માતા-પિતા ની એક ઉંમર પછી એ પણ બાળક જ બની જાય છે એમને_સમજો.

બાળકો વિષે ઘણી વાતો થઈ છે અને લખાયું પણ છે. તમારામાંથી સૌ ઘણું જાણે છે અને સૌએ વાંચ્યું પણ છે, પણ આજે જે બાળક વિષે વાત કરવી છે, એ બાળક તો છે અને તમારે જ સાચવવાનું છે, પણ એ છે તમારા માતા પિતા !

આપણે જ્યારે બાળક હતા અને જીદ કરીને આપણું કહ્યું આપણા માતા પિતા પાસે કરાવતા હતા, આજકાલ આપણા બાળકો પણ આપણી પાસે એવું જ કરાવે છે ને! પણ આ બધી પળોજણમાં આપણે બીજા એક બાળક પ્રત્યે જાણતાં કે અજાણતામાં બેધ્યાન રહી જઈએ છીએ. તમને જેમણે જન્મ આપ્યો, તમારું બાળપણ જેમની સાથે જોડાયેલું છે, તમારી મોટાભાગની યાદોને જેમણે સાચવી રાખી છે, એવાં તમારા માતા પિતા તમારી પાસે બદલામાં એ જ સમય માંગે છે પાછો. ક્યારેક આપણે ભાગ દોડના જીવનમાં આવી નાની બાબતોને ધ્યાને નથી લેતાં અને ક્યારેક ગુસ્સામાં, ક્યારેક ઠપકામાં અથવા તો ક્યારેક સાવ જ અવગણીને આપણે આ વાત સ્વીકારવા જ તૈયાર નથી થતાં કે આપણા માતા પિતાએ પણ આપણી જ જવાબદારી છે.

કુટુંબો પહેલાં કરતાં નાનાં બની રહ્યા છે અને સાથે જ બાળકોની સંખ્યા પણ ઓછી થઈ રહી છે. આવા સમયે માતા પિતાને એક કે બે જ સંતાન હોય અને તે સંતાનને પણ એક કે બે જ બાળક હોવાના. આવા સમયે પણ કુટુંબ તો વિભક્ત થતું જ જાય છે અને બાળકો લગ્ન પછી પોતાના માતા પિતાથી અલગ થઈને રહેતાં હોય છે. આવા સમયે પોતાના બાળકને હસતે મોઢે અલગ રહેવા જવા વિદાય આપનાર માતા પિતાનું કાળજું અંદરથી કંપી જતું હોય છે. પણ આધુનિક જમાનામાં આ બધું જાણે એક વ્યવસ્થા છે એમ જાણી સ્વીકારવું જ રહ્યું. એટ્લે તે અલગ થનાર સંતાનના માતા પિતા એક અથવા બે બાળક હોવા છતાં એકલાં પડી જાય છે.અને બાળક વિના હિજરાતા હોય છે. ક્યારેક સગવડિયો ધર્મ નિભાવવા માટે અલગ થયેલ દીકરો અને વહુ પોતાના બાળકને સાચવવાની જવાબદારી આ રીતે પોતાના માતા પિતાના માથે નાંખીને નોકરી કરતાં હોય છે. પણ ત્યારે ભાગ્યે જ એવું બનતું હશે કે એ દીકરો કે એ દીકરી પોતાના માતા પિતાને પણ એક બાળકની જેમ પ્રેમ કરતાં હોય. તેમની માટે તો પોતાની સંકટ સમયની સાંકળ એટ્લે પોતાના માતા પિતા. હા માતા પિતા તો કાયમ પોતાના બાળકને અને એનાં બાળકને પ્રેમ કરશે જ અને સાચવશે, પણ અમુક ઉંમર પછી એ જ માતા પિતા પોતાના બાળકના પ્રેમ માટે પણ ઝૂરતાં હોય છે. આ એવો સમય હોય છે, જ્યારે બાળકોએ પોતાના વધતી જતી ઉંમર સાથેના માતા પિતાને પણ પોતાના બાળક સમજીને સાચવવાની જરૂર છે.

એક સમય પછી જ્યારે બાળકો મોટાં થઈને બહાર નીકળી જાય છે ત્યારે માતા પિતા એકલાં પડી જતાં હોય છે અને બાળકો આ વાત સમજી શકતા નથી.તેમના વ્યસ્ત સમયમાં માતા પિતા માટે સમય કાઢી શકતા નથી અને ત્યારે માતા પિતા અને બાળક વચ્ચે અંતર આવી જાય છે. ક્યારેક ઉંમરલાયક સંતાનો માત્ર સાથે રહેવા પૂરતું જ ઘરમાં રહેતાં હોય છે અને બાકીનો બધો સમય બહાર જ પસાર કરે છે. વહેલી સવારે જતાં રહે અને મોડી રાત્રે આવતાં બાળકો માતા પિતા સામે જોતાં જ નથી. તો બીજી તરફ લગ્ન કરેલા બાળકો પણ પોતાની નવી જિંદગીની શરૂઆત અને મથામણમાં માતા પિતા માટે સમય કાઢી શકતા નથી અને છેવટે તેઓ પોતાની જિંદગીમાં જ વ્યસ્ત અને મસ્ત રહેતાં હોવાથી છેવટે માતા પિતા પણ તેમની આશા છોડી દે છે.

