બહાર ટમટમ વરસાદ વરસતો

એ ચોમાસાની ઉમસ ભરી ભેજવાળી રાતો જેણે કાઢી હશે એ લોકોને પદ્મશ્રી એવોર્ડ આપવો ઘટે, એ સમયે વીજળી ખરી પણ વરરાજાની ફઈ જેવી એક ક્ષણમાં તો જાણે હતિજ નઈ,

સહેજ પવન ફૂંકાય તો ગઈ અને વળતી ક્યારે વળશે એતો નક્કીજ નઈ, સાંજ પડે વાયરમેન ને શોધવા જાવ તો એ દારુના પીઠા માં મળે અને આખા વિદ્યુતતંત્રને ગાળો બોલતો હોય,

બહાર ટમટમ વરસાદ વરસતો હોય પવનને જાણે કોઈકે આ બાજુ ફરકવાની ના કહી હોય, અંદર પરસેવો આખા શરીરમાંથી રેલાની રુપે નીકળે જ જતો હોય, ઠુંસલા(નાના મચ્છર)લોહીનો ભાવ ના પૂછતાં હોય, અને આવી એક રાત નહીં પણ ચોમાસાની વર્ષાઋતુની અનેક રાતો અને એ પણ કેટલાય વર્ષો સુધી અમે સહન કરી છે,

પણ કહેછે કે એક બુરાઈ સો અચ્છાઈ ને જન્મ દે છે,
વીજળી તંત્ર આપણા હાથમાં હતું નહીં અને વાયરો ફૂંકાય કે વીજળી બંધ થાય એટલે ઊંઘ આવે નહીં તો એનો ઈલાજ અમે વાંચનમાં શોધ્યો,

ચોમાસું શરૂ થયાનાં પંદરેક દિવસ પહેલા અમદાવાદ રવિવારીમાં સવારે વહેલી બસમાં જતા રહેવાનું અને એલિસબ્રિજ ઉતરીને નીચે નદીના પટમાં ગુર્જરી બજાર રવિવારી પણ કહેવાય એ ભરાય કોઈ પણ વ્યક્તિને એની રુચિ પ્રમાણે અહીં જોઈતી વસ્તુ મળી રહે,

અમે શોધીએ પુસ્તકો અને સમય પસાર કરવાની નીતિ, કિલોના ભાવે પુસ્તકો મળતા અને એટલા સસ્તા પુસ્તકો મેં ક્યાંય ના જોયા, IAS IPS કે GAS ની પરીક્ષામાં જનરલ નોલેજના સવાલો બહુ પુછાય એ બિચારા એ પુસ્તકો ગમે તે રીતે ખરીદી લાવતા હોય પણ પછી કિલોના ભાવે વેચી મારતા અને એજ પુસ્તકો દશ વિસ રૂપિયા નફો ચડાવીને આ રવિવારી બજાર વાળા વેચી નાખતા,

બાકી નાના મોટા પુસ્તકો અઢળક મળતા અને જેટલા પૈસા કે તમારી ઊંચકવાની કેપેસિટી પ્રમાણે ખરીદી કરો ત્રણ ફેરા કરીને બ્રિજ પર લઈ જાવ અને રિક્ષામાં મૂકી ગીતામંદિર એસટી, અમારું પ્લેટફોર્મ નં ૮ ત્યાં જઈને પાણી પીવા મળે લોકલ અને એક્સપ્રેસ બસના ભાડામાં ધરખમ ફેરફાર એટલે અમે ગામડાના લોકો લોકલ બસ વધુ પકડતાં, બસ પ્લેટફોર્મ પર મુકાય ત્યાં સુધી જો સમય હોય તો “ચેતના” રેસ્ટોરાં માં જમવા જતાં, પુરી શાક કેરીનો રસ અનલિમિટેડ થાળી રુપિયા ૪૫/- અને રેસ્ટોરાં વાળાને પણ લાગવું જોઈએ ને કે ૪૫/- એમને એમ નથી આવતા,

