દુઃખને આમંત્રણ આપતો સુખનો સળવળાટ

સવારે ઊઠીને ઓફિસે જતાં પપ્પા પોતાનું જેકેટ હેંગર પર લટકેલું હોવાં છતાં હાંફળા ફાંફળા થઇ શોધતાં હોય,મમ્મી ગેસ પર દુધ ઉભરાતું હોય અને સાણચી બાજુમાં પડી હોવાં છતાં હાંફળી ફાંફળી થઇ શોધતી હોય અને દાદાજી ચશ્માં છાપાની નીચે પડ્યાં હોઇ અને છાપું વાંચવા માટે હાંફળા ફાંફળા થઇ શોધતાં હોય એવી જ સ્થિતિ ક્લાસરૂમમાં દાખલ થઇ એક શિક્ષકને ડસ્ટર ન મળે કે ડોક્ટર ને ક્લિનિકમાં દાખલ થઇ સ્ટેથોસ્કોપ ન મળે ત્યારે થતી હોઇ છે.એ જ રીતે જોબ પર જતો દરેક કર્મચારી ઓફિસમાં જઇ કામની ફાઇલ પોતેજ મુકી હોય અને હાંફળો ફાંફળો થઇ શોધે…… બસ,સુખનું કાંઈક આવું જ છે,સુખ આપણી આસપાસ આપણે જ મુક્યું છે અને આપણે એને શોધવાં વલખા મારીએ છીએ.સવારે ઊઠીને સુખની શોધ કરવાં સૌ નીકળી પડીએ છીએ.દરેકને સુખને જોવાની ઈચ્છા છે કે સુખ કેવું છે?કાશ!… સુખને પકડી શકાતું હોત તો! મોટાભાગની વ્યક્તિ પોતાની દરેક ઇચ્છાની તૃપ્તિ માટે સવારથી પૈસા મેળવવાં દોટ મુકે છે કેમ કે તે એવું સમજે છે કે પૈસાથી દરેક ઇચ્છાને સંતોષી શકાય છે અને સુખી બની શકાય છે.જો ખરેખર એમ જ હોય તો મજુરી કરી ત્રણ ટાઇમ સાદુ ભોજન લઇ આરામથી ઊંઘી જાય છે એ વ્યક્તિ એમ કહે છે બસ,હું ભુખ્યો નથી ને!એટલે સુખી જ કહેવાઉં.તેનું સુખ સવારે ઉઠતાંની સાથે ઉઠે છે અને રાત્રે તેની સાથે જ પડખું ફરી સુઇ જાય છે.બીજી બાજુ છપ્પન ભોગ જોઇને જ ધરાઇ જતો વ્યક્તિ એની રૂપાળી શૈયામાં ઊંઘી નથી શકતો,તેને પોતાનું સુખ ક્ષિતિજ જેવું ભાસે છે. તેવી જ રીતે એક 15 વર્ષની દીકરી રસોઈમાં મદદ કરી ઘરનાં કામકાજ કરી હસતી ખેલતી દોડતી દોડતી શાળાએ પહોંચી જાય છે તો બીજી તરફ એજ ઉંમરની દીકરી ઉંઠીને સીધી ભરપેટ નાસ્તો કર્યા પછી પણ બે નાસ્તાનાં ડબ્બા સાથે લઇ સરસ મજાનાં યુનિફોર્મમાં હોવા છતાં એની મમ્મીને અસંખ્ય ફરિયાદો કરતી ગુસ્સામાં ચિલ્લાતી રડતી સ્કુલ બસમાં બેસે છે.ખરેખર સુખની વ્યાખ્યા શું?સુખ કયાં છે? માનવીની સુખની વ્યાખ્યા ઉંમરે ઉંમરે બદલાતી જ રહે છે.તે જન્મે એટલે ફક્ત રમકડાંમાં જ તે ખુશ હોય છે;સ્કુલમાં હોય ત્યારે ફક્ત રીસેસમાં રમવામાં જ તેની ખુશી હોય છે; યુવાનીમાં પોતાનાં પ્રિય પાત્ર સાથે અને પછી લગ્નમાં ; ધીરે ધીરે સંતાનોમાં; આમ એમની સુખને જોવાની ને અનુભવવાની સ્થિતિ બદલાતી રહે છે.સુખનું બીજુ નામ એટલે જ ખુશી અને આનંદ. વ્યક્તિને આનંદિત જોઇને બધાને એમ થાય છે કે આ વ્યક્તિ ખુબ સુખી છે.પણ,હવે તો એમાં પણ વ્યક્તિ આનંદિત હોવાનો દંભ કરે છે.વ્યક્તિ જેમ જેમ મોટો થાય એટલે સુખ માટેની તૃષા વધતી જાય છે અને અનેક ભૌતિક ચીજવસ્તુઓ મેળવવાની ઝંખના વધતી જાય છે,કદાચ એ અપેક્ષાઓ કે ઝંખનાઓ જ વ્યક્તિને સુખથી એક વેંત દુર રાખે છે. સુખની શોધમાં એટલો બધો ઘેલો થઇ જાય છે કે નાનકડી ઇચ્છા કે અપેક્ષા પુરી થાય તો પણ તેને જાણે સુખની લોટરી લાગ્યાનો અહેસાસ થાય છે.અંદરનુ સુખ તો જાણે ખોખલું થઇ ઢબુરાઇને જ પડ્યું છે.

