રોબીનહુડ આર્મી:

અંગ્રજી પેતરા હજુ આપણે ભૂલ્યા નથી. અરે હવે તો દિવસે દિવસે વધતા જાય છે. પેલું કહેને કે ઘાંચીના બળદને તમે છૂટો મૂકી દ્યો, તો પણ તે ગોળ ગોળ જ ફરે. તેવું જ આપણું. આટલા વર્ષોની ગુલામી બાદ પણ આપણે તો ઘાંચીના બળદ જેવા જ. શાસ્ત્રોમાં કહ્યું છે કે, ધાન્યને જો આંગળીનો સ્પર્શ મળે તો તેની સ્વાદીસ્ટતા વધી જાય, ઉપરાંત કુદરતી મળવા પાત્ર બધું ખોરાક માંથી મળી શકે. એટલે તો આંગળી ચાટીને સાફ કરવાની મજા કઈક ઓર જ હોઈ. સીધી વાત એવી કે દાળભાતને તમે ચમચીથી ખાઓ અને કોળિયા ભરીને ખાવ, અંતર તમે ખુદ જ અનુભવી શકો. પણ હવે આપણા ભણતર વધી ગયા. આપણા સ્ટેટસ મોટા થઇ ગયા. હવે આપણે આપણા વીઝીટીંગ કાર્ડમાં છપાયેલા હોદા મુજબ જીવન જીવીએ છીએ. આપણે હવે ક્યાં આપણે રહયાં, આપણે ફક્ત પ્યાદા થઇ પડ્યા જેમણે અભિનય કરવાનો રહ્યો બસ. રોબોટ અને આપણામાં ફક્ત મેટલનો ફેર રહ્યો હવે. બાકી આપણે પણ પ્રોગ્રામ્ડ જ છીએ.

હોટેલમાં હું ક્યારેક જમવા જાઉંને ત્યારે મેન્યુ જોઈએ તો ખબર જ ના પડે શું મંગાવવું. એવી પણ સુજ ના હોઈ કે આ નામની અંદર ફૂડ શું આવે. ને મેઈન એ, કે તેમાં આપણું ફૂડ તો હોઈ જ નહિ. મોસ્ટલી વિદેશી ફૂડના જ નામ ચીતરેલા હોઈ. અને ખબર નહિ કોણે નિયમ બનાવ્યો પણ અમુક મોટી હોટેલોમાં તો ઢોસા પણ હાથેથી ના ખાઈ શકીએ(એટીટ્યુડ બોસ). છતાં ક્યારેક હાથથી ખાવું પડે, ને ક્યારેક સબડકો પણ ભરાઈ જાય, અને પછી જયારે સબડકો ભરીએ, ત્યાં તો બધાની નજર એવી રીતે પડે કે જાણે હમણાં જ કોઈ પરમાંણું પરીક્ષણ કરી નાખ્યું. ઘણાં તો તેવું પણ વિચારતા હશે કે, લાગે છે તો એકદમ અપ ટુ ડેઈટ પણ છે સાવ ગામઠી.. પણ જયારે તેના જ ટેબલ ઉપર પીઝા આવેને પછી થાય જોવા જેવી. ત્યારે સવાલ એ થાય કે પીઝાને ખાવો કેમ. થોડી ગડમથલ ચાલે દિમાગમાં, પછી ઠંડો થઇ જવાની બીકે હાથેથી જ ખાવો પડે. કોઈપણ સંસ્કૃતિ ખરાબ નથી પણ આપણી સંસ્કૃતિથી તમે ભાગી તો ના જ શકો, આખરે તમારે પણ કોળિયો ભરવો જ પડ્યો ને. અરે આપણે તો પલોઠી વાળી હાથેથી જમનારી પ્રજા, તેમના હાથમાં અંગ્રજોએ છરી ચાકા આપી દીધા.

આવી જગ્યાઓએ ફૂડ નહિ એટીટ્યુડ ખવાતું હોઈ છે. એક પીસ મોમાં લઇ અને છરી ચાકા નીચે મૂકી દેવાના, પછી ખોરાકની મજા લેવા ચાવવાનો નહિ, મોઢું ના ખુલે એ રીતે મમળાવાનો, થોડી વાતો કરવાની, ફરી એક બીજો પીસ લેવાનો, અને સેઈમ મેથડ ફરી પાછી. હવે આવી હોટેલો કે બુફેમાં આપણે કહીએ કે વધારાનું ફૂડ હોઈ, જે તમારે કોઈ કામનું નથી, તે અમને આપશો? અથવા તો આપણે ઓર્ડર કરેલ ફૂડમાં વધ્યું હોઈ તેનું પાર્સલ કરવાનું મનોબળ કહો કે હિંમત થઇ શકે? નાક કપાઈ જાય ને આમાં તો.

