સંબંધો મેઘધનુષ જેવા અને મૃગજળ જેવા

સંબધોની દુનિયામાં વિહરતા પાંપણ પલકતાની સાથે હજારો વિચારો ટપોટપ પસાર થઈ જાય કે સંબંધ એટલે શું?સંબંધોની દુનિયા એટલે શું?સંબંધ શબ્દ સાંભળતાની સાથે જ હૈયાના દ્વારના પુષ્પો મઘમઘી ઉઠતા હોઈ છે તો કેટલીકવાર મુરજાતા પણ જોવા મળે.વ્યક્તિના જીવનમાં દરેક સંબંધ ઈશ્વર તરફથી નક્કી થઈને આવ્યો હોઈ છે.એવું દરેક વ્યક્તિ મને-કમને સ્વીકારે છે પણ કેટલાક સંબંધોના અસ્તિત્વ વ્યક્તિને એ અહેસાસ કે અનુભવ સુધી લઇ જાય છે કે કેટલાક સંબંધો માનવે જાતે જ ઉભા કર્યા છે.સંબંધોનું બંધાવું અને નિભાવવું અને વળી પાછુ વિખેરાવું આ ક્રમ માટે માનવી પોતેજ નિમિત છે.વ્યક્તિના જન્મ સાથે જ કેટલાક સંબંધોના નામ આપવા નથી પડતા ,આપોઆપ અપાય ગયેલા હોઈ છે.અને સંબંધોનું બંધાવું શરુ થઇ છે.પરંતુ સપ્તરંગી વિશ્વમાં ડગ ભરતા માનવી જયારે માતા-પિતા ,ભાઈ-બહેન કે પરિવારની બહાર દ્રષ્ટિપાત કરે છે ત્યારે અસંખ્ય સંબંધોની હારમાળા દેખાય છે.કેટલાક મેઘધનુષ્ય જેવા તો કેટલાક આકાશ કે સમુદ્ર જેવા.કેટલાક ક્ષિતિજ જેવા તો વળી કેટલાક મૃગજળ જેવા.

વ્યક્તિ પોતાના જીવનના અનુભવો પરથી સારા કે નરસા સંબંધો નક્કી કરતો હોય છે.અને હજારો નિકટની વ્યક્તિઓ પાસે એના મારી મઠારીને ગુણગાન ગાતો હોય છે.હકીકતમાં દરેક સંબંધને ઈશ્વરનિમિતની ઉપમા આપી પોતે જ નક્કી કરે છે.અને ઈમારત પણ પોતે જ ચણે છે અને ધવસ્થ પણ પોતે જ કરતો હોય છે.

પ્રાચીન સમયથી લઇ આજદિન સુધીના અનેક સંબંધોના નામ ટોચ પર જઈ વિહાર કરે છે તો કેટલાક સંબંધોના નામ આજે પણ વગોવાયેલા છે.કેટલાક નામ થયા તો કેટલાક બદનામ અને આજ સુધી તે ચાલે છે.સંબંધોને નામ આપવાની જરૂર જ રહેતી નથી સમાજ તેને આપોઆપ નામ કે ઉપનામ આપે છે તો વળી બદનામ પણ કરે છે.કહેવાય છે કે પહેલાના સમયમાં સંબંધોને સાચવવા મનુષ્ય કાંઈપણ કરી છુટતો અને આજીવન દરેક સંબંધમાં એ મને-કમને બંધાઈ રહેતો.આજની વડીલપેઢીને અનેકવાર આરોપો લગાવતા સાંભળી છે કે આજની યુવાપેઢીમાં સંબંધોની સમજ નથી કે એ સંબંધોને સાચવી જાણતી નથી કે સંબંધોને સાચવતા તેમને આવડતું નથી.પરંતુ એ ધારામાંથી એક ધારા અનોખી છે અને એને સકારાત્મક દ્રષ્ટિથી જોતા માલુમ પડે છે કે આજની પેઢી પણ સંબંધને સાચવવા કોઈ કસર બાકી રાખતી નથી.હ્રદયની લગોલગ બેસાડેલા સંબંધો હાથની હથેળીમાં સરકતા હોઈ તેમ છતાં તે મુઠ્ઠીબંધ કરી એ સંબંધને સાચવી લે છે.