સુખ સ્વયંમ પર નિર્ભર છે,નથી એને મુઠ્ઠીમાં બાંધી શકાતું કે નથી એને પકડી શકાતું.સુખનાં સ્વપ્નાઓ દરેકને આવે છે.સુખ નામનાં પ્રદેશમાં દરેક ને વિહાર કરવો ગમે છે. કેટલાક લોકો કહે છે તે પતંગિયા જેવું છે તમે પકડવા જાઓ તો ઉડી જાય,હા!કાંઈક એવું જ છે એને પકડવા કરતાં નિરખીને આનંદ લેવામાં જ મજા છે.સુખનાં ક્યાંય ઝાડ નથી ઉગતાં કે તમે પણ કોઈને ત્યાંથી એક રોપ ચોરીને લઇ આવો.પરંતુ માનવીની વર્ષો જુની ટેવ પ્રમાણે તે સુખ માટે વલખાં માર્યા જ કરે છે અને તે હમેશાં પોતાના સુખથી અસંતોષી એવો ઘુંટાયા કરે છે,તેનાથી બીજાનું સુખ જોઇ શકાતું નથી.એ સતત એ જ મથામણમાં હોય છે કે કાશ!કોઇનાં જેટલો હું સુખી હોત ! એમનું સુખ મારું હોત! એને છીનવી શકાતું હોત!આવી ને આવી બળતરા જ તેને દુઃખ નામનાં પ્રદેશમાં ઢસડી જાય છે.
સુખ એમની આસપાસ કે અંદર જ રહેલું છે એ સમજતાં તેને વર્ષો નીકળી જાય છે.

સુખ અને દુઃખ જીવનની અવિરત ચાલતી પ્રક્રિયા છે.સુખ અને દુઃખ વારાફરતી આવ્યાં કરે છે પરંતુ આપણી ફક્ત ને ફક્ત સુખ પામવાની જ ઘેલછા અને આપણો સુખનો સળવળાટ એટલી હદે હોય છે કે દુઃખને સામે ચાલીને નિમંત્રણ આપીએ છીએ.જીવનની નાની નાની ખુશીઓમાં મળતું સુખ આપણને દેખાતું જ નથી.આપણે વચ્ચે ઠેસ ખાવી જ નથી,પડી ગયાં હોય તોયે ઉભું થવું જ નથી;કોઈની બનાવેલી સુખની સીડી પર સીધું જ ચડી જવું છે.આવું સુખ ફક્ત લપસણી જેવું અને ક્ષણિક જ હોય છે.સુખ મેળવવાં માટે કર્મ કરવું જ પડે છે.જેમ ખુબ ગરમ થઇ અને સોનું નિખરે છે એમજ દુઃખનો સામનો કરી સંઘર્ષ કરી ગરમ રણમાં ચાલ્યા પછી જ તમે એ સુખ નામની ફુલની પથારી પર સુઇ શકો છો.અને આ સુખ ખુબ લાંબાગાળાનું હોય છે.સુખ તમે શું વિચારો છો એના પર નિર્ભર હોય છે પણ ફક્ત વિચારવાથી સુખ સામે ચાલીને આવતું નથી તેનાં માટે કર્મ કરવું જ પડે છે સપનાંઓ અરમાનો સાકાર કરવા કે સુખ પામવાનો કોઈ શોર્ટકટ નથી.તમે ધારો તો ક્ષણે ક્ષણે સુખ પણ મેળવી શકો છો અને ન ઇચ્છો તો હંમેશા સુખનો સળવળાટ તમને આખી જિંદગી સતાવ્યા પણ કરે છે.

