નવા વર્ષનું સ્વાગત કેવી રીતે કરી રહ્યા છો? શું નવું વિચાર્યું છે_તમે?

દોસ્તો, સાલ 2019નું આગમન થઈ ચૂક્યું છે. આપણાં સૌના જીવનમાં એક નવું વર્ષ આવી ચૂક્યું છે,ત્યારે તમે આ નવા વર્ષનું તમારા જીવનમાં કેવી રીતે સ્વાગત કર્યું છે?શું શું નવું વિચાર્યું છે આ વર્ષ માટે?

2018નું વર્ષ ઘણું બધુ આપી ગયું, કેટલુંક સાથે લઈને જતું રહ્યું. રહી ગયા તો બસ આપણે….હજીયે જાણે કઈ ખૂટતું હોય એની તલાશમાં! એ જે ખૂટે છે, જો તમે એને શોધવા માંગતા હોવ, તો એને તમારી આસપાસ નહીં, પણ અંદર જ શોધો. જે કંઈ ખૂટે છે,એ ખામી કે કમી આપણી અંદર છે. ચાલો, નવા વર્ષે આ કમીને ઓળખી એને દૂર કરવા પ્રયત્ન કરીએ. જનારું વર્ષ આપણને એ શીખવાડી જાય છે કે જે ગયું છે, તે પાછું નથી અવાવનું. આપણી પાસે સારી કે ખરાબ યાદો જ રહી જરી હોય છે. તો આ યાદો જેટલી વધુ સારી હોય એટલી ભેગી કરી શકીએ તો કેટલું સારું?

આ વર્ષમાં આપણે ઘણું બધુ કરી શકીએ એવું વિચારીશું તો કદાચ આપણી યોગ્યતા કે ક્ષમતા એ બધું કરવામાં સાથ આપે કે ના પણ આપે! પણ જો કેટલુંક જ કરવા વિચારીશું અને નક્કર હકીકત સાથે એને પાર પાડીશું તો ચોક્કસ એ દરેક કામ કરી શકીશું. શું તમે તૈયાર છો, આ રીતે આગળ વધવા? તો ચાલો શરૂ કરીએ.શું શું કરી શકાય આ વર્ષના સ્વાગતમાં?

ખાસ તો કઈ જ નવું કરવાના વિચારોમાંથી બહાર આવી જાઓ. નવું ક્યારે કરવું પડે? જ્યારે જૂનું તમને ના ગમે? તો પછી તમે જીવો છો એ ખોરડું પણ તો જૂનું થઈ ગયું છે ને? એને નવું કેવી રીતે કરશો? બસ ત્યારે, વાત એટલી જ છે કે જે કરો છો એને રોજેરોજ નવા જોમ અને ઉત્સાહથી કરતાં રહો… આ માટે કેટલાક રહસ્યોને સમજો. તમારી આસપાસ જ આ રહસ્ય છુપાયું છે, તેને ઓળખો. શું છે આ રહસ્ય , ચાલો બતાવું….

1) સૌથી પહેલા તો તમને જે નથી ગમતું, જેના વિષે અસંતોષ છે, એને ઓળખો, એનું કારણ તમારી પોતાની આત્મ દ્રષ્ટિ છે : આ કેવી રીતે શક્ય બનશે એ જ પ્રશ્ન છે ને તમને? તો એ માટે પહેલા તમને ના ગમતી દરેક વાત, વ્યક્તિ કે વસ્તુ વિષે વિચારો. તેના સારા અને નરસા પાસાં વિષે ધ્યાનથી જુઓ. ત્યારબાદ એના ખરાબ પાસાને અવગણી એની સારી બાજુ જોવા પ્રયત્ન કરો. તમને સમજાશે કે તમે જે એક જ દ્રષ્ટિથી તેને જોતાં હતાં, એટ્લે એ વાત,વસ્તુ કે વ્યક્તિ તમને અણગમો પેદા કરાવતી હતી. પણ તમે એની સારી બાજુને જોઈ અને મનમાં તેની કલ્પના દ્રઢ બનાવી તો હવે એ જ વાત, વસ્તુ અને વ્યક્તિ તમને ગમવા લાગશે.

2) તારો મત એ તમારો અહમ છે, એને બદલવા કોશિશ કરો: દરેક સમયે એ જરૂરી નથી અકે તમે સાચાં જ હોવ..ક્યારેક તમારો મત અન્ય પ્રત્યે ખોટો હોય શકે, તો એને સ્વીકારતા શીખો. એને તમારા અહમને પોષવાનું અકારણ ના બનાવો.

3) વર્તમાન જ સત્ય હકીકત છે, એ સમજો. : ક્યારેક તમે ભૂતકાળના કોઈ અનુભવથી એક ગ્રંથિમાં બંધાઈ જાઓ છો અને વર્તમાનને ખોઈ બેસો છો. જે કંઈ તમે જીવો છો, એ જ વર્તમાન છે. જે જિવાઈ ગયું એ બધુ ભૂતકાળ છે, એ કેવું હતું એની પર ધ્યાન આપવાનું બંધ કરી જે જિવાઈ રહ્યું છે ત્યાં ધ્યાન આપીને એને જીવો, આનંદ લો અને સાથે જ એ વર્તમાનની ક્ષણને માણો.

4) મનનો દોરી સંચાર તમારા હાથમાં રાખો.: ક્યારેક તમે મનને એટલું બધું છૂટું મૂકી દો છો કે એ કંઇ પણ વિચાર્યા કરે છે. ત્યાં એને સારું કે ખરાબની પરવા નથી હોતી. આવું ના થવા દો.. તમારા મનને કાબૂમાં રાખતા શીખો. જ્યારે પણ તમારું મન તમને નિરાશાવાદી વલણમાં ઘેરી લે ત્યારે તમારા મનમાં અમુક વાતો વારંવાર બોલવાનું રાખો. જેમકે, “હું એ માણસ નથી.”, “ હું ખાલી ભૂતકાળને જોઈને જ આવું વિચારું છું.”, “મારે આવા કોઈ વિચારની જરુર નથી. આવા વિચારને જવા દેવો જોઈએ.” આમ આવા સૂચનો તમારા મનને કાબૂ કરવામાં મદદરૂપ થશે. સાથે જ બીજી તરફ સારા વિચારો માટે પણ કમાન્ડ આપો. જેમ કે, “ અત્યારે જે જીવાય છે, એ જ સાચું છે,”, “હું મારી જાતે અત્યારે જે છું એ જ છું.”, “આ દરેક ક્ષણનું હું દિલથી સ્વાગત કરું છું.” આમ આવું કહેવાતાહી તમારું મન આવા કમાન્ડ પ્રત્યે જાગ્રત બનશે અને તમને નકારાત્મક વિચારોથી ઘણી રાહત મળશે.

5) આ બધું કરશો તો આગળ નવા સંકલ્પ પણ લેવા નહીં પડે અને તમારા જૂના સંકલ્પો પણ પૂરા કરી શકશો.. હા, તમારે જીવનમાં નવું પરિવર્તના લાવવું હોય તો એ પણ નવા વર્ષમાં લાવવા વિષે વિચારી શકાય. અને એ પરિવર્તનનું પહેલું પગથિયું એટ્લે સકારાત્મક અભિગમ.
તો દોસ્તો, છો ને એક નવા અભિગમથી નવા વર્ષનું સ્વાગત કરવા માટે? તો ચાલો આજથી જ લાગી જઈએ એક નવી શરૂઆત કરવા માટે.

 

#જિગીષા_રાજ
ઇ-મેઈલ: jigisharaj78@gmail.com