સંબંધ વગરની દુનિયાની કલ્પના હ્રદય હલબલાવી દે તેવી હોઈ છે.સંબંધ વગર નથી પ્રાચીનપેઢી જીવી શકી કે નથી આધુનિક પેઢી જીવી શકવાની. સંબંધોને કદાચ સારા-નરસાની ઉપમાઓ મળી હોય પરંતુ સંબંધ તો આખિર સંબંધ છે.સંભવ છે કે જે સંબંધને આખું આયખું નીકળી જાય ત્યાં સુધી ખરાબ માન્યો હોય અને જીવનના અંતે એ સારા હોવાની પ્રતીતિ થાય છે.અને જેને હ્રદયમાં ધબકતો રાખ્યો હોઈ એ દુર દુર સુધી ક્ષિતિજે પણ ન અડતો હોય અને કેટલાયે સંબંધોની પાછળ મૃગજળની જેમ ભટક્યા હોય અને એ ખુબ નજીક હથેળીમાંથી સરકતો હોય.
સંબંધોનું મુલ્ય આંકી ન શકાય પરંતુ મનુષ્ય જાતિની વારસાગત કુટેવને લીધે તે દરેક સંબંધનું મુલ્ય આંકવા બેસે છે અને પારખવામાં ને માપવામાં અદભૂત આંનદની ક્ષણોને ખોઈ બેસે છે.મનુષ્ય પોતેજ સંબંધોને મુખ્ય અને ગૌણ એવા બે ફાટા પાડી વહેંચી દે છે.ક્યારેક કોઈ એક મુખ્ય સંબંધમાં એટલો ઓતપ્રોત થઈ જાય છે કે દુનિયાના તમામ સુખ કે સંબંધો તેમની આગળ વામણા કે ગોણ સાબિત થાય છે અને એજ સંબંધ જયારે પાણીના રેલાની જેમ હાથમાંથી કે હ્રદયથી છુટે ત્યારે તે પકડવા માટે આમથી તેમ તરફડીયા મારે છે અને સંબંધોના અસ્તિત્વ પર પોતાની જાત સાથે અનેક સંવાદો પરિસંવાદો કરતો રહે છે.સંબંધોની રંગીન દુનિયા નજર સામેજ બેરંગી બની જતી જુએ છે ત્યારે એક સમયે સો ટકા સકારાત્મક લાગતો સંબંધ તેને એક જ પળમાં નકારાત્મક દેખાય છે.આવું અનેક સંબંધોમાં આજીવન ચાલ્યા કરે છે.સંબંધો બંધાય છે ,વિખેરાય છે,અને ફરી પાછા બંધાય છે.અને મનુષ્ય એ વમળમાં ચક્કર લગાવતો રહે છે.

એવા કેટલાક સંબંધો છે કે જેને પરંપરાગત રીતે અસંખ્ય લોકોએ ટોચ પર બેસાડી દીધા છે.એ સંબંધોને હમેશા પવિત્ર જ ગણવામાં આવ્યા.માતા-પિતા ,ભાઈ-બહેન,બાપ-દીકરી કે માં-દીકરો આવા પરિવારના સંબંધોને માત્ર પવિત્ર જ નહી પરંતુ અનેકાનેક અમૃતભરી ઉપમાઓ આપી સમાજ સમક્ષ સોળે કળાએ ખીલવીને પ્રસ્થાપિત કરવામાં આવ્યા.સમાજજીવનના દરેક સંબંધો પર દ્રષ્ટિપાત કરતા મનમાં એક તિખારો થાય છે કે પ્રાચીન સમયથી આજદિન સુધી સૌથી વધારે વગોવાયેલો સંબંધ જો કોઈ હોય તો એ છે યુવાન છોકરા-છોકરીના મૈત્રીના કે પ્રેમના સંબંધો કે પછી સ્ત્રી-પુરુષના લીવ-ઇન સંબંધો .આ સંબંધો પર અસંખ્યવાર આરોપો લાગ્યા તો તરછોડાયેલા તો વળી સમાજની માયકાંગલી વિચારધારા સામે આવી.સમાજની વડીલપેઢી જ નહી પરંતુ અસંખ્ય લોકોની માયકાંગલી અને ગંદી વિચારધારાને લીધે આ સંબંધો પર જાતજાતના આરોપો લાગતા જોઉં છું ત્યારે ખરેખર વિચારોનો દોર છુટ્ટો મૂકી દેવાનું મન થાય છે કે શા માટે?શા માટે?બધાજ સંબંધોને પવિત્રતાની વ્યાખ્યામાં સમાવિષ્ટ કરવામાં આવતા હોય તો મૈત્રીના,પ્રેમના કે લીવ-ઇન ના સંબંધોને કે સેક્સના સંબંધોને શા માટે પવિત્ર લેખવામાં આવતા નથી.પશ્ચિમની સંસ્કૃતિ આ બાબતે ઘણી આગળ છે એક પળ એમની શુદ્ધ વિચારધારાને સલામ કરવાનું મન થાય છે.આપણે પશ્ચિમસંસ્કૃતિ પાસેથી ઘણું બધું ઉછીનું લેતા આવ્યા છીએ અને લઇએ છીએ અને પશ્ચિમસંસ્કૃતિને આપણે આપ્યું પણ છે અને આપતા રહીએ છીએ,તો શા માટે આપણે એમની શુદ્ધ અને ખુલ્લી વિચારધારાને અપનાવવામાં પાછીપાની કરીએ છીએ?શા માટે ભારતીય પ્રાચીનસંસ્કૃતિની નામે ખોટો આડંબર કરીએ છીએ?આવું ક્યાં સુધી ચાલશે?ક્યાં સુધી ગંદી ,માયકાંગલી,આડંબરવળી વિચારધારાને અપનાવતા રહેશું?

