શાળા માં બાળકો ને શું શીખવાડી એ છીએ? શિક્ષકો ની ભૂમિકા શું છે? માતાપિતાનોરોલપૂરો?

આપણા સમાજમાં એટ્લે કે આપણી વ્યવસ્થામાં અર્થાત આ દેશમાં કે અન્ય કોઈ પણ દેશની વાત કરીએ તો એક વાત નક્કી સરખી જ હોય છે કે બાળકોને અમુક ઉંમર થાય એટ્લે શાળામાં ભણવા મૂકવાના. દરેક પ્રકારના બાળકો માટે આપણે શાળાઓ બનાવી. એ મુજબ એમનો અભ્યાસક્રમ બનાવ્યો અને એ મુજબ જુદીજુદી શાળાઓએ પોતાની વ્યવસ્થા મુજબ ફી પણ રાખી. કહેવાનો મતલબ છે કે માતા પિતા તરીકે આપણે બાળકને અમુક ઉંમર સુધી જ આપણી જવાબદારી ગણીને ઉછેરીએ છીએ. એ પછી બાળકનું ઘડતર જાણે શાળાઓમાં જ કરવામાં આવે છે.

ઘરમાં શું કરીએ છીએ આપણે? ઘરમાં આપણે બાળકોની જરૂરિયાતો પછી એ ખરેખર જરૂરી હોય કે ના હોય તો પણ પૂરી કરીને જાણે આપણા માતાપિતા હોવાની ફરજ નિભાવીને ખુશ થઈ જઈએ છીએ. બીજી તરફ શિક્ષકો પણ શું કરી શકે? એમની માનસિકતા પણ આમ જ કેળવાયેલી છે કે અમુક ઉંમરનું બાળક આવે એને આટલો નક્કી કરેલો અભ્યાસક્રમ શીખવી દેવાનો એટલે આપણું શિક્ષક તરીકેનું કામ પૂરું. પરિણામે બાળક પેલા ફૂટબોલની જેમ ઘરેથી શાળામાં અને શાળાએથી ઘરમાં ફંગોળાતું રહે છે. ધ્યાનથી વિચારશો તો ખ્યાલ આવશે કે આપણે શું કરી રહ્યા છીએ આપણા બાળકો સાથે? વધુમાં જો બાળકને શાળામાં અભ્યાસમાં કશું નથી આવડતું તો તરત આપણે એક ટ્યુશન રાખી લઈને આપણો બોજ હળવો કરી લઈએ છીએ. સાથે જ પાછું બાળકને ફરજિયાત એક અભ્યાસથી ઈતર પ્રવૃત્તિમાં જોડાવા ફરજ પાડવામાં આવે છે. કારણ? ફલાણાના છોકરાને તો ઈનામ મળ્યું. તું ક્યારે શીખીશ અને ઈનામ લાવીશ? ઢીંકણાંની છોકરી તો ચેમ્પિયન છે, તું ક્યારે ચેમ્પિયન બનીશ? મને તો બહુ શોખ હતો, પણ મારા માબાપે એ વખતે કરવા ના દીધું, એટ્લે તું કર.તું આ પ્રવૃત્તિ કર, કારણ કે હું નથી કરી શક્યો કે કરી શકી. એક સપનું, એક ઈચ્છા પરાણે થોપી દેવાની બાળક પર?

અરે, સહેજ વિચારો તો ખરાં? આ શું કરાવો છો તમે તમારા બાળક જોડે? તમને ગમે છે એટ્લે એ પણ કરે? તમારે સામાજિક સ્ટેટસ બતાવવું છે એ માટે એણે કોઈ ગેમમાં ચેમ્પિયન થવાનું. તમે જે નથી કરી શક્યા, પણ તમારા મિત્રના બાળકે એ કર્યું એટલે તમારું બાળક પણ એ જ ગેમ રમે અને એમાં ઈનામ લાવે, જેથી તમે તમારા મિત્ર સામે ટક્કર લઈ શકો?

