પ્રકૃતિમાં સંભળાતો આઇ લવ યુ નો કોલાહલ એટલે ચોમાસું

“પ્રકૃતિમાં સંભળાતો આઇ લવ યુ નો કોલાહલ એટલે ચોમાસું
સમગ્ર પ્રકૃતિ પર ચુંબન વરસાવતો વરસાદ એટલે ચોમાસું”

વરસાદને આવકારવાની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી હોઈ એવું સહજ રીતે પ્રકૃતિમાં અનુભવાય છે.વરસાદનાં આગમન પહેલાનો પ્રકૃતિનો સ્પર્શ પણ અનુભવવા જેવો જ હોય છે બોલકી પ્રકૃતિ વરસાદનાં વિરહમાં જાણે સુનમુન થઈ બેઠી છે એક પળે એક હગ કરી એની આગને ઠારવાનું મન થઇ આવે,પણ એ પણ માણસનાં જેમ સામાન્ય વ્યક્તિ અને પ્રિયજનનો ભેદ પારખવામાં પાવરધી છે વરસાદ એનાં હૈયાંને ટાઢક

આપે એ પ્રકૃતિમાં વસતો સામાન્ય માણસ કઈ રીતે આપી શકે?
એટલે જ જેમ કોઈ પ્રેયસી કે પ્રિયજનની યાદમાં રાહ જોતા પ્રેમીની જેમ પ્રકૃતિ પણ વરસાદનાં વિરહમાં તડપતી વેદનાનું ગાન કરતી વરસાદને પોકારે છે.સમગ્ર પ્રકૃતિમાં છવાયેલો સન્નાટો એના ઉર ભીતર સળગતી આગની સૌ કોઈને પ્રતિતી કરાવે છે.વર્ષાૠતુનાં આગમનનો ચાતક પક્ષી જાણે ઢંઢેરો પીટે છે તો વળી બપૈયો વિરહણી પ્રકૃતિને સાથ આપતો આંતર્નાદ કરે છે.સાહિત્યમાં બપૈયા ઉપર અનેક કાવ્યો લખાયા;મીરાંબાઈ પોતાનાં ભજનમાં ગાય છે કે”પપૈયા રે પિયુકી વાણી ન બોલ સુણી પાઠવેલી વિરહણી રે,થારીરારેલી પાંખ મરોડ”-“હે બપૈયા!તું પિયુ’એ શબ્દ ન બોલ,કોઈ વિરહણી સાંભળશે તો તારી પાંખ મરડીને તોડી નાખશે” વળી મોરલાનાં ચહેરાને વાંચવાની તો મજા પડે એવો દયામણો લજ્જાથી વરસાદની રાહ જોતો ઉભો વરસાદને સાદ પાડે છે. ઝવેરચંદ મેઘાણી કહે છે-“મોરલા હો! મુને થોડી ઘડી તારો આપ અષાઢીલો કંઠ” વૃક્ષો આગની વચ્ચે પણ ડાહ્યા ડમરા બની અખંડ ઉભા રહે છે.ચારે બાજુ વરસાદની કાગડોળે રાહ જોવાતી હોય એવામાં પ્રકૃતિની લગોલગ બેસી એની પીડાને અનુભવતાં ;ગરમીથી તપતી ધરતી પર વસતા પેલા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને કેવી રીતે ભુલાય?એ પણ આતુરતાથી વરસાદની રાહ જોવે છે; વરસાદ પછીની રોમેન્ટીક પળની રાહ જોતાં એ પણ કાંઈક વ્યથા અનુભવતાં ગાર્ડનનાં બાંકડે પેલા મોરલા જેવો ચહેરો લઇ બેસી રહે છે.

આ સમગ્ર પ્રકૃતિનાં પોકારને સાંભળ્યાં પછી ધીરે ધીરે જાણે પ્રકૃતિનાં સાદને કાન ધરીને સાંભળતાં હોય,પ્રકૃતિ સાથે સાયુજ્ય સાધતા આકાશમાં વાદળો ઉમટી પડે છે.કેટલાક કાળા સફેદ રંગો પાથરતા દોડતા તો કયારેક ક્ષણોમા પ્રકૃતિને હગ કરવાં ઉભા રહી જાય છે.વળી વીજળીને કયાં એનાથી જરાય છેટું છે?એનાં બોયફ્રેન્ડનો (વાદળાઓનો) પોકાર સાંભળી એ પણ સડસડાટ મળવાં આવતી દોડતી ગર્લફ્રેન્ડનાં જેમ પાછળ જ આવે છે.એ ચમકતી ચમકતી તૈયાર થઈને આવી હોય એમ વાદળાને પ્રેમ કરતી સાથે સમગ્ર પ્રકૃતિ પર પ્રકાશ ફેંકી જગાડે છે.ઘરે ઘરે જઇને જાણે આઇ લવ યુ કહી ડોકાચીયા કરી આવે છે.તો વળી કેટલીકવાર આકાશે ગરજી વાદળનાં પડને વીંધીને આવે અને ધરતીને ધૃજાવી જાય છે અને જંગલમાં જઇ એક એક પશુ-પંખીને પોતાનાં આવી જવાનાં વાવડ આપે છે.અદમ્ય ઝંખના પછી પ્રકૃતિમાં વરસાદની પધરામણી થાય છે અને ચોતરફ જાણે આઈ લવ યુ નો કોલાહલ સંભળાતો હોય એ રીતે સૌ કોઈની તૃપ્તિ કેટલુ સરસ અને પ્રભાવક ચિત્ર રચે છે. ઉન્માદો વચ્ચે પશુ-પંખી વરસાદનાં ઓવારણા લેતાં એક દિશાએથી બીજી દિશાએ જતાં જાણે સૌ કોઈનાં કાનમાં ખુમારીથી આઈ લવ યુ કહેતા હોય એ રીતે ઉડાઉડ કરે છે.પાણીની અધૂરપ વાળી ધરતી વરસાદથી તરબતર થઈ મધુરપવાળી બની મહેંકી ઉઠે છે.

