શિક્ષણની દુર્દશાને અવગણીને પણ શિક્ષકનાં વ્યવસાયમાં જોડાતાં વિરલાઓ -સાવધાન

-શિક્ષક:મહેરબાની કરીને મને શિક્ષક રહેવા દો,મારું શિક્ષકત્વ પાછું આપો
-શિક્ષણની પ્રથા + વાલીઓની કથા=શિક્ષકની વ્યથા

ભ્રષ્ટાચારથી ખદબદતા શૈક્ષણિક ખાતાઓ,શૈક્ષણિક ભરતીઓ,કથળેલા શૈક્ષણિક સ્તર અને શિક્ષણની દુર્દશા આ બધું નજરે નિહાળતાં અને જોયા પછી પણ શિક્ષક બનવા પર પસંદગી ઉતારનાર વિરલાઓને સલામ.વ્હાલા શિક્ષક મિત્રો,દેશનાં ઉજ્જવળ ભવિષ્યની મનોકામના અને સમાજનાં ઘડતરમાં ભાગીદારી બનવાની ઉતમ ખેવનાં સાથે શિક્ષક બનવાં પર પસંદગી ઉતારી છે સાથે એક ઉચ્ચ દરજજાનું સ્વપ્ન સેવ્યું છે.તમે સાંભળ્યું જ હશે ને કે શિક્ષક સમાજની પાયાની ઇંટ છે,હા! તમે પાયાની ઇંટ જ છો પરંતુ શું તમે જાણો છો કે શિક્ષક બન્યાં પછી તમે એ શાળાનાં ઓરડામાં પ્રવેશ કરવાનાં છો કે જેની દરેક ઇંટ ભ્રષ્ટાચારનાં ઝેરથી બનેલી છે.સરકારી નેતાઓ અને શૈક્ષણિક ખાતાનાં ઉપરથી નીચે સુધીનાં તમામ વિભાગોમાંથી એ ઝેર પ્રસરતું પ્રસરતું તમારાં સુધી પહોંચશે,દુર રહેશો તો પણ એ જબરજસ્તીથી સ્પર્શી જાશે માટે સજાગ રહેજો! જો એ ઝેરને સ્પર્શ કરશો તો એ ઓરડામાં બેઠેલા બાળકોનાં વિકાસમાં ઠલવાતાં વાર નહીં લાગે.ખાનગી શાળાઓમાં નોકરી કરવાનું વિચાર્યુ છે તો સાવધાન ! તનતોડ મહેનત કરવાં તૈયાર રહેવું પડશે પણ હા!એવી આશાએ બિલકુલ નહીં કે તમને તમારાં કામનાં બદલામાં યોગ્ય વેતન મળશે.અરે એ શાળાઓ કે જેના ટ્રસ્ટીઓ અને સરકારી શિક્ષણ ખાતાનાં નેતાઓ એકમેક પર નભે છે એ તમને યોગ્ય વેતન આપશે તો બાપડા એ કેવી રીતે મર્સિડીઝમાં ફરશે?તેમની શાળાઓ કેમ ચાલશે?એટલે જો શિક્ષક બનવું છે તો આ ઓછા વેતને વધુ કામ કરવાની સ્કીમ તમારે સહર્ષ સ્વીકારી પડશે અને હા રજાઓનું તો બિલકુલ વિચારશો નહીં.બે ત્રણ ઓરડાની બનાવેલી ગંદકીથી ખદબદતી શાળા હોય તો પણ 2મહિનાનાં પગારને જમા રાખવાની ને 1કે2વર્ષનાં બોન્ડ સાઇન કરવાં તૈયાર રહેવું પડશે.દરેક ખોટા કામ અને ભ્રષ્ટાચારથી ધમધમતી શાળાઓમાં 5 કે10 કીલો બુદ્ધિ જાણે 50000 ફી ભરી વેચાતી મળશે એવું માનનારા વાલીઓની કાન ફાડી નાખે એવી ફરિયાદો સાંભળવા તૈયાર રહેવું પડશે.અને હા! તમારે વાલીઓની ખોટી ફરિયાદોનો વિરોધ તો બિલકુલ નહીં કરવાનો જો કરશો તો નોકરીથી જશો.જેમ ચાલે એમ ચલાવવાનું ને આઝાદ ભારતનાં ગુલામ નોકર બની કામ કરતું રહેવાનું,બાળકોને શાળાકીય કોર્સ પુરો કરાવવાનો એટલે તમે શિક્ષક બાકી સમાજ કે દેશનાં ઘડતરનાં સ્વપ્નો સેવવાની ખાનગી શાળાઓમાં સખત મનાઈ છે,પણ હા! તમારે બાળકોને દેશ લેવલે નંબર અપાવવા હોય તો વાલીઓ રૂપિયાની કોથળીઓ ઠાલવવાં તૈયાર જ છે.આ સિવાયની અનેક નાનીમોટી સમસ્યાને માત કરવાં તૈયાર હોય તો વિરલાઓ ધન્ય છે તમને; જોડાજો

શિક્ષકનાં વ્યવસાયમાં પણ,જોજો શિક્ષણ આપતાં આપતાં કયાંક શિક્ષણ અને તમે બન્ને ન વેચાઇ જતાં.
જો તમે સરકારી શાળામાં ભરતી થવા ઇચ્છો છો તો અતિ સાવધાન! તમે સમાજનાં નવનિર્માણનાં ઉદેશથી ભલે જોડાઓ પણ સરકારની તો તમારે કઠપુતળી બનવા તૈયાર રહેવું પડશે.તમે ભલે બાળકોનાં ઉદ્ધાર કરવાનાં સ્વપ્નો સેવ્યા હોય પરંતુ શૈક્ષણિક ખાતાનાં દરેક કર્મચારીઓના ઉદ્ધાર તમારે પેલા રુપિયાની થેલીઓથી કરવાં પડશે; એ જેમ નચાવે એમ નાચવું પડશે તમારુ શિક્ષકત્વ ધીરે ધીરે લુંટાવાનું શરું થશે.ભલે કરોડો રૂપિયાનાં શાળાઓનાં ઓરડાઓ ખાલી ચોપડે જ નોંધાતા હોય પરંતુ તમારે તો દસ વર્ષ ફીક્સ પગારમાં જ કામ કરવું પડશે;તમે તમારા કુંટુંબની નજીક હોય કે નહી તમારે તો ભ્રષ્ટાચારી દોગલી અને ખોખલી સરકારી ભરતીપ્રક્રિયામાંથી પાસ થઇને પણ દસ વર્ષનાં બોન્ડ સાઇન કરવાં પડશે;અને હા! ભરતીમાં કરોડોનાં ગોટાળા થાય તો વ્હાલા વિરલાઓ કયાંક તમારું હ્રદય ધબકાર ન ચુકી જાય એ માટે તૈયાર જ રહેજો;આ બધાથી ન ધરાયેલા શૈક્ષણિક ખાતાને જો તમારે દસ વર્ષની અંદર બદલી કરવી હશે તો ફરી એ ભ્રષ્ટાચારી પ્રક્રિયામાંથી પસાર થઇ તમારે તમે કમાયા હોય કે નહીં પણ 3લાખ તો ધરવા જ પડશે તો જ તમે પરિવાર સાથે રહી શકશો.આ નિયમોનો કદાચ તમે વિરોધ નહીં કરો,પૈસાને કદાચ તમે ગણકારશો નહીં પણ તમે જોયેલાં સ્વપ્નનું શું?તમારું અડધું શિક્ષકત્વ લુંટાયાનો અહેસાસ થશે પણ,તમે તો વિરલાઓ છો પુરુ નહીં લુંટાય ત્યાં સુધી હાર થોડી માનશો?

તમે જોડાશો એટલે હોંશે હોંશે પ્રવેશોત્સવમાં ભાગ લેશો;બાળકોને જોઇ તમે આનંદ વિભોર થશો.સ્વચ્છતા મિશન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ,સ્વચ્છ શાળા પુરસ્કારની મિટીંગ, આઝાદી સપ્તાહ,સ્વચ્છતા રેલીઓ કે મેરેથોન દોડ આ બધું જ તમે શૈક્ષણિક કામનાં ભાગરુપે કે બાળકોનાં સર્વાંગી વિકાસ અર્થે કે સમાજ ઘડતરનાં ભાગરુપે પ્રમાણિકતાથી અને મહેનતથી કરશો કેમ કે તમે એક નવા ભારતનું સ્વપ્ન જો જોયું છે.પણ,મારા વ્હાલા વિરલા મિત્રો આ કામો અહીં આટલેથી અટકતાં નથી.વિશ્વ યોગ દિવસ,ગણિત વિજ્ઞાન પ્રદર્શન, ખેલ મહાકુંભ, રમતોત્સવ, જ્ઞાન સપ્તાહની ઉજવણી આ બધું જ તમારે કરવાનું છે આ બધા કામ કરતાં કરતાં આડેધડ થતી રુપિયાની લ્હાણી કે ભ્રષ્ટાચાર કૌભાંડ જોઇ તમારું હ્રદય કદાચ દ્રવી ઉઠશે;તમારું બચેલું શિક્ષકત્વ જાગી ઉઠશે પણ,ના…ના…ના.. ! તમે એવું સમજો છો કે વિરોધ કરશો,સમસ્યાનો ઉકેલ લાવશો; જો એવું કરવા જાવો તો તમારી બદલીઓ તો ઠીક છે એ તો નહીં જ થાય પરંતુ તમે ખુલ્લી આંખે જોયેલા સ્વપ્નાઓ બંધ આંખે જોવાનું વિચારશો નહીં;તમારા સ્વપ્નાઓનું બાળમરણ જ થઇ જાશે.પણ,હા! ફરી યાદ આવ્યું તમે તો સમાજનાં ઘડતરનાં નામે શહીદ થવા વાળા કે ફના થવા વાળા વિરલાઓ છો ને?તમે એમ માનો છો ને અને તમે તો પ્રતિજ્ઞા પણ લીધી હતી કે હું આજીવન બાળકોને શીખવતો રહીશ અને મારું કામ શિક્ષણ આપવાનું છે;પણ,એ વ્હેમ સાબિત થશે.તમે શિક્ષણ આપશો તો ગુણોત્સવનાં નામે કરોડોની લુંટ કોણ કરશે?ગુણોત્સવ તો તમારે ફરજિયાત કરવો પડશે.ગ્રામસભાઓ પણ કરવી પડશે; કાર્યક્રમોમાં પધારતા વિવિઘ સરકારી કર્મચારીઓની ખાતેદારી પણ વળી તમારે જ તો કરવી પડશે. તમે શાળાઓનાં તમામ બાળકોની જવાબદારી લીધી છે તેથી તમારે 100%બાળકોનાં બેન્ક ખાતા પણ ખોલાવવા પડશે;તેમના આધારકાર્ડની કઢાવવાની જવાબદારી પણ તમારી જ;દરેક બાળકોની જ્ઞાતિ અનુસાર શિષ્યવૃતિ તેનાં ખાતામાં તમારે જ જમા કરાવવી પડશે;બાળકોની જવાબદારી સાથે સાથે તમે દેશનાં વિકાસનું સ્વપ્ન જોયું છે એટલે તમારે વસ્તી ગણતરી, મતદારયાદી સુધારણા યાદી પણ કરવી પડશે અને કેટલીક જગ્યાએ જન્મ-મરણ નોંધણી કરવામાં પણ તમારે મદદ કરવી પડશે.અરે તમને વિશ્વાસ નથી આ વાતોમાં? પણ હા! આ બધું જ તમે કરશો અને સાથે સાથે તમને લટકામાં સી.આર.સી.તાલીમો,ડાયટની તાલીમો અને બી.આર.સી. મિટીંગો ફ્રી માં અને ફરજિયાત આપવામાં આવશે;બાળકોનાં આરોગ્યનું ધ્યાન પણ તમે રસીકરણનાં સ્વાસ્થ્ય અંગેના કાર્યક્રમ કરી રાખશો.