શિક્ષકોને પણ આવો જ એક સવાલ. અમુક નક્કી છોકરાં અને નક્કી અભ્યાસક્રમ આપી દીધો એટ્લે દરેક બાળકને તમારે એટલું જ્ઞાન માપીને આપી જ દેવાનું? દરેક બાળકની એ જ્ઞાન સ્વીકારવાની , સમજવાની ક્ષમતા જુદી જુદી હોય છે, પણ તમે શું કરો છો? અરે આટલું કેમ ના આવડે? મેં શીખવાડ્યું તો છે? બાળકને જબરજસ્તી કરવું જ પડે એટલું હોમ વર્ક. નહીં તો? નહીં તો માર્ક્સ ઓછા આવે અને માતા પિતાને બોલાવીને બાળકનો પ્રોગ્રેસ રિપોર્ટ બતાવીને બાળક નબળું છે એમ કહી દેવાનું એટ્લે કામ પૂરું! શું આ દરેક વખતે તમે તમારા અભિપ્રાય ઉપર ચોક્કસ હોવ છો કે તમે જે કરો છો એ સાચું કરો છો અને તમારા પૂરતાં પ્રયત્નો પછી પણ બાળક શીખી નથી શકતું? ના, હકીકત કદાચ આ નથી! તમે બાળકોને એક મશીન બનાવી દીધું છે અને તમે પોતે પણ એક મશીનની જેમ જ કામ કરો છો!

સરકારી શાળામાં બાળકને પ્રવેશ મળે ત્યારે કદાચ સારી શાળા અને વ્યવસ્થા હોય તો શિક્ષકો પણ પૂરતાં મળે અને સાથે જ બાળકોની સંખ્યા પણ વધુ હોવાની, જ્યાં શિક્ષક એક સાથે બધા બાળકો પર પૂરતું ધ્યાન ના આપી શકે અથવા કયારેક આખી શાળાના બાળકોને ગણીએ તો પણ ધોરણ દીઠ પાંચેક બાળકો તમને મળે. આવા સમયે શિક્ષક શું ભણાવી શકે? બંને પરિસ્થિતી તદ્દન વિપરીત અને તોયે સત્યતાથી ભરેલી છે!
બીજી તરફ સારી વ્યવસ્થા સાથે અને તગડી ફી સાથે બાળકને શહેરની નામાંકિત શાળામાં મૂકવામાં આવે, જ્યાં શિક્ષકો પણ પૂરતાં હોય અને બાળકોની સંખ્યા પણ નિશ્ચિત હોય. સાથે જ અત્યાધુનિક શિક્ષણ વ્યવસ્થાથી તમે અંજાયેલા હોવ એવી શાળામાં બાળક ભણવા લાગે! અહીં બાળક પાસે વધુ ને વધુ સારું પ્રદર્શન કરવા માટે દબાણ પણ કરવામાં આવતું હોય અને સાથે જ બાળકને ભાર વિનાનું નહીં પણ એનાથી વિપરીત નર્યા ભાર અને દબાણ સાથે ભણવું પડતું હોય. ચાલીસની સંખ્યામાં દરેક બાળકને સૌથી વધુ ગુણ લાવવા માટે કહેવામાં આવે અને એ ના આવે તો આખા વર્ગ સામે અને માતાપિતા સામે બાળકને નબળું સાબિત કરવામાં આવે. કયા આકલનથી? તો પરીક્ષામાં બાળકના આવેલા ગુણથી!

શજ્યારે સરકારી શાળાઓમાં શિક્ષક પૂરતું ધ્યાન આપી ના શકવાને કારણે બાળકનો અભ્યાસ જ અધૂરો રહેતો હોય અથવા ઓછાં બાળકો હોવાથી શિક્ષક ચાહીને પણ પૂરતું ભણાવી ના શકે, કારણ તેને એક સાથે ચાર પાંચ વર્ગોની જવાબદારી સોંપાયેલી હોય! આ બંને અંતિમોની વચ્ચે શિક્ષણ તો ક્યાય ફેંકાઇ ગયું હોય છે! આવા સમયે શિક્ષક અને માતાપિતા બંને દ્વારા બાળક પર જ તવાઈ કરવામાં આવે છે અને પરિણામે બાળક કઠપૂતળી બનીને સારું પ્રદર્શન કરે છે અથવા તેના દિલોદિમાગ પર આ બધાંની વિપરીત અસર થવાથી તે ભણવાની પ્રવૃત્તિમાંથી પોતાનું ધ્યાન હટાવી લઈ અન્ય પ્રવૃત્તિમાં દોરવાય છે! આ બંને પરિસ્થિતી સમયે માતા-પિતા કે શિક્ષકને શરૂઆતમાં ખ્યાલ નથી આવતો, પણ સ્થિતિ જ્યારે બેકાબૂ બને છે ત્યારે બંને પક્ષ એકબીજાને આરોપ પ્રત્યારોપ મૂકી પોતાના દોષનો ટોપલો બીજાના માથે મૂકવા કોશિશ કરતાં હોય છે, જેનાથી બાળકનું ભવિષ્ય વધુ જોખમાય છે!

આજની સ્થિતિમાં શિક્ષણ એટ્લે કેવું શિક્ષણ એ પ્રશ્ન બહુ અગત્યનો છે. બાળકને શું અને કેવી રીતે, કેટલું ભણાવવું એ બહુ અગત્યની વાત છે, પણ સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ થોડા નજીવા ફેરફાર સાથે બાળકને ભણાવવામાં આવે છે અને એના પરિણામે બાળકનો વિકાસ અધૂરો જ રહેવાનો. જેમકે વર્ષોથી ભણાવવામાં આવે છે કે શૂન્યની શોધ ભારતમાં થઈ અને આર્યભટ્ટે કરી. હવે આપણે આ વાતને આટલે સુધી જ ભણાવતાં રહ્યાં અને ભારતથી આગળ અન્ય દેશોએ આ શોધના પરિણામે એનાથી વિશેષ મહારથ હાંસલ કરીને કોમ્પ્યુટરની શોધ પણ કરી અને બીજીએ ઘણી આધુનિક શોધ કરી વિશ્વમાં પોતાનો ડંકો વગાડયો. આપણે શું કર્યું? હજી આજે પણ આપણા અભ્યાસક્ર્મમાં આટલો જ પ્રશ્ન આવે છે કે ભારતે શૂન્યની શોધ કરી અને ભારત મહાન દેશ છે. પણ શું સાચા અર્થમાં ભારત મહાન છે ? આટલી શોધ પછી આગળ શું? એક બીજું ઉદાહરણ લઈએ. આપણે શાળામાં બાળકોને વિરોધી શબ્દ શીખવીએ છીએ. મિત્રનું વિરોધી દુશ્મન. હવે બોલો જે પણ મિત્ર નથી એ બધાં આપમેળે દુશ્મન બની ગયાં! રાતનું વિરોધી દિવસ, લો રાત ના હોય એટ્લે દિવસ હોય. પણ શું આ માત્ર વિરોધાભાસ છે કે એકબીજાના અર્થના પર્યાય છે! દિવસ ના હોય તો જ રાત બને, એમ તો એ એકબીજાના પૂરક બન્યા, તો વિરોધી કઈ રીતે? સ્ત્રીનું વિરોધી પુરુષ. અરે આ બંને જાતિ જ અલગ છે અને એનું અલગ અસ્તિત્વ છે. એકબીજાના પૂરક હોઈ શકે પણ વિરોધી ક્યાંથી? સર્વ સામાન્ય નિયમોમાં પણ આપણે ગોથું ખાઈ ગયાં છીએ અને બાળક પાસે પહેલો જ નંબર આવે એવી અપેક્ષા કરી બેસીએ છીએ. આપણે બાળક પર શું કરીએ છીએ? અત્યાચાર જ છે ને આ ? આપણા નિશાના પર બાળકે સાચું કરીને બતાવવું જ રહ્યું, નહીં તો શાળામાં શિક્ષક અને ઘરમાં માતા પિતા દ્વારા જાણે બાળકને ફાંસીએ ચઢાવી દેવામાં આવે છે. જાણે સરહદ પર નહીં પણ દરેક ઘર અને દરેક વર્ગમાં એક યુદ્ધ લડવું પડે છે બાળકને! બાળકને વિનય અને ભાઈચારો શીખવી છીએ, પણ એના મનમાં તો આપણે પહેલો નંબર અને સૌથી વધુ ગુણ લાવવાની ભાવના સાથે ઈર્ષ્યા અને હરીફાઈ મૂકી દીધી છે, પછી એ ક્યાંથી વિનય કે ભાઈચારો શીખે? નર્યો વિરોધાભાસ!

આપણે જે શીખવીએ છીએ, એમાં હજી ઘણી શંકાઓને સ્થાન છે. આપણે રસ્તા પર કઈ બાજુ ચાલવું કે કઈ બાજુ કઈ રીતે વાહન ચલાવવું એ બધુ શીખવાડીએ છીએ શાળામાં.પણ એ બાળક માટે એ પાઠ, એ ભણીને આવેલી સમજણ જીવનભર કેમ નથી રહેતી? બાળક કેટલી હદ સુધી ટ્રાફિકના નિયમોનું પાલન કરશે? માતા પિતા તરીકે તમે ઘણી વાર નિયમોનો ભંગ કરી લો છો. બાળક શાળાએ કશું જુદું શીખ્યો અને તમે કશું જુદું બતાવ્યું એને અનુભવવા માટે! હવે બાળક મૂંઝાય છે કે આમાં સાચું શું?એટ્લે આગળ એ પણ નિયમોને નેવે મૂકતાં જ શીખશે, કારણ તમે પ્રણેતા બન્યા. વર્ગખંડમાં શીખવેલું માત્ર પરીક્ષાલક્ષી જ રહી જાય છે અને અનુભવની જીવનશાળામાં બાળકને ફરીથી નવેસરથી બધુ શીખવું પડે છે. આવા સમયે એ સૌથી વધુ મૂંઝાય છે અને એ મૂંઝવણમાં ભૂલ કરી બેસે છે . ગણિતનો અભ્યાસ કરાવતા સમયે તમે બાળકને પૂરતો મહાવરો કરાવો છો, જેનાથી બાળકને એ યાદ રહી જાય છે. એની સમજણ જુદાં જુદાં દાખલાઓથી વિકસે છે. એટ્લે ગણિતનો જવાબ બે વત્તા બે માટે એ ચાર જ જવાબ આપશે. કારણ આ એણે શીખી લીધું છે. સમજી પણ લીધું છે.

માતા પિતા આખરે શું ઈચ્છે છે શિક્ષકો પાસેથી? એટલું જ કે એમનું બાળક ડોકટર બની જાય, એંજિનિયર બની જાય કે કોઈ મોટો બિઝનેસમેન બની જાય. બસ કશુંક બની જાય. ભલે તેને ગમતું હોય કે ના ગમતું હોય પણ મા બાપે લક્ષ્ય નક્કી કર્યું એટ્લે શિક્ષકો દ્વારા પૂરા જોશથી એટલો અભ્યાસક્રમ પતાવી દેવામાં આવે અને સરવાળે એક ચૂંથાયેલું અને થાકી ગયેલું મન ધરાવતું બાળક માતા પિતાને પોતાનો કક્કો સાચો ઠેરવવા માટે મળી જાય!

આપણે શું કર્યું? કશું જ નહીં! એક સામાન્ય સ્વચ્છતા વિશેનો પાઠ ભણાવીએ છીએ ત્યારે ગાંધીજીનું એકાદ ઉદાહરણ આપી બાળકને આદર્શ સમજાવી દીધો. પણ બાળકને સ્વચ્છતા સાથે જોડીશું ક્યારે? એકાદ વાર ઘરની કે શાળાની સાફ સફાઈનું અભિયાન અને વાત પૂરી. એ જ બાળક બીજા દિવસે કચરો ગમે ત્યાં નાખશે, કારણ એના મગજમાં એ માત્ર એક પાઠ હતો. જીવનનું મૂલ્ય શિક્ષણ તો થયું જ નથી.

કહેવાનો અર્થ એટલો જ છે કે આપણે શિક્ષક તરીકે કે માતા પિતા તરીકે બાળકને એવું શિક્ષણ આપવા પ્રયત્ન કરીએ કે એ જીવનભર એ દરેક પાઠ યાદ રાખે અને એના અનુભવથી ઘડાય. બાકી પુસ્તકિયું જ્ઞાન ક્યારેય એક સારા નાગરિક એક સારા વ્યક્તિત્વનું નિર્માણ ના કરી શકે! સમય અને મૂલ્યનું સાચું અર્થઘટન અને ઉપયોગ થાય તો જ આપણે બાળકને આપેલા શિક્ષણની સાર્થકતા ગણાય.

 

– #જિગીષા_રાજ
-jigisharaj78@gmail.com

આણંદથી‌ પ્રસિદ્ધ શ્રી પ્રવીણ મેકવાનના સાપ્તાહિક #ગુર્જર_ગર્જના માં મારી કોલમ #અનુરક્ત માં આજનો લેખ