તમારી ઇચ્છાઓ મુજબ કાંઈ જ થતું નથી;તમારી ઇચ્છા ન હોવાં છતાં કેટલીક ભુલો થઇ જાય છે; તમે જીવનની કેટલીક અથડામણોથી થાકી ગયાં છો;કેટલુંક તમારાં ધાર્યા પ્રમાણે થતું નથી;તમારી હમઉમ્ર વ્યક્તિ જ તમારાથી આગળ નીકળી જાય છે એ જોઇ ભય અને ઇર્ષાનું કયારેક સામ્રાજ્ય સ્થપાય જાય છે; કયારેક બીજાનું સુખ જોઇ સતત ભય સતાવે છે;આવા કેટલાય પાસાઓ તમારાં સુખને દુર દુર સુધી ખેંચી જાય છે.અને પછી આપણે સૌ એને પકડવા વલખાં મારીએ છીએ.અને પાણીમાંથી દુર્ગઁધ ન આવે ત્યાં સુધી ભય,ચિંતા,ઇર્ષા,ક્રોધ જેવાં કચરા ઠાલવતાં રહીએ છીએ.અને પછી સાફ કરવાં આજીવન હાંફળા ફાંફળા થઇ સાફ કરીએ છીએ કે કયાંક આ કચરામાંથી પણ મને સુખ મળી જાય. પણ એ કચરાનો નિકાલ કરવાં આપણે કેવું કર્મ કે પ્રયત્ન કરીએ છીએ બસ,આપણું સુખ એનાં પર જ નિર્ભર છે,જરુર છે ફક્ત થોડો નજરીયો બદલવાની. શું એવું ન થઇ શકે કે બીજાનાં સુખને જોઇ ચિંતિત કે ઇર્ષાથી સળગી ઉઠતાં આપણે બીજાનું દુઃખ જોઇ દુઃખી થતાં પણ શીખીએ,કયાંક એમનાં દુઃખમાં સહભાગી બનવામાં તો તમારું સુખ સમાયેલું નથી ને? પૈસા,ઇચ્છા,અપેક્ષાઓ આ બધું જ એકબાજુ મુકીને કયારેય જીવનની કલ્પના કરી છે?આ બધું એકબાજુ મુકતા જ કયાંક તમારો ક્રોધ,ચિંતા પણ એકબાજુ તો નથી મુકાયા જતાં ને?જે બન્યું છે અને બને છે એને તમે શું કુદરતી ન્યાય કે ક્રમ ન સ્વીકારી શકો?કયાંક એ સ્વીકારતાં જ તમારી બધી જ અથડામણો કે કલેશ નાશ તો નથી પામતાં ને? બસ,જિંદગીને બહેતરીન બનાવવા માટે દોડતા આપણે સૌ ક્ષણભર વિચારીએ કે જિંદગીભર જેનાં માટે આપણે હવાતિયાં મારીએ છીએ એ શાંતિ,પ્રેમ,આનંદ,લાગણી આપણી આસપાસ જ છે આ શબ્દો પણ કેટલાં મીઠાં લાગે છે નહીં? તો આ તો એવી અનુભૂતિ છે કે તમે આસપાસ વહાવશો તો એ અસંખ્ય લોકો સુધી સુખની તરસ છીપાવતાં છીપાવતાં ફરી ફરી તમારી પાસે આવશે,અને હા! કયાંક તમારું સુખ પણ આ રીસાઇકલ થઇ આવેલી પવિત્ર લાગણીનાં ઝરણાંમાં તો નથી ને?

-“રોઝિના અમલાણી”
-⚘INA AMLANI