આવા મુખોટા ભર્યા લોકો વચે કોઈ વેલ એજ્યુકેટેડ અને યંગ છોકરો આવીને આવું માંગે તો? હાઇકોર્ટના સીનીયર જજની જેમ આપણે તો આપણો ફેસલો સંભળાવી દઈએ નહિ, કંઈપણ જાણ્યા સમજ્યા વગર. પણ આવું કોઈક માંગે છે, હોટેલોમાં, લગ્ન પ્રસંગોમાં, કે મોટા જમણવાર હોઈ તેવા પ્રસંગોમાં. પૈસે ટકે સમૃદ્ધ, એજ્યુકેટેડ અને મેચ્યોર પણ. છતાં હા, આવું વધારાનું ફૂડ તે જુદા જુદા સ્થળોએ જઈ ઉઘરાવે છે. નીલ છે તેનું નામ, દિલ્હીનો રહેવાસી, ત્યાં જ આવી શરૂઆત કરી અને આજે ઘણા સીટીમાં તેમના રોબીન્સ આવું કરે છે. આવું ફૂડ ઉઘરાવી આ લોકો કરે છે શું? તો આ લોકો આવું ફૂડને વ્યવસ્થિત પેક કરી અને ગરીબો કે ભૂખ્યા લોકોને આપી, તેમને જમાડે છે, તેમની ભૂખ સંતોષે છે. આ કોઈ સંસ્થા નથી, નથી કોઈ NGO, કોઈ ઓફીસ નહિ કોઈ બ્રાંચ નહિ, કોઈ સાહેબ નહિ કોઈ નોકર નહિ. અને મૂળ વાત કોઈ ફંડ પણ નહિ. ઝીરો ફંડ ની ટેગ સાથે તેઓ આવું સરાહનીય કામ કરે છે. તમારે જો જોડાવું હોઈ તો તમારી પાસે તમારો સમય માંગે છે. તમે કેટલો ફ્રી ટાઈમ તેમને આપી શકો, તે મુજબ તમને તેમાં શામિલ કરે છે. વળતર કઈ નહિ. કોઈપણ જાતનો બદલો નહિ, તમે તમારો સમય આપ્યો, તો તે સમય દરમિયાન તમારે તમારા શહેરમાં આવું વધારાનું ફૂડ ભેગું કરી અને યોગ્ય જગ્યાએ પહોચાડવાનું. બસ બીજું કસું જ નહિ, હા તમને તેના ફોટા લઇ અને બીજા લોકોને પ્રોત્સાહન મળી રહે તે માટે તેમનું ફેસબુક પેઈજ કે વેબ ઉપર તમે મૂકી શકો.

જબરું ને. વાંચીને લાગે આ તો કરવાં જેવું કામ. થોડા ઘણાને આપણે જમાડી શકીએ તો સારું. પણ આમાં થોડાઘણા નહિ ઘણાબધા લોકો જમી શકે છે. ને આ લોકો જમાડે પણ છે. સમયની કોઈ પાબંદી નહિ, નહિ કોઈ દબાવ કે જબરજસ્તી, તમારે તમારી રીતે તમારો સમય ફાળવી દેવાનો. અત્યારે આ લોકો ઘણા સીટીમાં ઘણાબધા લોકોને જમાડી રહ્યા છે. તમે પૈસા આપો તો નહિ સ્વીકારે, તમે ભોજન આપો. ભોજન સીવાય આ લોકો બીજું કંઈપણ નથી સ્વીકારતા. જે હોટેલોમાં પહેલાં પહેલાં આ લોકો વધારાનું ફૂડ માંગવા જતા, તેમાની ઘણી હોટેલ્સ વાળા આમનું કાર્ય જોઈ હવે સ્પેશિયલ તેમના માટે ફ્રેશ ફૂડ બનાવી આપે છે. એક એક થી શરુ થઇ હવે આવા રોબીન્સની સંખ્યા ઘણી મોટી થઇ ગઈ છે. હવે આ લોકો ભણતર બાબતે પણ થોડું ઘણું કરી રહ્યા છે. તેમની રોબીન એકેડેમીમાં જે લોકો સક્ષમ નથી સ્કુલે જવા માટે, તેવા લોકોને આ રોબીન્સો હવે ત્યાં ભણાવે છે. અને મોટી સંખ્યામાં અક્ષરજ્ઞાન આપે છે.

