મેરામણ…

એ… સાંભળ્યું ” કમલી ની માં આપણાં નેંહડા ના પછવાડે નેરાં ના કાંઠે સિંહણ રેʼવા આવી છે હારે બે બચ્લાં પણ છે.”નેંહડા માં પ્રવેશતાં રામભાઇ બોલ્યાં
“હાય હાય’ ભીંહુ(ભેંસો) ને તો જંગલમાં કંદડે(હેરાન કરે) છે હવે આ તો ઠેઠ નેંહડામા આવી ને…! માણા’હ ને કંદડશે….? મીણાબેન ઓસરી ની કોરે બેસી ને વલોણા માંથી માખણ કાઢતાં બોલ્યાં..
“હવે ʼઇ તો રહ્યું ગ`ર(ગીર) નું જનાવર એને થોડાં નેંહડાં હોય એને તો આખી ગ`ર (ગીર) જ એક નેહડું છે મન ફાવે ત્યા રેʼઇ “રામભાઈ ખાટલો ઢાળતાં કીધું..

રામભાઈ રબારી ગીરના એક નેસ માં રહેતાં ને એ ચાર પેઢી થી ગીર માં વસતાં હતાં , ગાયો ભેંસો રાખતાં ને ગીર માં ચારતાં અને દુધ ને ઘી શે`ર માં વેચતાં જાતાં અને જીવન નું ગુજરાન ચલાવતાં રામભાઈ ને સંતાન માં સાત વરસ ની એકજ દિકરી અને “કમલી” એનું નામ. કમલી ને એક બહેનપણી પણ છે… ‘રૂપલી’ રૂપલી એ રામ ની બેન ની દિકરી છે રામભાઈ ના બેન બનેવી વાગડમાં રહે અને દુકાળ પડ્યો તે ગાયો ને ભેંસો લઈ ને સુરત બાજુ વાંઢે ગયાં છે કમલી ને રૂપલી આખો દિવસ ગીરનાં જંગલમાં ફરવાં નીકળી જાય મીણાબેન ધણી વખત ચિંતા કહેતાં કે,“ કમલી કયારેક નો સાવજ સામો આવી જાશે ને તો તારો ડોહો આખે આખો ગળી જાહે તને…
પણ…! કમલી તો માં નું કહયું માનતી જ નહીં એતો રૂપલી સાથે હિરણ નદી માં રોજ નાહવાં ઉપડી જાતી

કહું “શું ત્રણ-ચાર જણ ભેગાં થઈ ને આ સિંહણ ને આહીં થી કાઢો..ક્યારેક નેંહડે આવી પુગશે તો…? ઘરમાં આપડે નાની છો’ડી છે. મીણાબેને ગભરાઈ ને રામભાઈ ને પાણી આપતાં કહયું . હવે.. તો એના બચ્લાં નાનાં છે ઇ’ આપણી છો’ડી ને કાંઈ નહીં કરે… તું મુઝાંશ માં તુંતારે..! કોગળો કરતાં રામભાઈ બોલ્યાં

હજી વાત કરે ત્યાં જ કમલી ને રૂપલી આવી બોલી “બાપુ” મારી સાટું બોર લાવ્યા કે નહીં…?
“ના” બેટા …! રામભાઈ કેડિયાં માં ખાલી હાથ કાઢતાં કહ્યું
‘કંઈ વાંધો નહીં હું ને રૂપલી લઈને આવીએ ”હાલ રૂપલી, કમલી ચાલતી થઈ…
ઉભી રે …. છો`ડી કયાં દોડતી થાશો..? કયાંઈ નથી જાવા નું સાંભળ્યુ.. નેરા ના કાંઠે સિંહણ આવી છે ખાય જાશે સમજી જયાં ત્યાં દોડતી થાશો તે… ખીજ માં મીણાબેને કહયું .કમલી પાછી વળી ગઈ ને ખાટલે આવી ને બેસી ગઇ

હાલો ”હવે શિરામણ કરવાં બેસી જાવ… ”
હા…હાલો એ કમલી,રૂપલી શિરામણ કરવાં.. રામભાઈ ખાટલે થી ઉભાં થતાં કહયું

આʼʼલે દુધ પીઇ જા…
“મારે નથી પીવું જા… કમલી રીસાઈ ને મીણાબેન ને કહ્યું
તો.. કાંઈ નહીં રિસાવું હોય તો રિસા પણ.. બેઉ ઘર ની બા”ર પગ નહીં મુક્તી.. સમજ્યું મીણાબેને રૂપલી તરફ જોઈ ને કહયું..
રામભાઈ શિરામણ કરી ને પાછાં ગીર નાં જંગલમાં ગાયો ભેંસો ચારવાં નીકળી ગયાં અને મીણાબેન ઘરનાં કામો માં લાગી ગયાં
કમલી ને રૂપલી નેસ માં જ રમતી હવે મીણાબેન કમલી ને આંખો થી અળગી નો તા કરતાં કેમ કે પહેલાં ખોળાં નો દિકરો મેરામણ હતો પણ.. મેરામણ ને ઝેરી નાગ કરડયો અને પાંચ વરસ ના દિકરા નું મૃત્યુ થયા પછી કમલી ને પ્રત્યે ખુબ ધ્યાન આપતાં