પણ પરિસ્થિતિ હંમેશા એક સમાન નથી રહેતી ત્યારે આવા સમયે ક્યારેક બાળકોએ માતા પિતા તરફ નરમ વલણ રાખી તેમને થોડો સમય આપવો જ જોઈએ. અહીં આજે આ લેખ વાંચનાર દરેક વાચકને એક વાત પૂછવાની છે કે તમે એક જ ઘરમાં સાથે રહેતાં હોવ તમારા માતા પિતા સાથે કે તમે અલગ રહેતાં હોવ તમારા માતા પિતાથી, છેલ્લે તમે ક્યારે શાંતિથી બેસીને તમારા માતા પિતા સાથે વાત કરી હશે? કદાચ ઘણાં પરિવારો આજેય સંયુક્ત રહે છે અને હળીમળીને સરસ રીતે જીવન વ્યતીત કરે છે, પણ કેટલાક પરિવારોમાં ક્યાંક કોઈ તકલીફ, ગમા, અણગમા ક્યારેક સંબંધોની જગ્યાએ માન,મમત અને સ્વમાન વચ્ચે આવી ગયા હોય અને જો હજી પણ વાત નથી કરતાં તો એ યાદ રાખી લો કે ફરી ક્યારે એવો સમય આવે કે જિંદગી તમને એ છેલ્લો મોકો આપવાનું જ ચૂકી જાય કે જ્યારે તમે તમારા માતા પિતા સાથે મોકળાશ ભરી વાતો કરી હોય.

શું માંગે છે માતા પિતા? થોડી તમારી ફૂરસદ અને થોડોક પ્રેમ. થોડું એમની તરફ ધ્યાન આપો એટ્લે એ એકદમ બાળક જેવા બનીને તમારી સામે ખૂલવા લાગશે. એમની લાગણીઓ વ્યત કરશે. હા, એ લોકો કદી જીદ નથી કરવાના, પણ એમની વાતો, એમના શબ્દો, એમના ના બોલાયેલા અને મનમાં રહી ગયેલા સપનાંઓને સમજો, સમજવાનો પ્રયત્ન કરો અને કોશિશ કરો એમને બસ શાંતિથી સાંભળવાની. એમની બચપણની વાતો સાંભળો, તમારા બચપણની વાતો , યાદો વિષે વાત કરો. કંઈ નહીં તો સાવ ચાલુ આસપાસના બનાવો કે ઘટનાઓથી વાતચીત શરૂ કરી એમનો મત જાણવા પ્રશ્ન પૂછો.ક્યારેક એમની સલાહ માંગો. એમને ગમશે. તમે ભલે કદાચ એમની સલાહ મુજબ ના પણ ચાલી શકો, પણ એમની વાત તમે સાંભળી, એ વાતનો આનંદ એમના ચહેરા પર જોવાનો ચૂકશો નહીં. જેમ જેમ માતા પિતાની ઉંમર વધી રહી છે, તે નાના બાળક જેવા જ બની રહ્યા હોય છે. આવા સમયે એમની સાર સંભાળ, એમની સાથે એમના શોખ વિષે વાતો, મિત્રો વિષે વાતો કરશો તો એમને ગમશે. એ તમને પોતે જ તમારું કામ યાદ અપાવી તમને પોતાનાથી દૂર મોકલશે. પણ તમે એમની સાથે બેસવાનો સમય ચોકકસથી કાઢો. એમની સાથે ડોકટર પાસે જાઓ, ક્યારેક એમના મિત્રોને મળો, ક્યારેક એમના મિત્રો પાસે એમનાં વખાણ કરો, ક્યારેક તમારા મિત્રો સાથે એમની મુલાકાત કરાવો અને એમનાં વખાણ કરો, ક્યારેક એમનું મનગમતું ખાવાનું તમે બનાવો, ક્યારેક એમને જૂની સારી યાદો યાદ અપાવો,કોઈ પ્રસંગ યાદ કરી એ વાતે એમને આખો પ્રસંગ યાદ કરાવો, જ્યાં એમને ખૂબ ખુશી મળી હોય. બસ, બીજું આથી વિશેષ શું કરવાનું છે? કંઇ પણ તો નહીં!

તમારા દરેકના જીવનમાં આ તબક્કો આવ્યો હોય, તો બસ આ સમય સાચવી લેજો અને તમારા માતા પિતાને તમારું બાળક સમજીને જ સાચવતાં પણ શીખી જ લેજો. કારણ હવે એ લોકો તમારી પાસે એ જ અપેક્ષા રાખી રહયાં છે અને તમારા એક ફોન કોલની પણ રાહ જ જોઈને બેઠાં છે. જેમની પાસે ખરેખર આ બધી વાતોથી વિપરીત બધું ઠીકઠાક છે, તેમને એક વિનંતી. જો તમે તમારા ઘરમાં ખુશ છો અને માતા પિતા સાથે પણ સારો સંબંધ કેળવ્યો છે, તો હવે એક જ કામ બાકી છે અને એ છે કે એમને લઈને વૃદ્ધાશ્રમની મુલાકાત લો અને ત્યાં તમારા જેવા જ દીકરા કે દીકરીની રાહ જોતાં માતા પિતાને મળી એમની સાથે તમારો આનંદ વહેંચો અને તમારા માતા પિતાને પણ નવા મિત્રો બનાવવા કહો. બસ પછી જુઓ ચમત્કાર! તમને બહુ જ સારું લાગશે. કરી ને તો જુઓ એક વાર!

 

-જિગીષા રાજ
-ઇ-મેઈલ : jigisharaj78@gmail.com

આણંદથી શ્રી પ્રવિણ મેકવાનના દર ગુરુવારે પ્રકાશિત થતાં સાપ્તાહિક #ગુર્જર_ગર્જના માં મારી કોલમ #અનુરક્ત માં મારો લેખ.