જમીને ગીતામંદિર આવી ને બેચાર દસાડા ના જણ મળી જ જાય બસ પ્લેટફોર્મ પર લાગે એટલે કોથળા ઉપર ચડાવી ને એક પુસ્તક હાથમાં લઈને બેસી જતાં અને વહેલું આવે દસાડા, એમાં કોઈ મુરબ્બી અંદર હોય તો એક ઊંચા સાદે હાંક સંભળાય કે શાહભાઈ ટીકીટ ના લેતો તો આપણે તો એય રાહત,

સાંજે દસાડા પહોંચી કોથળા ઉતરાવી ઘેરથી સાયકલ લાવી ત્રણ ફેરા કરી નાખવાના, અને જાણે બાર મહિનાનું સીધું ઘરમાં ભરી દીધાનો સંતોષ,

માટલાં મુકવા અઢી ફૂટ ઊંચું આઠ આની સળિયાનું ત્રણ પગ વાળું એક સ્ટેન્ડ ગામડાના લગભગ તમામ ઘરમાં હોય કારણ કે રાત્રે બહાર ફળિયામાં સુઈ રહેવાનું હોય એ દરમિયાન કોઈ કૂતરું બિલાડું પાણી બોટી ના જાય, કે ધાર મારી ના જાય આ સ્ટેન્ડને મેં થોડું મોડીફાઇડ કરીને આધુનિક મીણબત્તી નું સ્ટેન્ડ બનાવી નાખેલું, અને પાંચેક પેકેટ જાડી મીણબત્તી પણ લઈ આવેલો,

આ બધું કરવું પડતું એટલે તમે એ રાતોના કંટાળાનો અંદાજો લગાવી શકો, અને બસ થોડા સમયમાં જ આ મેઘલી બફારા વાળી ત્રાહિમામ પોકારી જાવ એવી રાતો શરૂ થઈ જતી,

એમાં પુસ્તકો પસંદ કરવાના ના હોતા બસ તોલવાના હોતા અને એમાં ઘણાય પુસ્તકો એવા હોતા કે જેના આગળના અને પાછળના પાનાજ ના હોય હવે ચાહે એ પુસ્તક પન્નાલાલ પટેલ નું હોય અશ્વિની ભટ્ટ નું હોય, ક માં મુન્શીનું હોય એલિસ્ટર મેકલીનનું હોય જેમ્સ હેડલી ચેઇઝનું હોય પણ બસ વાંચન અને એય સમય પસાર કરવા માટેનું વાંચન, મજબૂરીનું વાંચન,

અને આખી રાત વાંચો ક્યારે ઊંઘ આવી હોય અને છાતી પર પુસ્તક મૂકીને સુઈ ગયા હોઈએ અને ક્યારે સવાર પડે એજ ખબર ના રહે,

પણ એમાં અમુક લેખકોએ એમની લેખની થી ગજબ અમીટ છાપ છોડેલી, લખતી વખતે જે પ્રકૃતિને એ એમની કલમ વડે સજાવતાં અને અંધારી રાતોના તારોડીયાનો જે રીતે ઉલ્લેખ કરતા સીમનું આબેહૂબ વર્ણન અને ગામડાના જીવનની ઝાંકી જે રજૂ કરતાં બસ નજરની સામે આખું તાદ્રશ્ય કરી દેતાં, જાણે આપણે એ કથામાં વણાઈ જતાં અને આપણી સામેજ એ બધું ચાલી રહ્યું હોય એમ સુખ દુઃખ અને મૌસમો ની અનુભૂતિ કરાવતા,