બગડતું ફૂડ કે વધારાનું ફૂડ જો આટલા સરસ સંદર્ભમાં ઉપયોગી થઇ શકતું હોઈ તો આપણે આપણા શહેર, ગામ કે સોસાયટીથી આવી શરૂઆત કરી શકીએ. ભલે આપણું કદ નાનું હોઈ પણ ઘણાંના પેટ ભરી શકીએ. આજે સોસાયટીમાં પાર્ટી, સત્સંગ કે ગેટ ટુ ગેધર છાસવારે યોજાતા હોઈ છે. ત્યારે આવા મેળાવડામાં આવી દરખાસ્ત મુકીને આપણે નાની શરૂઆત કરી શકીએ. કારણ કોઈ પણ ગામ હોઈ કે શહેર, ફૂડ વધતું જ હોઈ છે, આપણા ઘરની જ વાત કરીએ તો બપોરે કે રાત્રે એક બે જણા જમી લઈએ તેટલું તો વધતું જ હોઈ છે, તો તેનો સદુપયોગ આવી રીતે કરી શકીએ તો કેમ. સમય સીવાય આમાં બીજું કસું કઈ આપવાનું નથી. ને આવો ફ્રી ટાઈમ સાચું કહીએ તો આપણી પાસે ઘણો હોઈ જ છે. તો ચાર પાંચ મિત્રો વચે આવી શરૂઆત થઇ શકે, ને કરવી પણ જોઈએ.

મેં આ બાબતે પહેલાં પણ એક આર્ટીકલ લખેલો. પણ આ નીલના કર્મયોગની વાત મને KBC માં જાણવા મળી. આનું માર્કેટિંગ થવું જોઈએ. કારણ આજેપણ સોશિયલ મીડિયા જરૂર કરતાં બિનજરૂરી વધુ પીરસે છે. મને યોગ્ય લાગ્યું કે એક આર્ટીકલની મદદથી જે પણ કોઈ વાંચે, જે પણ કોઈ અમલ કરે તો મારું લખવું સાર્થક ગણાશે.

અમે મિત્રો પણ આવું વિચારીએ છીએ કે અમારા સીટીમાં આવું શરુ કરીએ….તમે પણ વિચારો…આપણા થોડા સમય અને થોડા પ્રયત્નો થકી ભલે થોડાકની, પણ ભૂખ તો મટશે. તમને જો જરૂર કરતાં વધારે મળ્યું છે તો જેને જરૂર છે, કે જેની પાસે જોઈતા કરતા પણ ઓછું છે તેને તો આપી શકીએ.

આજે જેની પાસે અઢળક છે કે જેની પાસે નથી પણ દેખાડો કરવો છે તે ઉધારના પૈસે કેવા મોટા મોટા જમણવાર કરતાં હોઈ છે. ને એટલી બધી આઈટમો કે તમે બધી ચાખી પણ ના શકો. આટલા બધા વ્યંજનો વચ્ચે જયારે આપણે જમીને બહાર નીકળીએ તો એ જ વિચાર આવે કે આપણે જમ્યા કે ભૂખ્યા રહ્યા. તો આવા દેખાડા કરવાને બદલે અમુક શેર ભૂખ્યા લોકો માટે અલગથી રાખી દઈએ, અને વ્યંજનોના લીસ્ટ માંથી ચાર પાંચ આઈટમો કાઢી નાખીએ તો પ્રસંગ કેવો રૂડો દીપે. કોઈની આંતરડી ઠરે, અને જે આશિર્વાદ નીકળે તેવા અસરકારક આશિર્વાદ ભગવાનના વરદાન સિવાય બીજે ક્યાય ના મળે.

રોબીનહુડ જે અમીરો નું ધન ચોરી ગરીબોને આપતો,
આ રોબીનહુડ અમીરોનું વધેલું ધાન ગરીબોને આપે છે.

-કુશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *