તમે બાલદિન ઉજવ્યો? કેવો ઉજવ્યો? બાલદિન એક જ દિવસ પૂરતો છે?

બાળકોનો ખાસ દિન એટ્લે 14મી નવેમ્બર. આપણા દેશમાં જવાહરલાલ નહેરૂના જન્મદિવસને ‘બાલદિન’ તરીકે ઉજવવામાં આવે છે. બચપણથી આપણે આ દિન ઊજવતાં રહ્યાં છીએ. બાળકોની માટેનો આ દિવસ શાળાઓમાં તો સરસ ઉજવાય જ છે. સરકાર હવે વધુ જાગૃત થઈ રહી છે એટ્લે બાળકો માટે સારા કાર્યક્રમો પણ થતાં જોવા મળે છે અને ધીમે ધીમે ટીવી અને અન્ય માધ્યમોમાં પણ આ દિવસની ખાસ ઉજવણી જોવા મળે છે. તો આપણી આસપાસ તો બધે તમે જોયું કે બાલદિન ઉજવાયો, પણ તમે તમારા ઘરમાં આ બાલ દિન ઉજવ્યો? શું ઉજવણી કરી?

આ પ્રશ્ન આજે અહીં પૂછવાનો એક ખાસ હેતુ છે અને તે છે તમે આ દિવસને કેવી રીતે જુઓ છો? બાળકો આપણા જીવનનો અભિન્ન ભાગ છે ત્યારે આપણા બાળકો માટે આવો એકાદ દિવસ જો સરકારે પણ ફાળવ્યો છે, તો આપણે બાળકોને આ દિવસ નિમિત્તે કઈ રીતે જોઈએ છીએ એ અહીં મુખ્ય પ્રશ્ન છે!

બાળકોના ઉછેરમાં મા-બાપ અને એની આસપાસના વાતાવરણનો ઘણો અગત્યનો ફાળો છે. તમે બાળકને કયું વાતાવરણ આપો છો? તમારા સંસ્કાર અને તમારો વારસો બાળકને તમે કેવી રીતે પહોંચાડો છો, એ જાણવું બહુ જરૂરી છે. શું રોજેરોજ બાળકને આપણે ઘરમાં આપણી સાથે ઉછરતું જોઈએ છીએ અને એને જે વાતાવરણ પૂરું પાડીએ છીએ એ પૂરતું છે? બાળકને શાળામાં મૂકીએ, સારું ભણતર એમની જરૂરિયાતો પૂરી પાડીએ એટ્લે શું આપણી જવાબદારી પૂરી? ક્યારેક એમની જરૂરિયાત કરતાં વધુ અને એમની જિદને પોષતી દરેક વાત આપણે સ્વીકારી લઈએ એટ્લે સારું ઘડતર થયું કહેવાય?

તો પછી સાચું ઘડતર, સંસ્કાર અને વારસો ક્યાંથી મળશે? આ જ પ્રશ્ન ઉદભવ્યો છે ને તમને? ચાલો એ જ વિષે વાત કરીએ. સાચી વાત તો એ છે કે માત્ર પૈસા કે સુવિધા આપવાથી આપણે બાળકની જવાબદારીમાંથી છટકી જઈએ છીએ. સાચી જવાબદારી તો બાળકનું સાચું મૂલ્ય ઘડતર થાય એ જોવાનું છે. બાળકને એવું ગણતર અને ઘડતર આપવું જોઈએ કે એના સમગ્ર જીવન દરમ્યાન એને કામ લાગે. કેટલીક નાની નાની વાતો છે, જે અહીં આપણી સાથે વહેંચવાનું મન છે. એક નજર કરી જોજો.

1) સાચાં મૂલ્યો અને નૈતિકતાના પાઠ બાળકને ઘરેથી જ શરૂ કરીને શીખવાડી શકાય.

2) ઘરમાં શિસ્ત અને સમયપાલનની ટેવ પાડવાથી બાળક ઘરની બહાર પણ એ જ રીતે ટેવાશે.

3) ઘરમાં દરેક વ્યક્તિનું સન્માન અને એનું મહત્વ સચવાય એ પ્રમાણેનું વર્તન આપણે કરીશું તો જ આપણા બાળકો પણ શીખશે.

4) ઘરમાં આવેલી ખાવાપીવાની વસ્તુઓ વહેંચીને ખાવાની આદત કેળવાય તો બાળક પર એ વાતનો મોટો પ્રભાવ પડે છે.

5) ઘરમાં અને આજુબાજુના વાતાવરણમાં બાળકના સંપર્કમાં આવતી દરેક ઈલેક્ટ્રિક વસ્તુઓ વિષે બાળકને યોગ્ય માહિતી આપી બાળકને વીજળીનું મહત્વ શીખવી શકાય.