લેખકોમાં કવિઓમાં મેં ખાસ જોયું કે કોઈ કોમ કે કોઈ જ્ઞાતિની ઇજરાશાહી ના રહી બસ જેને અંતસ્ફુરણા થઈ એમણે લખ્યું અને લોકોએ વધાવી લીધું, અને બસ ત્યારથી મને એક લેખક એક કવિ બનવાનો શોખ લાગેલો અને હું લખતો અને કેટલીય નોટો અને ફુલસ્કેપ ચોપડા ભર્યા પડ્યા છે પણ મને ક્યારેય કોઈ લોકો સુધી પહોંચવાનું માધ્યમ ના મળ્યું અને સાચું પૂછો તો મેં કોશિસેય ના કરી,

ફેસબુક નામનું માધ્યમ મળ્યું અને સારા લોકોએ ઉત્સાહ વર્ધક કૉમેન્ટ્સ કરીને મારી ઊર્મિઓને લાગણીઓને ઉજાગર કરી અને મને પ્રોત્સાહન પૂરું પાડ્યું,
નકલી આઈડી વાળા કે જે એમના જીવનમાં બિચારા કશુંજ ના કરી શક્યા જે મને એમનો હરીફ ગણતા (જોકે હું હતોજ નઈ) એ લોકો અહીં આ ફિલ્ડમાં હરીફાઈ તો કરી શકે નહીં પણ બદનામ કરવાના કારસા કરતાં અને બિચારા બીજું કરે પણ શું? અહીં સ્પર્ધા કરવા માટે સ્કીલ આવડત કોઠાસૂઝ અને સમયનો બલિદાન અને ઝંખના જોઈએ પણ એમણે તો ઝેર ભરી લીધું હોય મગજમાં એ ક્યારે ખાલી થાય અને આ બધું ભરાય,,,,,

મને પ્રેરણા મળી મારા પિતાશ્રી પાસેથી જુના જમાનાના માણસ અને યાદદાસ્ત સુંદર એ ઘણીવાર જૂની વાતો કરે અને હું યાદ રાખીને લખી લઉં અને પછી પોસ્ટ કરું,
અમે પાડોશમાં શું થાય છે એ દરકાર જ ના કરી કોઈ દિવસ કોઈની અરજી ના કરી કે કોઈને હેરાન કરીને પરપીડન પર ખુશ ના થયા,

અને દાદુ ભાઈ રબારી જેવા ખ્યાતનામ કવિએ બત્તુ પકડાવ્યું કે દરેક એરિયાને એમના કવિઓએ ખૂબ કલમે કંડાર્યો અને ઝવેરચંદ મેઘાણીજી એ તો બાપા સોરઠ ને જાગતું કરી દીધું અને અમારો વિસ્તાર ખારોપાટ આ બધી બાબતોથી અલિપ્ત રહ્યો અને કોઈ કવિએ કોઈ લેખકે આ પરગણા ની દરકાર ના લીધી તો મનેય લાગ્યું કે લાવને જે ભોમકા માં રમીને મોટા થયા એનું જેટલું બની શકે ઋણ ઉતારું,

અને લખવાનું ચાલુ કર્યું ક્યારેય કંટાળો ચડેજ નઈ, વિષ્યજ એવો અને ઘણા મારા મિત્રો કહે તમારી લેખનીમાં આ લેખકનો પ્રભાવ છે, હા હોયજ હું કંઈજ શીખીને નથી આવ્યો અને અહીં આપની વચ્ચે હજુ શીખી રહ્યો છું અહીં ક્યારેય સંપૂર્ણ બનાતું નથી એક જિંદગીમાં તો નહીં જ બસ તમારી એટલી કોશિસ હોવી જોઈએ કે જેટલું જીવ્યા એમા લોકો સુધી કેટલું પહોંચાડી શકો પીરસી શકો,

બસ બાકી હું લેખક કે કવિ હોવાનો દાવો નથી કરતો વાસ્તવિકતા અને મારા પરગણા વિશે ઘણી બાબતો જે લોકો સમક્ષ નથી પહોંચી એ પહોંચાડું અને શ્રી કૃષ્ણ અને અમુક મિત્રોનો જે ભાવ મારા દિલમાં છે એને કલમના કસબથી બયાન કરું…..