મોનસુન કે રેઈન કરતાં ચોમાસું અને વરસાદ શબ્દ કેટલો મીઠો લાગે છે?ચોમાસું અને વરસાદ ઇશ્વરની અનુપમ લીલા અને પ્રકૃતિની કલા છે.વરસાદ પછીની પ્રકૃતિની સુંદરતા એક શક્તિ અર્પે છે;બધું જ તેજસ્વી અને સુંદર ભાસે છે;મુરઝાયેલા મનુષ્યને જાણે આશાસ્પદ બનાવે છે.વરસાદી વાતો,સૌના અંતરને જગાડતી વીજળી,સડસડાટ દોટ મુકતો પવન,ભોળા,હલકા,ફૂલકા વાદળાઓ,ઉંચાઈ સર કરતાં પર્વતોને વ્હાલ કરતું ઘાસ ,શબ્દ વૈભવ સાથે ઉભરતી લાગણીઓ આ બધું કેટલું રોંમાચક હોય છે નહીં?ફુંફાડા કરતાં ભવ્ય ધોધ તો વળી મીઠા ઝરણાંઓ રોમેરોમને નવપલ્લવિત કરી નાખે છે.તો વળી વરસાદમાં ધુબાકા તો જાણે જીવનમાં રોમાંચક સાહસના ધુબાકા મારવા માટે પ્રેરણા આપતા હોય અને કાદવને તો વ્હાલ કરવાનું મન થાય;કાદવમાં ચાલવાની મજા પણ કાંઈક અનેરી; સંકોરાયેલી લાગણી ભીની ભીની લપસતી લપસતી બહાર આવતી હોય એવું લાગે.

પ્રેમ,રોમાંસ અને વરસાદને તો વળી સદીઓ જુનો નાતો છે.ચોમાસું એટલે જ પ્રેમનું અવતરણ.વરસાદ પ્રેમને સાથે લઈને જ આવે છે.વરસાદનું આગમન અને બારીમાંથી આવતી વાંછટ જાણે વ્યક્તિને ફરી ફરી પ્રેમમાં પડવાં મજબુર કરે છે.ચાતક પક્ષીની જેમ જ રાહ જોતા પ્રેમીઓ વરસાદને પ્રેમનો વરસાદ ઓળખાવે અને સમગ્ર પ્રકૃતિ વરસાદને ચુંબન કરતી જોવા મળતી હોય ત્યારે એ જ પ્રેમીઓ વરસાદથી ભીંજાયેલા બાંકડા પર બેસી એકમેકનાં ચુંબનમાં ભીંજાતા હોય તો ઈશ્વરનાં દરબારમાં એનાથી પવિત્ર અને અદ્ભૂત ક્ષણ કઈ હોય શકે? પ્રકૃતિનું વરસાદી નૃત્ય પ્રેમીઓના હ્રદય અને મનને ડોલાવી જાય છે તો કયાંક પ્રિયજનની યાદને તાજી કરાવી જાય છે અને વરસાદ પછી રચાતું મેઘધનુષ્ય પ્રેમનાં ચાહતનાં રંગો લઇ આવે છે.આ બધામાં પ્રિયજનની મુલાકાત અને પ્રેમભરી ચા ની ચુસ્કી આપોઆપ ગોઠવાય જાય અને એ ઇન્દ્રધનુષનાં રંગો જીવનમાં આપોઆપ રંગ ભરી દે છે.સૃષ્ટિમાં ઇર્ષા પાત્ર બને એવા યુગલો જાણે સમગ્ર પ્રકૃતિને વ્હાલ કરતાં નજરે ચડે છે. સમગ્ર પ્રકૃતિ જાણે પ્રેમમય બની હોય છે.

અને હા! જયારે પ્રકૃતિ વરસાદને તસતસતુ ચુંબન આપે અને વૃક્ષો,વનરાઇઓ,પશું,પંખી, પવન,વાદળો,વીજળી,ઘાસ,પર્વતો,ખીણો, ડુંગરાઓ તથા ઝરણાઓ આઈ લવ યુ નો કોલાહલ મચાવે ત્યારે સમજવું કે ચોમાસું જામ્યું છે.ગર્લફ્રેન્ડનાં કોમળ ગાલ પર પડેલા વરસાદનાં બુંદને લુછતો બોયફ્રેન્ડ તળાવની પાળે જોવા મળે અને રીસાયેલી પ્રિયતમા સામેથી ફોન કરે ત્યારે સમજવું કે ચોમાસું જામ્યું છે.બાળકોનો વરસાદી ધૂબાકા ભર્યો પ્રેમનાદ સંભળાય ત્યારે સમજવું કે ચોમાસું જામ્યું છે.કાકીને હાથ પકડી છત્રી ઓઢાડી લઈ જતા કાકા નજરે ચડે ત્યારે સમજવું કે ચોમાસું જામ્યું છે. અને અંતે એક ડોસો ડોસીને વ્હાલ કરતો નજરે ચડે ત્યારે સમજવું કે ચોમાસું જામ્યું છે.

-“રોઝિના અમલાણી”