6) બાળકની ભોજન નિમિત્તે પણ કેટલીક ટેવો દ્વારા તેમણે અનાજનો બગાડ અટકાવવા વિષે સમજાવી શકાય.

7) બાળકની દરરોજની નિયમિત દિનચર્યામાં બાળકને પાણીનું મહત્વ સમજાવો. પાણીની બચત વિષે અને જે પ્રદેશોમાં પાણી અને અનાજ નથી મળતું એનાથી પણ માહિતગાર કરાવો.

8) બાળકનું શરીર જ્યારે વધવાની પ્રક્રિયા ચાલે છે ત્યારે એને કપડાં ઝડપથી ટૂંકા પડે છે, આવા સમયે બાળકને નવા કપડાં આપીએ તો જૂનાં કપડાંનો યોગ્ય નિકાલ એટ્લે કે જરૂરિયાતમંદ લોકોને પહોંચે એવી વ્યવસ્થા કરો અને બાળકોને સાથે લઈ જઈને એવા લોકોથી પરિચિત કરાવો કે જ્યાં બાળકોને પહેરવા માટે પૂરતાં કપડાં પણ નથી મળતાં.

9) પર્વ, તહેવાર, બાળકોના કે ઘરના અન્ય સભ્યોના જન્મદિવસે લગભગ બહાર હોટલમાં જમવાનું ગોઠવાતું હોય છે. ક્યારેક એવું જમો, પણ ક્યારેક આવા દિવસે ઘરમાં જ સારી વાનગીઓ બનાવી બાળકોને પણ પ્રોત્સાહિત કરો કે ઘરે પણ આ દરેક દિવસ ઉજવી શકાય છે.

10) સારા દિવસોની શોધ કર્યા વિના ક્યારેક અમસ્તા જ અનાથાશ્રમ, અપંગ અને અંધજનોના આશ્રમ, વૃદ્ધાશ્રમની મુલાકાત લો. એ લોકો પાસે સમગ્ર ઘર પરિવાર સાથે જાઓ અને ત્યાં તમારો દિવસ પસાર કરો. એમાં માટે ભોજનની વ્યવસ્થા કે નાસ્તો લઈ જાઓ. કપડાં કે જરૂઇરિયાતની વસ્તુઓ આપો.

11) ઘણાં બાળકોને ભણવું હોય છે, પણ યોગ્ય વ્યવસ્થાના અભાવે ભણી નથી શકતાં. ત્યારે આવા બાળકો જો તમારી આસપાસ દેખાય તો તમારા બાળકોને એ બાળકોને મદદરૂપ થવાનું શીખવો સાથે જ તમે એવા કોઈ બાળકનો ભણવાનો ખર્ચો ઉપાડી શકો તો એવું કરીને તમારા બાળક માટે આદર્શ બનો. ક્યારેક આવા બાળકો માટે પુસ્તકો, નોટબુક કે અન્ય ભણવામાં જરૂરી સાધનો લાવી આપીને બાળકના હાથે અપાવો. બાળકને પણ એ વસ્તુઓની કિમત શીખવાડો.

12) ઘરમાં દરેક વ્યક્તિની કોઈ એક ખાસ વાત હશે જેના વિષે સર્વે ગર્વ કરે. આવી વાતો દ્વારા બાળકને પણ પ્રોત્સાહન આપો કે તે પણ સારા કામ કરે અને પરિવારને ગર્વ કરાવે. ગર્વ કરાવવા માટે ઉંમરથી નહીં પણ માંથી જ મોટાં થવાનું છે એ બાળકને જરૂરથી સમજાવજો.

13) બાળકમાં કોઈ એક સારી ટેવ એટ્લે કે કોઈ એક નવી આદત પાડવાનું શીખવો. નવરાશના સમયમાં બાળક સારું વાંચન કરે, સંગીત શીખે, વાજિંત્ર વગાડતાં શીખે એ બહુ જરૂરી છે. જેનાથી બાળકની એકાગ્રતા પણ કેળવાશે.

14) બાળકને શારીરિક કસરત અને યોગ્ય વ્યાયામ શીખવો અને તંદુરસ્તી માટે કસરતનું મહત્વ સમજાવો. બાળકને કોઈ એક સારી રમતમાં પારંગત બનવા પ્રેરો.

