પ્રિય ગુરુવારી મિત્ર, કેમ છો?

તમે જાણો છો કે દર ગુરુવારે એક કવિ/કવયિત્રીની એક રચનાનું તટસ્થ વિશ્લેષણ આપું છું, સાથે મારી રચના પણ મોકલું છું. મારી એક વિનતી છે કે મારા Boradcast Listમાં તમારું નામ સામેલ કરેલ છે. તમને ન ગમે તો મને કહેજો હવે પછીથી તમને દખલ નહિ કરું. તમે disturb થાઓ તેમ હું ઈચ્છતો નથી.
આજની ગુરુવારીમાં રાજકોટના જાણીતા કવિ શ્રી રાકેશ હાંસલિયાનું સ્વાગત કરું છું. તેઓ ખેડૂતપુત્ર છે. જમીન કેળવવાને બદલે એમણે ભારતની ભાવી પેઢીના મન/મગજ કેળવવાનું નક્કી કર્યું. હાલ તેઓ શિક્ષક તરીકે રાજકોટની એક ગ્રામ્યશાળામાં ફરજ બજાવે છે. એમણે ૨૦૧૪માં જે તરફ તું લઈ જશે… પ્રથમ ગઝલ સંગ્રહ આપ્યો જે બદલ એમને મનહરલાલ ચોકસી એવોર્ડ થી નવાજવામાં આવ્યાં. અગામી થોડા જ મહિનાઓમાં એમનો બીજો સંગ્રહ પણ માણવા મળશે. એમની ગઝલોમાં અનુઆધુનિકતા ઊડીને હૈયે વળગે તેવી છે. ચાલો, એમની ગઝલ માણીએ…

સાવ ચોખ્ખી આંખમાં નાખી કણું,
દઈ ગયો વંટોળીયો સંભારણું
મત્લા ગઝલઘરનો દરવાજો છે. દરવાજો જોઇને ઘણું ખરું સમજાઈ જાય કે ઘર કેવું હશે. અહી, પ્રેમ થયાં પછીની ઝંઝાવાતી સ્થિતિ કેવી થાય છે તે સમજાય છે. પ્રેમ થાય ત્યારે આંખ ચોખ્ખી હોય છે. પ્રેમનું કણું (રજકણ) આંખમાં આવી જાય અને એ પોતાના અંજામ સુધી ન પહોચે તો એ ક્ષણો વંટોળીયા જેવી જ લાગે. હવે એ યાદનું કણું આંખમાં ખટકતું રહે ને સતત યાદ અપાવતું રહે….કાયમી સંભારણું બની જાય. પ્રેમ સફળ કે નિષ્ફળ હોઈ શકે પણ એની યાદો તો સંભારણા જેવી જ હોય… કણા જેમ ખટકે તો પણ મમળાવ્યા કરો. આ શેરને એમ પણ સમજી શકાય કે સાવ નિર્દોષ વ્યક્તિના મનમાં કોઈ વંટોળીયા જેવો માણસ ગેરસમજો ભરીને ઉત્પાત મચાવી શકે. કવિ સાની મત્લા રજૂ કરતા કહે છે…

આ જનમમાં હાથ લાગે તો ઘણું
ક્યાંક મૂકાઈ ગયું છે ટાંકણું
ટાંકણું? શાના માટે? અને એ પણ આ જનમમાં જોઈએ છે. હા, ટાંકણું… જીવનને ઘડવા માટે ગુરુ રૂપે કે સદવિચારો રૂપે કે સદાચરણ રૂપે ટાંકણું તો જોઈએ ને! કવિએ વેધક કટાક્ષમાં કહી દીધું કે આ જનમમાં જ મળી જાય તો ઘણું, તો જીવને, આત્માને, જીવનને ઘડી શકાય. ‘કયાંક મૂકાઈ ગયું છે’નો મતલબ એ થયો કે પહેલાં પાસે હતું, હવે નથી. એ ટાંકણું ફરી હાથ લાગવું જોઈએ. વૈદિક પરંપરા મુજબ આપણે ગત જન્મનાં સંચિત કર્મો લઈને જન્મીએ છીએ. અને એ કર્મોથી આપણે ઘડાયાં પણ હવે આ જનમમાં એ ફરી હાથ લાગે તો ઘડતર કદાચ પૂર્ણતા પ્રાપ્ત કરે. આગળ વધીને કવિ ત્રીજા શેરમાં કહે છે…