દિવસ આથમતાં જ રામભાઈ ગાયો ને ભેંસો લઈ નેંહડે આવ્યાં ગાયો દોહીને દ્વારકાધિશ ની માળા હાથ મા રાખી ને પ્રભુ ભજન કરતાં હતાં ત્યાં જ મીણાબેન ને કહ્યું ” કાલ આ જંગલ ખાતા ના સાહેબ ને મળી ને આ સિંહણ ને આહીં કઢાવ જો.. હો મને બહું બીક લાગે છે.. રામભાઈએ માળા ફેરવતાં હા પાડી.

બીજી દિવસે સવારે રામભાઈ ઢોર ગઈ ને ચારવાં જતાં અને સાંજ ની વાત યાદ ના રહી .. મીણાબેન પણ સિંહણ વાળી વાત ભુલી ગયા ને રોજ નું ઘરકામ કરવાં લાગ્યાં અને કમલી ને રૂપલી આંગણા માં રમતી રમતી નેસ ની બહાર નીકળી ગઈ..

હે… રૂપલી તે હાવજ ભાળ્યો કોઈ ‘દિ..
ના.. કમલી અમારે વાગડમાં તે હાવજ કયાં છે…? હાવજ તો તમારે ગʼʼર માં જ છે ને..
તો … જોવો છે…?
હા…! કયાં છે…?
નેરા ને કાંઠે કાલ વાત નો” તા કરતાં મારાં બા…!
હા… પણ..! આપણ ને ત્યાં જવાં ની ના પાડી છે ને…
તારે ..હાવજ જોવો હોય તો હાલ નકર પાછી નેંહડે જા..
ના.. ! મારે જોવા છે…
તો …હાલ
કમલી ને રૂપલી નેરા ના કાંઠે આવી ને આમતેમ સાવજ ને શોધે છે ત્યાં જ એક નાના ગલુડિયા જેવડો નાનકડો સાવજ કમલી ના પગ પાસે આવી નંહોર મારવાં લાગ્યું
કમલી એ નાનકડાં સાવજ ને હાથમાં લીધો ને રૂપલી ને કહ્યું
આ..રહ્યો હાવજ લે જો…!
લે..આ તો બહું રૂપાળો છે અને ગલુડિયું જેવડો નાનો છે પણ… મારાં બાપુ તો કહેતાં કે હાવજ તો બહું મોટાં હોય ને આખે આખી ભેંહુ(ભેંસ) ખાય જાઇ..

“આ તો હજી નાનો છે મોટો થાય ને તો તને પણ ખાય જાઈ.. સમજી
બેઉ નો અવાજ સાંભળી ને સિંહણ નેરા ની ઝાડી માંથી બહાર આવી.. રૂપલી એ નાનો સાવજ કમલી ને આપી દિધો ને ભાગી ગઇ.. પણ ..! કમલી ત્યાં જ ઉભી રહી ને સાવજ ઉપર હાથ ફેરવી રહી. સિંહણ કમલી ની ચારેબાજુ આંટા મારવાં લાગી ને કમલી પાસે આવી ને ત્રાડ નાંખી કમલી થોડીક ડરી ગઈ પણ… થોડીક હિંમત કરી ને નાના સાવજ સિંહણ ને સોંપતા બોલી… આ… લે તારાં હાવજ ને હું કાંઇ શિકારી નથીં મારે તારાં હાવજ ને શું કરવો આ… તો હું રૂપલી ને હાવજ દેખાડવાં આવી હતી..બાકી હું આવું પણ નહીં સમજીને…!
સિંહણ જેમ એની વાત સમજી ગઈ હોય એમ શાંત થઈ ગઈ ને કમલી પાસે બેસી ગઈ પછી પાછી નાના સાવજ ને હાથ માં લઈ ને રમાડવા લાગી..