ભારતીય પ્રાચીનતમ સંસ્કૃતિએ,અનેક શાસ્ત્રોએ અને અનેક ગુરુઓએ મૈત્રીના ,પ્રેમના,કે સેકસના સંબંધોને પવિત્ર લેખ્યા અને પવિત્રતાની એક શુદ્ધ વિચારધારા વહેતી મૂકી.એમનો સખત વિરોધ પણ થયો પરંતુ આ શુદ્ધ વિચારધારામાં સામેલ થવાવાળા ચાહકોની સંખ્યા આજે પણ ઓછી નથી અને સાથે એક નુતન વિચારધારા તરફ ડગ ભરતા યુવાનોની સંખ્યા પણ વધતી જાય છે.તેનાથી પ્રતીત થાય છે કે આજની પેઢી મૈત્રીસંબંધો કે પ્રેમસંબંધો ,લીવ-ઇન-રીલેશન કે સેક્સસંબંધોને પવિત્ર ગણતી થઈ છે અને નિખાલસપણે સ્વીકારે છે.પરંતુ પરંપરાગત માયકાંગલી વિચારધારાને પ્રોત્સાહન આપનારની સંખ્યા પણ હજુ છે આથી જ આ સંબંધો બાબતે જાહેરમાં લેખન માટે કે સંવાદ-પરિસંવાદ કે ચર્ચા ખુબ ઓછા પ્રમાણમાં થાય છે.

સંબંધોની દુનિયાની ઉચ્ચ કલ્પના માટે અને જીવનની ફલશ્રુતિ માટે કોઇપણ સંબંધની બાદબાકી કરી શકાતી નથી.પ્રેમ ઈશ્વર છે અને શ્રેષ્ઠ સ્વાસ્થ્યપૂર્ણ સમાજની ફક્ત વાતો કરનારી પેઢી જલ્દીથી યુવાનપેઢીની નિખાલસ આડંબરવગરની વાતોને જલ્દીથી સ્વીકારી એકમેક સાથે કદમ મિલાવશે તો સંબંધોના રંગોને પૂરવા મેહનત નહી કરવી પડે,સંબંધોના રંગોની સુગંધ કે મહેક ભારતીય સંસ્કૃતિમાં પાણીના રેલાની માફક રેલાશે.
હકીકતમાં દરેક સંબંધને જીવી જાણવો જોઈએ માણવો જોઈએ.જીવન કે હ્રદયની લગોલગ બેસતા દરેક સંબંધને મનુષ્યએ સાચવવો જોઈએ,બે ચાર સંબંધો એવા હોય કે જેની સાથે તમે જીવનની દરેક પળને વહેતી મૂકી શકો,ખુલ્લા હ્રદયથી અને નિશ્ચિત રીતે સુખદુઃખમાં એકમેકનો ટેકો બની રહે.આ સંબંધોને સ્વીકારતો મનુષ્ય થાય ત્યારે જીવન ધન્ય થયું કે થયો બેડોપાર.અનુભવોનો નીચોડ સંબંધોમાંથી જ તો મળશે અને જીવન જીવવાની સાચી રીત પણ શીખવાડે એ જ તો વળી સોને મઢેલો સંબંધ.

 

-રોઝિના અમલાણી
-⚘INA AMLAN