15) ટીવી જોવાની કોઈ ઉંમર નથી હોતી, પણ ટીવી જોવામાં ઉંમર ના વીતે એ જોવાની જવાબદારી આપણી છે. ટીવી પર જોવાતા કાર્યક્રમો ક્યારેક ખરેખર સારા હોય છે, તો બાળકોને જોવા માટે પ્રેરો. પણ જો બાળક સતત કાર્ટૂન જ જુએ છે, તો તેની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ અટકી જશે એ ના ભૂલશો.

16) બાળકને ટીવી પર, રેડિયો પર અથવા તો છાપાંમાંથી સમાચાર વાંચવા, સાંભળવા અને જોવાની પણ આદત કેળવો. આજુબાજુના જગતમાં શું થઈ રહ્યું છે, એનાથી બાળક હંમેશા માહિતગાર હોય એ જરૂરી છે.

17) બાળકને અમુક ઉંમર પછી આપણે પોકેટમની આપતાં હોઈએ છીએ, તો એ પૈસાનો હિસાબ રાખો અને બાળકને એ હિસાબ આપવાની ફરજ પાડો. સાથે જ વેકેશનમાં બાળક પોતે કમાણી કરી શકે એવું કશુક પણ શીખવાડો. એને ઘરમાં જ ગ્લાસ પેઇન્ટિંગ કે બીજા ઘણાં આર્ટ અને ક્રાફ્ટની વસ્તુઓ છે, જે શીખવા પ્રેરો અને એ શીખ્યા બાદ બાળક તેવા નાના નમૂના બનાવે તેને પરિવારમાં જ કે આજુબાજુમાં વેચવા પ્રેરો. જેથી બાળકને આવક અને મહેનતનો પાઠ સમજાય. બાળકને જાતે મહેનત કરવા પ્રોત્સાહન આપો.

18) ઘરમાં ઘણાં નાના કામ હોય છે જે સાત વર્ષથી મોટું દરેક બાળક કરી શકે, તો બાળકને એવાં નાના કામ સોંપો. ક્યારેક બાળક રમત પણ કરશે, તો એને કરવા દો, પણ એની પાસેથી કામ જરૂરથી લો. જેમકે મહેમાન આવે તો મહેમાનને પાણી આપવું, ઘરમાં સોફા અને પલંગની દરી કે ચાદર બદલવી, કપડાં સૂકવવા, વાસણ ગોઠવવા,કચરા પોતું કરવું અને બીજા ઘણાં કામો બાળકને એની ઉંમર અને સમજણ મુજબ સોંપી શકાય.

19) એક ખૂબ જ અગત્યની વાત. આપણા દેશમાં છોકરો અને છોકરીનો બહુ ભેદ થાય છે. અને ત્યારે છોકરીને રસોઈ શીખવાડવામાં આવે છે અને છોકરાંને ઘરની બહારના કામ જ સોંપાય છે. તમે આનાથી ઊલટું કરો. સ્વભાવગત અને વારસામાં દીકરીઓ તો રસોઈ શીખી જ લેશે, પણ દીકરાઓને પણ આવડવું જોઈએ ને! દીકરીને ઉંબરો ઓળંગીને બહારની દુનિયા સાથે તાલમેલ કરવા દો, નહીં તો બહારની દુનિયા સાથે ઊભું રહેતાં ક્યારે શીખશે?

20) સાથે જ બાળકોને ઘરની દરેક પરિસ્થિતિથી વાકેફ રાખો. પછી એ આર્થિક હોય કે સામાજિક. બાળકને અળગું ના રાખો. એની ઉંમર અને સમજણ પ્રમાણે એને હંમેશા ઘરના દરેક પ્રશ્નો સમજાવો અને એનો પણ મત તમારા હલમાં સામેલ કરો. બાળકને દરેક પરિસ્થિતીથી અનુકૂલન સાધતાં શીખવાડો.

બસ, આટલું જ તો કરવાનું છે અને સાથે જ તમારું પોતાનું વર્તન પણ નરમાશભર્યું રાખો. બાળકના મિત્ર બનો. તો તમારા ઘરમાં દરરોજ બાલ દિન ઉજવાશે અને તમારું બાળક તમને ગર્વ અપાવશે. ઈશ્વરે તમને સાચવવા આપ્યા છે. તમારા રોબોટ બનાવવા નહીં. પછી જુઓ આપણા બાળકો જીવનના દરેક ચઢાણ કેટલી ઊંચાઈએ પહોંચીને સર કરે છે!

#જિગીષા_રાજ
ઈમેઈલ: jigisharaj78@gmail.com

#Jiggisha_Raj

આણંદથી પ્રસિદ્ધ થતાં શ્રી પ્રવિણ મેકવાનના સાપ્તાહિક #ગુર્જર_ગર્જના માં મારી કોલમ #અનુરક્ત માં મારો આજનો લેખ