શું આ બધું કરતાં કરતાં તમે વર્ગખંડમાં પુરતો સમય આપી શકશો?બાળકોનાં ભવિષ્યને ઘડી શકશો? અરે આ બધું કરતાં કરતાં તમે ભ્રષ્ટાચારની આડમાં કયારે પ્રવેશી જશો તેનો તમને ખ્યાલ છે?તમે એક આઝાદ ભારતનાં સરકારી ગુલામીમાં સબડતા નોકર તો નહીં બની જાવ ને?શિક્ષણની પ્રથાઓ અને વાલીઓની કથાઓ તમારી વ્યથાઓ તો નહીં બને ને?કયાંક તમારું શિક્ષકત્વ મૃત્યુ તો નહીં પામે ને?તમે એક ભ્રષ્ટાચારી પેઢીનું નવનિર્માણ તો નહીં કરોને? આ સવાલો પોતાની જાતને પુછજો! પણ,તમે એક સ્વપ્ન લઇને શિક્ષક બનવા પર પસંદગી ઉતારી છે સાથે સમાજનાં ઘડતર અને દેશના ઉદ્ધાર અને ભાવિ બાળકોને તૈયાર કરવાની નેમ સાથે આ વ્યવસાયમાં ભુસકો માર્યો છે. જો અગાઉની પેઢીની આડમાં જોતરાશો તો તમારા સ્વપ્નો ધુળમાં રગદોળાવાનાં જ છે અને ભ્રષ્ટાચારી પદ્ધતિઓમાં તમારુ શિક્ષકત્વ ગુમાવવાનો જ વારો આવશે માટે પ્રવેશ કરતાં પહેલાં સજ્જ બનીને જાવ શિક્ષણનીતિઓ અને પદ્ધતિઓનાં બદલાવની માંગ સાથે જ જાવ તમે યુવા પેઢી એ છો અને એ વિરલાઓ છો કે તમે સમાજનાં ઘડતરનાં વ્યવસાયમાં જોડાયા છો તમારા વગર શાળાઓ ચાલશે નહીં;શૈક્ષિણક કામો ચોક્કસ કરશું પણ વર્ગખંડનાં સમયના ભોગે કે બાળકોનાં ભવિષ્યમાં ચેડા કરીને કદાપિ નહીં આવી નક્કર માંગ સાથે આગળ વધો.ખાનગી શાળાઓમાં પુરતા વેતનની માંગ સાથે જ પ્રવેશો ભ્રષ્ટાચારનાં શિકારથી તમે બચશો તો તમે બાળકોને બચાવશો;શરુઆત કરવી થોડી અઘરી લાગશે પણ શિક્ષક બનવાની પસંદગી કરનાર તમામ મિત્રો સહયોગથી આગળ વધશે તો બદલાવ શક્ય જ છે અને હા! તમે સમાજનો અરીસો છો આવનારી પેઢીનાં નવાં પ્રતિબિંબની સમાજ રાહ જ જુએ છે. ફરી એક વાર એ વિરલાઓને સલામ કે જે આ વ્યવસાયમાં પગ માંડી રહ્યાં છે કેમ કે હું પણ એક શિક્ષિકા જ છું અને આ કથાને વ્યથાનો એક ભાગ છું.

 

-“રોઝિના અમલાણી”
-⚘INA AMLAN