જીવન ==ભાગ == ૩

ભાગ-૨ વાંચવા અહી ક્લીક કરો..

 

રોહિણી સીધી જ રસોડા તરફ પોહોચી , નાનો ભાઈ ડબ્બા ફંફોળી રહ્યો હતો . રોહિણી ને જોતા જ તે બોલ્યો “ રોહિણી !! મને બહુ ભૂખ લાગી છે કોઈ નાસ્તો નથી ?? ખાખરા પણ ખલાસ છે હવે શું ખાઉં ? ભૂખ ની મારી નીંદર પણ નથી આવતી ..કાલે નાસ્તો બનાવી રાખજો .”
કહી તેણે ફ્રીઝ માંથી દૂધ કાઢીને કાચનો ગ્લાસ ભર્યો .
તે ટેબલ સુધી ગયો ત્યાં જ રોહિણી બોલી “ ભાય્લું એક મિનીટ હું તારા માટે સેવ મમરા કરી આપું , આમ ભૂખ્યું ન સુવાય .”
અને તે મમરા વઘારવા લાગી .. લાઈટ ચાલુ થતા ભાય્લા કાકા પણ ઉઠી પડ્યા અને આખો ચોળતા ચશ્માં ને કાન પર
ગોઠવી સરખા પહેરતા બોલ્યા “ આ નાનકાને તું જ બગાડે છે તારા લાડ થી જ તે બગડ્યો છે વોલીબોલ ની પ્રેક્ટીસ કરવા જલદી માં તે બરોબર જમ્યો પણ નહિ અને હવે ભૂખ લાગી છે દીકરા ને !! રોહિણી પણ થાકી હોય ને !! ખાલી દૂધ પી ને સુઈ ન જવાય ? “”
રોહિણી કાકા ને શાંત પાડતા બોલી “ કાકા આ લો !! આ નાનો વાટકો તમે પણ ગરમ ગરમ ખાઓ !! અને મારી સાથે હિચકે ચાલો આમ પણ મને ઊંઘ આવતી નહતી .”
કહેતા જ તે ઝૂલા પર ગોઠવાઈ અને બાજુમાં કાકા જે તેના એક સારા મિત્ર અને હમદર્દ બની તેની સાથે સદાય રહેતા અને તેની દરેક વાત સાંભળવા સજાગ રહેતા …
ઘરના તમામ લોકો ને રોહિણી માટે માન ખુબ હતું પ્રેમ પણ ખુબ પણ રોહિણી ના દિલની વાત તો ફક્ત ને ફક્ત કાકા જ સમજતા હતા ..

કાકા મમરા નો ફાંકડો મોં માં મુકતા બોલ્યા “ રોહિણી તારા પપ્પા ને કોઈ સારા ડોક્ટર ને ફરી બતાવીએ તો ? તેને ચાલવા ની , નીચે સંગીત રૂમમાં આવીને સિતાર વગાડવાની બહુ ઈચ્છા થાય છે પણ તેના પગે જવાબ આપી દીધો છે તે નીચે પણ ઉતરી નથી શકતા તો અહી સુધી કેમ આવે ? તું કોઈ સારા ડોક્ટર ની તપાસ કરને ? પીનાકીન તો દિવાળી પર આવશે ત્યારે વાત કરવા માટે થોડું મોડું થશે ..તો તું જ કૈક કરને બેન !!”
પોતાના કાકા ને આશ્વાશન આપી તે પોતાના રૂમમાં સુવા ચાલી .
સવાર પડતા જ રોહિણી અને બહેન સૌ માટે ગરમ નાસ્તો અને ટીફીન ની રસોઈ કરવા લાગ્યા …સૌ પોતાનો ડબ્બો લઈ ને શાળા ,કોલેજ તેમજ પોતાના સંગીત વર્ગ માટે નીકળી ગયા ..રોહિણી પણ પપ્પા ને ચા અને નાસ્તો કરાવીને જલ્દી જલ્દી પોતાનો ડબ્બો લઈને કાકા ને ઘરનું પડતર અને પપ્પા નું નાવા ધોવાનું કામ સોપીને જલ્દી થી બેન્કે જવા નીકળી .