સાવ ખાલી હાથ તું આવ્યો અહીં
બોલ જીવા! શું પછી ખોવાપણું
કહે છે ને કે કવિ પોતાની સાથે બહુ વાતો કરે, એ ખરું, પણ અહી તો એ પોતાના જીવ સાથે જ વાત કરે છે… બીજા શેરનું અનુસંધાન અહી પૂરું કરે છે કે ટાંકણું મળે તો ઘડીએ, ન મળ્યું તો? જીવ કે આત્મા તો વસ્ત્રોની જેમ શરીર બદલે છે. એને શું ફેર પડે છે? જેવો આવ્યો તેવો જશે ને ફરી બીજું શરીર ધારણ કરી ટાંકણું શોધવામાં લાગી જશે…

કેવી કેવી કલ્પના લોકો કરે,
જો સવારે પણ ન ખૂલે બારણું
સવાર એટલે દિવસનો ઉઘાડ, ઘરનો ઉઘાડ, આંખનો ઉઘાડ અને અનેક સૂતેલા જીવોમાં ચેતનાનો ઉઘાડ. પણ ઉઘડવાના સમયે જ બારણું એટલે કે આંખ એટલે કે માણસ ઉઘડે નહિ તો? કેવી કેવી કલ્પનાઓ થઇ જાય! જો બાર મહિનાનું બાળક બોલે નહિ તો, 7 વર્ષે પણ શાળાએ જાય નહિ તો, પુખ્ત ઉમરે પણ લગ્ન કરે નહિ તો એટલે કે આપણે જે સમયે જે કરવાનું હોય તે કરીએ નહિ તો લોકોને કલ્પનાઓ કરવાનો છૂટ્ટો દોર મળી જાય. કેટલા સહજ શબ્દોમાં બહુ મોટી વાત કરી છે!

કોઈ લૂટીને ગયું સઘળી મતા
આગલા ભવનું ભરાયું માંગણું
આપણી સાથે જે ઘટનાઓ બને છે તેમાં ક્યાંક કોઈને કોઈ કર્મફળ હોય છે. ગીતાનો એ સાર છે. કોઈએ કઈ લૂટી લીધું તો એ એનું કર્મ હશે પણ આપણું લૂટી લીધું તો એમાં આગલા ભવનું આપણું કોઈ ભરણું કે લૂટનારનું માંગણું બાકી હશે. એક રીતે જૂઓ તો મનને સાંત્વન આપીને, થઇ ગયું એને રડવાને બદલે ફરી નવા જોમ સાથે કામે લાગી જવાની આ સલાહ છે..

== રચનાકાર : રાકેશ હાંસલિયા (રાજકોટ), વિશ્લેષણ : મંથન ડીસાકર (સુરત) ગ્રંથસૌજન્ય : ડો. પારસ હેમાણી

બંધારણ ચર્ચા : આ ગઝલમાં –કણું, સંભા-રણું, ઘણું, ટાં-કણું, ખોવા-પણું, બા-રણું, માં-ગણું એમ કાફિયા લીધા છે. એટલે કે કાફિયા –અણુ- કહેવાય. આખી ગઝલમાં કવિએ કાફિયા પાસેથી જે કામ લીધું છે તે કાબિલે દાદ છે. આ ગઝલમાં કવિએ રદીફ લીધી નથી માટે આ ગઝલ ને ‘ગૈરમુરદ્દ્ફ’ ગઝલ કહેવાય છે. બહુ પ્રચલિત રમલ છંદમાં લખેલી છે જેનું બંધારણ છે; ગાલગાગા ગાલગાગા ગાલગા. પ્રથમ શેર મત્લા છે અને બીજો શેર પણ મત્લા બનેલો છે માટે આવા બીજા મત્લાના શેરને સાની મત્લો પણ કહેવાય છે.

અને હવે મને પણ સ્વીકારશો…
== ગઝલ : ઘટના બને ==
વાંક હો મારો, કરે નહીં માફ તો ઘટના બને.
આપણી વચ્ચે વધે જો બાફ તો ઘટના બને,

દોડતી આવી નદી એમાં ભળે છે બેસબબ,
ને લખે સાગર જો પેરેગ્રાફ તો ઘટના બને.

કેટલા ગુના કરી મંદિરમાં આવ્યાં કરે,
થાય પથ્થરથી હવે ઇન્સાફ તો ઘટના બને.

ખુદને એ પંપાળીને મોટો કરે જાહેરમાં,
જાતથી જો થઇ શકે ખિલાફ તો ઘટના બને.

ચંદ્રનું તો ઠીક છે, ચાલ્યા જવું નિશ્ચિત છે,
આભ રાખે એનો ફોટોગ્રાફ તો ઘટના બને.

આંખની સરકારમાં આંસુ, નજર, સપના સહીત
સાચવી લેવાય આખો સ્ટાફ તો ઘટના બને.

==મંથન ડીસાકર (સુરત)
(150) ગુરુવાર તા 01/11/2018