અને આ બાજુ રૂપલી નેંહડે આવી ને મીણાબેન ને વિગતવાર વાત કરે છે ત્યાં તો મીણાબેન ઘરનાં કામ મુકીને બે માલધારી યુવાન ને લઈ ને ઉતાવળે નેરા ને કાંઠે આવે છે.
નેરા ને કાંઠે આવી ને મીણાબેન આંખો સામે નું દ્રશ્ય જોઈ ને આશ્ચર્યચક્તિ થઈ જાઈ છે.. કમલી સિંહણ ને ટેકો દઈ ને સુતી સુતી નાનાં સાવજ ને રમાડી રહીં હતીં સિંહણે માલધારી યુવાનો ને અને મીણાબેન ને જોઈ ત્રાડ નાંખી
ત્યાં કમલી બોલી.. શું રાડયુ નાંખ છો.. ઇʼʼ મારાં બા છે
બા.. ! જોવો નાનો હાવજ આને આપડે ઘરે લઈ જાવો છે….?

મીણાબેન કંઈ જ બોલ્યાં નહી બસ..! કમલી સામે જોતાં રહ્યાં ને મનોમન વિચાર્યું મારી નાનકડી દિકરી કેટલી બાહદુર છે..
સાંજે આવી રામભાઇ ને મીણાબેન બધી વાત કરી.. તો રામભાઇ કમલી ને શાબાશી આપી…
પછી તો અવાર નવાર કમલી સિંહ સાથે રમવાં જાઈ ને એક વખત કમલી નાના સિંહ ને લઈ ને નેંહડે આવી..
બા…? કયાં છો જો હું હાવજ ને લાવી ..
વાડા માંથી મીણાબેન ને જોયું તો કમલી હાથ માં નાનો સાવજ હતો…

બા.. આનું નામ કેને આપડે શું રાખીએ…?
મને નથી ખબર આઘી જો … કામ કરવાં દે…
બા… મારે ભાઇ હોત તો એનું નામ શું રાખતં..?
“મેરામણ ” બસ.. હવે કામ કરવાં દે… અચાનક મીણાબેન થી બોલી જવાયું
સાવજ ને વ્હાલ કરતાં કમલી બોલી.. આજ થી તારું નામ મેરામણ.. મારો ભયલો મેરામણ…

હવે તો કમલી જયાં જાઈ તા મેરામણ કમલી ની પાછળ પાછળ આવે એકબીજા ને એટલાં બધાં હેત બંધાઈ ગયાં કે કમલી ને મેરામણ વગર ને મેરામણ ને કમલી વગર ચાલે જ નહીં..

આમ કરતાં કરતાં થોડાં વરસો વીત્યાં હવે તો કમલી ને મેરામણ બેઉ જુવાન થઈ ગયાં હતા અને ગીર નાં બધાં ઈ નેંહડે આ વાત પહોંચી ગઈ હતી કે મેરામણ ને કમલી એકબીજા ના ભાઇ બેન છે..અને કમલી વટ થી કહેતી “ મેરામણ જેવો તો ભાઇ ભાગ્યશાળી ને જ મળે.. મેરામણ કમલી ની સાથે રોજ ગાયું ચારવાં જાઈ અને રાતે મેરામણ મારણ કરવાં જાઈ અને સવારે પાછો આવી જાઈ

આ વાત ની ખબર કોઈ એ જંગલ ખાતાં વાળાં ને કરી કે નેંહડે કમલી અને મેરામણ નામ ના સાવજ ને સગાં ભાઇ બેન કરતાં વધારે હેત છે … ઘરે આવી ને જંગલ ખાતા ના માણસો રામભાઇ ને અવારનવાર કહેતાં કે ” તમારી છો”ડી ને કહેજો સાવજ થી આઘી રેઇ.. અને રામભાઈ પણ..કહેતા કે .. સાહેબ મેરામણ “ઇ તમારાં માટે હાવજ છે પણ.. મેરામણ “ઇ મારો દિકરો છે અને મારી છો”ડી નો ભાઇ છે…
અઘિકારીઓ ને આ વાત આખં ના કણા ની જેમ ખૂંચતી પણ કરે શું..? માણસ થી માણસ ની દુશ્મની કેમ કરાવવી તેનાં રસ્તાઓ ઘણાં હતાં પણ…!એક હિંસક પ્રાણી અને માણસ વચ્ચે દુશ્મની કેમ કરવવી તેનાં વિચારોમાં રાતદિવસ અઘિકારીઓ રહેતાં ..