રસ્તા માં રોજની જેમ આજે પણ ઘણા પરિચિતો મળ્યા ..બધા સામે હસતી અને કેમ છો જેવા ચિંતિત સ્નેહ સાથે ખબર પૂછતી તે એક ગલી થી બીજી ગલી અને સૌ ફળીયા પસાર કરતા કરતા જ પોતાની બેંક પાસે પોહોચી ગઈ તે રોડ ક્રોસ કરતી હતી ત્યાં જ પાછળથી એક પરિચિત અવાજ આવ્યો “ રોહિણી !! બેટા !”
રોહિણી એ જલ્દી થી પાછળ ફરીને જોયું ….

“ અરે મંદામાસી , કેમ છો ?
“ બસ દીકરા !! ચાલ્યા કરે !! તારા પપ્પા ને કેમ છે ? હમણા તો તમારા ફળીયા માં આવી જ નથી , બાકી જરૂર તારી ઘરે આવત .. આમ પણ મારે તારું જ કામ છે જો તને સમય હોય તો થોડી વહેવારિક કામ માટે તારી સાથે વાત કરવી છે ..”
રોહિણી એ ઘડિયાળ માં જોતા કહ્યું “ માસી આ રવિવારે ઘરે જ આવજો ને ત્યાં જ જમીને જજો પપ્પા ને પણ સારું લાગશે .અને તમને પણ ઘરના બધા જ મળી લેશે ! “’
“ સારું દીકરા તો હું એમ કરીશ.. પણ તું વહેલી પરવારી લે જે જેથી શાંતિ થી બેસાય . ચાલ ત્યારે આવજે “ “”
કહીને માસી ત્યાંથી નીકળ્યાં . અને રોહિણી જલ્દી થી બેંક માં ઘુસી .

બેન્કમાં જલ્દી પોતાના ટેબલ પર આવી ને ઘડિયાળ માં જોયું તો રોજની જેમ આજે પણ દસ મિનીટ મોડી પોહોચી હતી ..
આમતો બેન્કમાં કોઈ તેના હિતશત્રુ તો નહતા પણ ક્યારેક બાજુના ટેબલ પર બેસતા મીસીસ પારેખ તેને કહી મુકતા કે “
રોહિણી તું રોજ રોજ મોડી પોહોચીશ ને તો કોક દિવસ કોઈક તારી ફરિયાદ મેનેજમેન્ટ સુધી પોહોંચાડી દેશે . જરા સમયસર આવતી જા .”
“ હા હો સાચી વાત છે .” તેવો ટૂંકો જવાબ આપી તે પોતાના કામમાં લાગી ગઈ હજુ બેકનું બધું જ કામકાજ મેન્યુઅલ જ થતું હતું ..
લેઝર માં રોજના વ્યવહારની એન્ટ્રી પાડવી , પૈસા ને હાથ વડે ગણવા અને સમયસર રેમીટેશન માટે બીજી બ્રાંચ માં મોકલવા જેવી બધી જ કાર્યવાહી માં એક ઓફિસર તરીકે રોહિણી ની ભૂમિકા બહુ જ મહત્વની હતી .ક્યારેક તો સાથે લઇ ને ગયેલું ટીફીન પણ ખાધા વગર પાછું લાવતી .તેની નિષ્ઠા અને સાદગી થી તે સૌ ને પ્રિય હતી અને સૌ ને કામમાં મદદરૂપ પણ થતી .

આજે આખો દિવસ ખુબ કામ માં વીત્યો અને સાંજે ફરી તે ઉતાવળે ડગલે ઘરે તરફ આવવા નીકળી ..
રસ્તા માંથી નાનકા માટે સુકો નાસ્તો ,પૌવા , સિંગદાણા ,જેવી વસ્તુઓ અને શાકભાજી પણ લઇ ને તે ઘરે આવી ત્યાં સુધીમાં સાંજના સાડા સાત વાગી ગયા ..

(ક્રમશ )

અલ્પા પંડ્યા દેસાઈ …