક્રવારના રોજ આ મઠની સ્થાપના કરેલી મહંત શ્રી ગીઅનપુરી (જ્ઞાનપુરી) મહારાજે અજબપુરી મહારાજનો ભંડારો હરિદ્વારમાં કરેલો તે પછી શ્રી મહંત ૧૦૦૮ ની પદવી પ્રાપ્ત થયેલી એ સમયે હરિદ્વારના કુંભના મેળામાં એમનો અલગ તંબુ લાગતો અને એ સમયે જ્ઞાનપુરી મહારાજને હરિદ્વારના મઠમાંથી નિશાન ડંકા છડી વગેરે બક્ષીસ પણ કરેલા શ્રી મહંત ૧૦૦૮ મંછાપુરી બાપુએ વી.સં. ૧૬૦૧ માં જીવંત સમાધિ લીધેલી.

સંવત-૧૬૦૧ મહા સુદી-૧૧ ને સોમવારે સમાધી પાકી બંધાવી તે પછી શ્રી મહંત ૧૦૦૮ દેવપુરી મહારાજ દ્વારા શ્રી મહંત ૧૦૦૮ મંછાપુરી બાપુનો ભંડારો કરેલો તે વખતે બાવન (૫૨) તંબુ બાંધેલા તે સમયે એક લાખ પચ્ચીસ હજાર અધધ કહેવાય એટલા રૂપિયા ખર્ચ કરેલા આ ખુબજ વિશાળ ભંડારામાં હરિદ્વાર કાશી પ્રયાગ અને ઉજ્જેનના ચાર મઠનાં શંકરાચાર્યો સહીત સાત અખાડાના મહંતોને પણ ખાસ તેડાવેલા, આદરીયાણા મઠને પણ મઠાધીશમાં ગણવામાં આવે છે અને ખારાપાટ વઢિયાર અને ચૂંવાળ પંથકમાં સૌથી મોટો મઠ અને આ તમામની ગુરુગાદી ગણાય છે આ મઠને હરદ્વારી મઠ પણ કહેવાય છે,

ચાર મઠમાં ચંગરીમઠ જોષીમઠ ગોવર્ધનમઠ અને શારદામઠના શંકરાચાર્યો સહીત દશનામી જુના અખાડા બનિરંજની અખાડા અટાલ અખાડા અનદ અખાડા અગ્નિ અખાડા નીરબાણી અખાડા અભાગ અખાડા એમ સાત અખાડાને બોલાવેલા અને આદરિયાણાની ધરતી એ સમયે ખૂબ ભક્તિના રંગે રંગાયેલી,

મહંત શ્રી મંછાપુરી બાપુના સમયમાં આ જગ્યા એની ભક્તિ અને સેવાના ચરમ પર હતી અને તપોબળથી માલામાલ હતી, સોળ સાંતી જમીન અને આખું ગોધણ અને કેટલીય દુઝણી ભેંસો આ મઠમાં હતી અને આદરિયાણા ગામ આખું મઠમાંથી વિનામૂલ્યે છાસ લઈ જતું એવામાં એક ઘટના ઘટી ગઈ જેના કારણે મંછાપુરી દાદાની ભક્તિની સુગંધ પરગણામાં ખૂબ ફેલાઈ…પરચા તો ખૂબ આપેલા પણ આ એક બાબત નોંધનીય છે,

એક વાર પરોઢના અંધારે દહીંથી ભરેલ મસમોટી ગોળીમાં મઠના યુવાન સાધુ ઉપર ઝેરણી બાંધીને હાથમાં રાસ લઈને ઘમ્મર વલોણે છાસ ઝેરવા મચી પડ્યાં ખૂબ ઝેરીને માખણ નોખું તારવી લીધું પછી મળસ્કે લોકો છાસ લેવા આવવા લાગ્યાં અને બોઘેણા કે ડોલચા જે સાધન મળ્યું એ લઈને આવીને ભરી જવા લાગ્યાં અને છેક સૂર્યોદય વખતે જ્યારે છાસ પણ ગોળીના તળિયે પહોંચી ત્યારે અંદર નજર પડી અને બેય સાધુના શ્વાસ અધ્ધર થઈ ગયાં..

ગોળીમાં એમણે મોટો કાળો ભમ્મર નાગ દહીં સાથે ઝેરી નાખેલો અને અંદર મરી ગયેલો જોયો, યુવાન સાધુઓ નકરું ચોખ્ખું ઘી દૂધ ખાતા હોય એવા મજબૂત બાવળા વાળા બેય મચી પડેલા તો નાગને બચવાનો કોઈ મોકો ના આપ્યો અને અંદર કાળોતરો ઝેરી નાગ ઝેરી નાખ્યો,

એ બેય ભાગ્યાં મંછાપુરી બાપુ પાસે બાપુ પૂજાપાઠ પતાવી પ્રવચન કરવા જતાં હતાં અને હાંફળા ફાંફળા આવીને યુવાન સાધુઓએ વિતક રજૂ કરી અને કહ્યું કે સો થી વધુ લોકો છાસ લઈ ગયા હશે અને હવે એ તમામ ખેતરપાધર કે કામ ધંધે ચાલ્યા પણ ગયા હશે…