ત્યાં જંગલ ખાતા નાં સાહેબ ને એક વિચાર આવ્યો એક પત્ર એને ગાંધીનગર લખ્યો. પત્ર માં લખ્યું કે માલધારીઓ ગીર ના સાવજો માટે ખતરો છે અવારનવાર સાવજો ના મૃત્યુ થાય છે તેનું કારણ માલધારીઓ સાવજ નો શિકાર કરી ને તેનાં સાવજ ના અંગો નો વેપાર કરે છે.. અને ગાંધી નગર થી ફરમાન આવ્યું કે ગીર માં વસતા દરેક માલધારીઓને કોઈ પણ ભોગે ગીર બહાર કાઢો.. પછી તો અધિકારીઓના સામ,દામ,દંડ કોઈ પણ ભોગે માલધારીઓ ને ગીર ની બહાર કરવાં લાગ્યાં અને આ વાત ની ખબર કમલી ને પડી..
કમલી એ રામભાઈ ને કહ્યું..બાપુ હું કે મેરામણ ગ”ર (ગીર) માંથી જાવા ના નથીં પછી ઇ ‘ સાહેબો ભલે ગમેતેમ કરે…
પણ..”બેટા ઇ” સાહેબો કાયદા ના ડરે બધાઇ ઉપર જોર જુલ્મ કરે છે એમાં આપડાં જેવાં અભણ નું કાંઈ નો” આવે.
તમે ગમેતેમ કહો..બાપુ પણ હું ને મેરામણ કયાંક નહીં જાવી.. કાં મેરમણ…? સિંહ પણ કમલી વાત માં સુર પુરવી ને ત્રાડ નાંખી…

એક દિવસ સવાર નાં પહોરમાં રામભાઈ ના નેંહડે વીસ જેટલાં અધિકારીઓ આવ્યાં ને રામભાઈ ના હાથ માં એક કાગળ આપતાં એક સાહેબે કહ્યું.. રામભાઈ રબારી તમારે ગીર ની બહાર આજ થી જવાનું છે તમને સરકારે થોડીક જમીન ગીર બહાર આપી છે અને પશુઓ ચારવાં માટે તમારે ગીર માં નહીં આવવાનું તમને જીવન નિર્વાહ માટે સરકાર થોડાક રુપિયા પણ આપશે..આ કાગળ ઉપર અંગુઠો મારોં..લ્યો રામભાઈ કાગળ નું લખાણ જોયાં વિનાં અંગુઠો મારતાં હતાં ત્યાં જ કમલી આવી … ઉભાં રહો બાપુ…! આપડે ગ”ર (ગીર) મુકીને કયાઇ નથીં જાવા નું…

એ.. છોકરી અમને અમારું કામ કરવાં દે…સમજી” તે જ બધાં માલધારીઓ ને અમારી વિરુદ્ધ કર્યા છે…

હા… મેં ચડાવ્યા છે બધાઈ ને ગ”ર(ગીર) છે ઇ“અમારું અને હાવજો નું ઘર છે જો..અમને બા”ર્ કાઢશો તો હાવજો નહીં જીવી શકે અને જો…હાવજ ને બા”ર કાઢશો તો… અમે નહીં જીવી શકીએ.. સમજ્યાં

એક અધિકારી બીજા અધિકારી ને કહ્યુ; પકડી લ્યો આ છોકરી ને….!

ત્યાં તો કમલી એ ત્રાડ નાંખી….ભાઇ….. મે…રા…મ…ણ આવજે મારાં વિરાં…! ત્યાં તો વાડા ની વાડ ને ઠેકીને ગગન ગર્જના કરતો ડાલામથ્થો કેસરી … મેરામણ સીધો જ અધિકારી નાં ગળે ચોટીં ગયો અને બીજાં અધીકારીઓ ભાગવા લાગ્યાં… હે.. પછી તો એક આમ ભાગે ને એક તેમ ભાગે રામભાઈ ના નેંહડે મેરામણ અધિકારીઓ ને આમ તેમ નંહોર મારી ને સાહેબો ને ફંગોળતો જાય.. એક અધિકારી રામભાઈ ને મારી ભુલ થઈ અમને માફ કરો તમતમારે ગીર માં જ રહેજો કોઈ તમને નહીં કાઢે.. બસ હવે આ સાવજ ને કહો શાંત થાય…..
રામભાઈ પછી સાવજ ને કહ્યું …. હ…હ .. મેરામણ ખમ્મા કર…! બાપ હવે..

પછી તો અધિકારીઓ ત્યાં થી ભાગ્યા અને ફરી કયારેક પણ રામભાઈ ના ઘર બાજુ જોયું નહીં અને કમલી મેરામણ ને ગળે મળી વ્હાલ કરવાં લાગી .. વાહ.. મારાં વીરાં તું તારી બેન ની રક્ષા કરવાં તો આવ્યો હો…
મેરામણ પણ…!મનોમન બોલ્યો હશે કે”કમલી તે મને અને ગીર ને બચાવ્યાં છે “તો બેન મારી આટલી તો ફરજ પડે ને કે હું તારી રક્ષા કરું….!

સિંહ બચાઓ…. માલધારી બચાઓ… ગીર બચાઓ…..

સંપુર્ણ

ભરત રબારી ફિફાદ

ગામ- ફિફાદ
તા, સાવરકુંડલા
જી, અમરેલી