“તુ થોડી દેર ઔર ઠહર જા…”

#repost (એક વર્ષ પહેલા લખાયેલું)
“તુ થોડી દેર ઔર ઠહર જા…”

‘બ્રેકફાસ્ટ’
લેખક – નીરવ માનસેતા

સમગ્ર વિશ્વ સામે લડીને જ્યારે તમે થાકો અને જેની પાસે આવી તમને ચીર શાંતિ પ્રાપ્ત થાય, અસલામતીની પીડા વચ્ચે જે તમને સતત પોતાની બાંહોમાં સમાવીને સલામતી ફિલ કરાવે, ફાટફાટ થતું માથું જેના ખોળે કે ખભે રાખતાં જ સારા બદનમાં શાંતિની લહેરખી ફેલાઈ જતી હોય, ખરડાઈ ગયેલા હાથ અને તરડાઈ ગયેલા હોઠ જેના સ્પર્શ માત્રથી સજીવન થતાં હોય, ચાસણીમાં ડૂબેલ રસગુલ્લાની જેમ જેની મહોબ્બતમાં આપણે ડૂબેલા હોય એ જિંદગીમાં આવીને બાઉન્સરની જેમ સીધાં બાઉન્ડ્રી બહાર જતાં રહે ત્યારે કેવી લાગણીનો અનુભવ થાય? મા,બાપ,ભાઈ,બહેન,પ્રેમી,પ્રેમિકા,સગા,સંબંધી કે મિત્ર સંબંધ કોઈપણ હોય પણ જ્યારે આખી જિંદગી માટે એકઠી કરેલી લાગણીની મૂડી ઈન્વેસ્ટ કરવા જાય ત્યારે અચાનક કોઈ આવીને આ મૂડીને લૂંટી જાય ત્યારે દિલ ધ્રૂસકે ધ્રૂસકે રડીને એક જ પોકાર કરે છે… “તુ થોડી દેર ઔર ઠહર જા”.

આ પ્રેમ છે ને એ માણસને દુર્બળ બનાવી દે છે. કોઈ પ્રત્યેની વધુ પડતી આશક્તિ વ્યક્તિને અશક્ત બનાવે છે. ઉગતા સૂર્યના પહેલા કિરણથી માંડી ઢળતા સૂર્યના છેલ્લા કિરણ સુધી શોરબકોરની વચ્ચે પણ ક્યારેક તમને એવું લાગે છે કે હું એકલો/એકલી છું? જીવનની રાતના અંધકારને વધુ ગાઢ બનાવતી કોઈની ગેરહાજરી તમને ખૂંચે છે ક્યારેય? એક હાથમાં બીજા હાથના અભાવના પ્રભાવથી બે આંગળીઓ વચ્ચે પડેલી ખાલી જગ્યા તમને દર્દ આપે છે…? ડગલેને પગલે કોઈની તમને સતત જરૂર પડતી હોય, કોઈની હાજરીની ગેરહાજરી સતત તમને સાલે છે? જો આવું થતું હોય તો સમજવું તમે પ્રેમમાં છો. આ બધું હોવા છતાં અને આ બધી ખબર હોવા છતાં પણ આપણે જેને કહેવાનું હોય એને કહી નથી શકતાં કે “તુ થોડી દેર ઔર ઠહર જા…”

આ બધાંથી પણ વધારે ક્યારેક આપણે ખૂદને જ ખોઈ બેસીએ છીએ. કોઈના અસ્તિત્ત્વને પામવા કે બચાવવા ખૂદનું અસ્તિત્ત્વ ખોઈ બેસવું એ પ્રેમ નહીં તો બીજું શું છે? ફૂલ ઉગ્યું છે તો ખરવાનું તો નિશ્ચિત જ છે. પણ ખરતાં પહેલાં એ ફૂલ તમારા હાથ અને હૈયામાં જો એની સુગંધ છોડી ગયું હોય તો એ જતાં સમય તો લાગવાનો જ. કોઈના આવવા કે જવાથી જિંદગી બદલી નથી જતી પણ જીવવાનો અંદાજ જરૂર બદલે છે. એ બદલાયેલા ખુદને જતો પણ આપણે રોકી નથી શકતાં, આપણી અંદર થતાં ખુદના વિસર્જનના સર્જનને પણ આપણે રોકી નથી શકતાં, ખુદને જાણતાં હોવા છતાં પણ કોઈની ગેરહાજરીમાં ખુદને માણી નથી શકતાં એટલે જ આપણે પોતાની જાતને પણ નથી કહી શકતાં કે, “તું થોડી દેર ઔર ઠહર જા”.

કોઈને જતાં રોકવામાં મોરા પડીશું તો મોડું થઈ જશે. જેમ તક ઘણી વખત હાથમાંથી જતી રહે છે એમ મિત્રો કે અન્ય વ્યક્તિઓ પણ હાથમાંથી સરી પડે છે ને અમુક ખરી પડે છે આપણે કશું જ નથી કરી શકતાં કેમકે અમુક વસ્તુઓ આપણી કલ્પના અને કાબુ બહારની હોય છે. જેને રોકવી આપણાં માટે અશક્ય હોય. એમ છતાં પણ મોકો મળે તો અધૂરી જાતને પૂર્ણ કરવા, ખાલીખમ જિંદગીને પરિપૂર્ણ કરવા જો કોઈને રોકી શકાતાં હોય, જો કોઈનામાં ફરીથી ડૂબી શકતાં હોય ને તો રસગુલ્લા બની જજો. કદાચ એ વ્યક્તિ તમારી એક પોકારની જ રાહ જોઈ રહી હોય. બુમ પાડજો, રોમ રોમ માંથી એનું નામ પોકારજો અને કહી જ નાખજો, “તું થોડી દેર ઔર ઠહર જા…” ” તુ થોડી દેર ઔર ઠહર જા…”😊

– નીરવ માનસેતા