અને ઘડીનોય વિલંબ કર્યા વિના મંછાપુરી બાપુ શિવભક્તિમાં લિન થઈ ગયાં અને આજીજી કરી કે અમારી ખેવના સમાજને અને ગરીબ ગુરબાની મદદ કરવાનીજ હોય અને આ જગ્યા પર તારી અમીનજર હોય તો આ આફ્તમાંથી તું આદરિયાણા ગામને અને અમને ઉગારી લેજે અને મઠને કલંક લાગતું અટકાવજે…

બે હાથ જોડી પાછા પગે મઠમાંથી બહાર નીકળીને યુવાન સાધુઓને કહ્યું કે એ ગોળીમાં એકાદ લોટો છાસ બચી હોય તો લઈ આવો થોડીવારમાં એ લોટો ભરીને છાસ લઈ આવ્યાં અને મંછાપુરી દાદા ઉભા ઉભા આખો ભરેલો લોટો પી ગયાં અને કહ્યું કે જાવ ભોળાનાથ પર ભરોસો રાખજો કોઈનો વાળ વાંકો નહીં થાય અને બેત્રણ દિવસ પાકી ખાતરી કરી કે કોઈને નખમાય તકલીફ નહોતી થઈ…

અને મંછાપુરી બાપુએ હુકમ કર્યો કે આજ પછી આ જગ્યામાં જેટલું રંધાય કે ખવાય ક્યારેય ઢાંકવું નઈ અને હજારો માણસો વચ્ચે કોઈ નાગ કે વીંછી પસાર થાય રોકવો નહીં અને એ કોઈને ડંખ મારશે નહીં…..ત્યારબાદ આ જગ્યામાં ક્યારેય રાંધેલું ઢંકાતું નથી કે નાગદાદા કેટલાયને દર્શન દે પણ કોઈ ડરતા નથી…..આવો એ જગ્યાનો પ્રતાપ છે…..

એવા આ આદરિયાણા ગામ અને એના આજુબાજુ રૂપેણના કાંઠા વિશે લખવાનું ઘણું ઘણું છે જે સમયાંતરે લખતા રહીશું…..

આજે ચારણ કવિશ્રી મોજદાન ભાઈની મોજ જોઈને વાતાવરણ ખુશનુમા થઈ ગયું અખૂટ ખજાનો સીનામાં ભરીને બેઠેલા એ કવીરાજ ખૂબ જીવો અને માં જગદંબા ભીમનાથ મહાદેવ અને મંછાપુરી દાદા એમનું સ્વાસ્થ્ય સારું રાખે કે જેથી આપણોય ઇતિહાસ જાણવાનો સ્વાર્થ સરે….
“કવિશ્રી મોજદાન ભાઈનો દોહરો”

એ આદરિયાણા માં અલખ ધણીનો દરબાર રે,
મઠ મંછાપુરી બાપનો રે લોલ…

એ ધુણો ધખાવ્યો અલખને આરાધે,
ભણે ગાદી ગોરખનાથની રે લોલ….

એ ધજા ધરમની રોપી, દેતાં અન્ન દાન રે,
વિસામો સાધુ સંતનો રે લોલ…

એ ગોધણને ગોધા સોળ સાંતી સીમ રે,
સેવક સો સો સામટા રે લોલ….

એ સરપ ને ઘોળ્યો સેવકે વલોણામાં રે,
છાશું વહેંચી ગામ આખામાં રે લોલ….

એ મંછાપુરી બાપા શીવભોળાને સમર્યા રે,
અમૃત કીધું ઝેર ને રે લોલ…

એ મંછાપુરી દાદે પરચો દીધો અદભુત રે,
બચાવ્યાં અબાલ વૃધ્ધને રે લોલ…

મંછાપુરી દાદાની સમાધી સરોવર પાળ રે,
મણિધર રૂપે દર્શન આપતાં રે લોલ…

મંછાપુરી દાદાનો મહિમા ગાવે ‘મોજદાન’ રે,
ધન્ય આદરિયાણા ગામ છે રે લોલ….

કથાવસ્તુ- ચારણ કવિ શ્રીમોજદાન ભાઈ.. આદરિયાણા
દીનેશપુરી બાપુ-મહંત શ્રી ચેતન સમાધિ સ્થળ, મંછાપુરી દાદાની જગ્યા, દશનામી અખાડા….
સંદર્ભ-દીનેશપુરી બાપુએ બતાવેલ એમના બારોટજીની આપેલ વિગતો…
સૌજન્ય-ચંદન ગજ્જર…

 

લેખક-સંયોજક-મલીક શાહનવાઝ “શાહભાઈ” દરબાર ગઢ દસાડા પીન-૩૬૩૭૫૦….ઓક્ટોબર ૨૦૧૮.