ધનતેરસ:

ધન પાછળ ધનાધન. કેટલા મેસેજ આવ્યા સવારમાં જ, હજુ તો પૂરો દિવસ બાકી છે. મોસ્ટલી બધા જ ધન પ્રાપ્તિની શુભેચ્છાઓના. ધન જરૂરી છે જ, પણ સઘળું ધન જ છે શું? ધનતેરસ એટલે માં લક્ષ્મી સાથે વિધ્નહર્તા ગણેશ અને કુબેર સાથે તંદુરસ્તી બક્ષનાર દેવી ધનવંતરીની પણ પૂજા કરવાનો દિવસ. પરંતુ આપણે ફક્ત માં લક્ષ્મી ને રીજવીએ. કારણ આપણી માનસિકતા મુજબ જો પૈસો છે તો બધું તેની મેળે મળી જશે. પૈસો એ જ પરમેશ્વર. પૈસો બધું જ ખરીદી શકે, એટલે જો પૈસો મળી જાય એટલે પછી બીજી કોઈ મુશ્કેલી જ નહિ આવે. આવું શું સાચું છે? હવે સોશિયલ મીડિયા થકી આપણે અમુક ફોટા કે વિડીઓ જોઈ શકીએ કે, દેશના ટોપ બીલીનીયરો પણ પ્રાર્થના કરતાં કે શ્લોક બોલતાં નજરે પડે. તો જ્યાં પૈસાની કોઈ ખોટ નહિ તેમને શી જરૂર પ્રાર્થના કરવાની. પણ પૈસો બધું ના જ આપી શકે, તેનું આ ઉદાહરણ કહી શકાય.

ભગવાને જ્યારેપણ આપણા જીવની રચના કરી ત્યારે એક નિયમ બનાવ્યો છે. એક આપી ને બીજું લઇ લેવાનું. અને તેમાં તેનો ભેદભાવ નથી હોતો. તમે પાછલા જન્મોનું ચુકવણું કહો કે આ જનમની પરીક્ષા, રોજે હર એક જીવે નવી કસોટી પાર કરવાની જ હોઈ. પછી તે હેલ્થ, ઇકોનોમિક, મેન્ટલી કે પછી હોઈ કોઈ સબંધો ઉપરના સવાલ, પણ કઈકને કઈક રોજે ખૂટતું જ રહે છે. આપણે સંસારી છીએ એટલે સંતોષ આપણામાં આવે જ નહિ, કારણ સંતોષ એટલે સંત. એકાદ ભૂખ આપણને હંમેશા પૂરી જિંદગી દોડતા રાખે છે. કદાચ આપણે હરીશું તો પણ આપણી ભૂખ હંમેશા જીવિત જ રહેશે. ને આપણેને કોઈ કારણ પણ જોઈએ, બાકી પલોઠી વાળી બેસી રહેવાનું આપણને તો બહુ ફાવે. પરંતુ થોડું મળે અને જાજાની જપટમાં આપણે દોડ્યે રાખીશું. થાકીશું તો બેસી જશું, વળી ઉભા થઇ અને દોડમાં શામિલ થઇ જશું. આજનો યુગ હરીફાઈનો યુગ. તમે ધીમા ચાલો તે ના પાલવે. એટલે અવિરત દોડવા માટે તમારે ફક્ત પૈસાની જ જરૂર નથી. કારણ અત્યારે મેન્ટલી એટલા બધા આપણે વીક થઇ ગયા છીએ કે, આપણને તોડવા માટે ફક્ત એક નાનકડું દુખ કે અવરોધ પણ કાફી છે. ટફન ગ્લાસની જેમ ભાંગીને ભૂકો થઇ જશું. ત્યારે ઉભા કરવાં કોણ આવે?

ઉભા થઇ ફરી દોડવા, તમારે તંદુરસ્તી જોઈએ. તમારે એવા ટેકા જોઈએ જે તમને સાથ આપી ને ફરી બેઠા કરે. તમારે એવી સોચ જોઈએ કે તમને નેગેટીવ માંથી ફરી પોઝીટીવ વિચારો તરફ વાળી શકે. આવતા વિધ્નોને તમે કઈ રીતે કેવી રીતે દુર કરશો, તેની સમજ જોઈએ. આજે આપણામાં સહનશક્તિ માનો ઝીરો થઇ ગઈ છે, અને ધીરજ નામે મીંડું. આપણે નાની નાની વાત માં ગુસ્સે થઇ જતા હોઈએ, સુખના મોટા પ્રસંગો આપણે સમયના વાંકે જતા કરી દેતા હોઈએ, અને એક નાના સુખ માટે આમતેમ ભટકતા હોઈએ. આપણી દિશા સ્યોર હોઈ તો પણ અવરોધો તમને ડાયવર્ટ કરી જ નાખે. ત્યારે એવા ટેકા કામ આવે જેણે આપણે પ્રાર્થનામાં માંગ્યા હોઈ. માટે માંગવું સરખી રીતે માંગવું, સહજ માંગવું, સાત્વિક માંગવું. જેમ લક્ષ્મીના પણ બે રૂપ છે, સૂરી ને અસુરી. સૂરી સાત્વિક અને અસુરી તો શું કરાવે તેનું જ નક્કી નહિ. એટલે આંધળી દોટ ક્યારેક ઊંડા ખાડામાં પાડી ને ઉપર માટી નાખી દે.

પ્રાર્થના કરો આજે, કે માં લક્ષ્મીનું વહાલ હંમેશા અમારા અને અમારા સઘળા સ્નેહીજનો ઉપર વરસતું રહે, સાથે વિધ્નહર્તા ગણેશ હંમેશા આવનાર વિધ્નોને હરી લે, કુબેર ભંડારી તેના ભંડાર જેમ હંમેશા અમારા ભંડારો ભરી રાખે, અને દેવી ધનવંતરી હંમેશા તેમની કૃપા થકી અમને તંદુરસ્તી અર્પે. સમૃધી સાથે સુખ અને શાંતિ પણ માંગવી પડે. અહિયાં એક સાથે એક ની ફ્રી ઓફર ના હોઈએ. કુદરતના અફર નિયમ મુજબ જો એક મળશે તો બીજું હોમાય જશે. એટલે ફક્ત પૈસા માંગશો તો શાંતિ કે તંદુરસ્તીનો ભોગ ચડી જશે. એટલે જેમ તેમ ના માંગવું ભગવાન પાસે, વિચારીને માંગવું.

તમે કેવું જીવન અત્યારે જીવી રહ્યા છો તે જાણવું હોઈ તો, માની લો કે તમારાં આરાધ્ય દેવ પ્રસન્ન થઇ ને તમને ફક્ત એક વરદાન માંગવાનું કહે, તો તમે શું માંગશો? જે જવાબ આવશે એ જ તમારી જિંદગીનું પરિમાણ છે, કે તમે કેવા છો, કેવું જીવો છો, અને કેવું જીવશો.

મારા સઘળા સ્નેહીજનો ને ધનતેરસની ખુબ ખુબ શુભકામનાઓ.

-કુશ