વંટોળ.

✍🏻સંજય ભટ્ટ

નવીનચંદ્રભાઈની એકની એક માં વગરની લાડકી દીકરી નિલમની જાન ઘર આંગણે આવી પહોંચી હતી. નવીનચંદ્રભાઈ એમનાં સંઘર્ષમય જીવન વચ્ચે લાડકી દીકરી કે જેણે ક્યારેક માં,બહેન,સખીના પાત્રો ભજવી નવીનચંદ્રભાઈના જીવનમાં બાવીસ વર્ષ પહેલાં વ્યાપેલો ખાલીપો દૂર કર્યો હતો તેને સાંસારિક નિયમો મુજબ વળાવવાનો અવસર ઘર આંગણે આવી પહોંચ્યો હતો. દીકરીના સારા પાત્ર અને સારા કુટુંબમાં લગ્ન એ દરેક માં-બાપનું સ્વપ્ન હોય છે. એવી જ રીતે નવીનચંદ્રભાઈને વેવાઈ તરીકે રસિકભાઈ કે જેઓ ઉમદા સ્વભાવ ધરાવતા અને નીતિમત્તા પુર્વક જીવન જીવતા વ્યક્તિના એકના એક દીકરા પર્વ સાથે થઈ રહ્યાં હતાં. નવીનચંદ્રભાઈ ને દીકરીને સારા ઘરે વળાવવાનો સંતોષ હતો સાથે ફરી જીવનમાં આવનાર ખાલીપણા નો રંજ પણ હતો.

નવીનચંદ્રભાઈએ નિલમના લગ્ન ધામધૂમથી કર્યા અને નિલમની ‘માં’ની વસ્તુઓ ઉપરાંત બીજુ અકલ્પ્ય ઘણું જ કરિયાવર આપી દીકરીને એમના જીવનપથ પર પગલાં ભરવા વિદાય આપી.

નિલમને એના સાસરે પણ એક દીકરી તરીકે જ આવકાર મળ્યો. પર્વ એકનો એક દીકરો હોય અને તેના માતાજી કુસુમબેનની કુખે દીકરી ન હોવાનો રંજ વહુમાં દીકરી ગણી દૂર કરવા માંડ્યા હતા સાથે નિલમનું ગૃહસ્થ જીવનપથ પરની પા પા પગલી પણ શરૂ થઈ ગઈ હતી.

લગ્નના નવ મહિના બાદની એક સુંદર સવારે ખુશનુમા વાતાવરણમાં રસિકભાઈ ઘરના આંગણામાં બેસી છાપું વાંચી રહ્યા હતાં. ત્યારે અચાનક ઘરના ફોનની ઘંટી રણકે છે. કુસુમબેન ફોન ઉંચકે છે અને કોલમાં સામે છેડેથી કહેલ વાત સાંભળી કુસુમબેન ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે. રીસીવર કુસુમબેનના હાથમાંથી સરકી પડ્યું હોય છે. રસિકભાઈ આંગણામાંથી અને નીલમ રસોડામાંથી દોટ મૂકી દીવાનખંડમાં આવી પહોંચે છે. રસિકભાઈ રીસીવર ઉઠાવે છે અને નીલમ કુસુમબેનને રડતાં શાંત પાડવા અને શું થયું એ માહિતી જાણવા તેની પાસે બેસે છે. રસિકભાઈ પણ ફોનકોલ સામે છેડેની વાત સાંભળી ઉતાવળા પગલે સ્કુટરની ચાવી લઈ બહાર તરફ જવા લાગે છે. નીલમ અકળાઈ પૂછે છે,” બાપુજી મને તો કહો શું થયું? બા આટલું બધું શા માટે રડે છે! તમે આમ ઉતાવળે અચાનક કયા જવા લાગ્યાં?” રસિકભાઈ નિલમના માથે હાથ ફેરવી ભીના ગંભીર અવાજે, “બેટા પર્વનો અકસ્માત થયો છે હું હોસ્પિટલ જઉં છું.” નીલમ આ વાત સાંભળી બેબાકળી બની રડવા લાગે છે. અને રસિકભાઈ સાથે હોસ્પિટલ આવવા જીદ કરે છે.
રસિકભાઈ નિલમને સાથે લઈ હોસ્પિટલએ પહોંચે છે. પૂછપરછ બારીએથી વિગત મેળવી ઈમરજન્સી વોર્ડમાં પહોંચે છે. પર્વ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો, એ રસિકભાઈને નિલમના સેથાનું સિંદૂર ન ભૂંસાવા દેવાનું વચન લે છે. અને અંતિમ શ્વાસ લઈ જીવનપથની રમતના દાવમાં ઈશ્વરની સામે બાજી હારી માત્ર નવ મહિનાના ટૂંકા લગ્નજીવન બાદ પર્વ નિલમને એકલા છોડી અનંતની વાટે નીકળી પડે છે.
નીલમ પર્વના મૃત મુખને જોઈ આક્રંદ સાથે રડવા લાગે છે, રસિકભાઈ પણ પોતાના જીવનને અભિશાપ સમજી ઈશ્વરને ફરિયાદ કરતાં રડવા લાગે છે. હોસ્પિટલમાં હાજર લોકો સ્તબ્ધ થઈ જાય છે.

પર્વની અંતિમયાત્રા એમના ઘરેથી નીકળે છે બધા જ સગા સંબંધીઓ નીલમના અશ્રુઓ અને વલોપાત જોઈ હેબતાઈ જાય છે. અને જ્યારે નવીનચંદ્રભાઈ અને નીલમ એકબીજાને મળે છે ત્યારે નીલમનું બાપની છાતી પર માથું ઢાળીને વલોપાત જોઈ હાજર દરેક વ્યક્તિની આંખો અશ્રુબિંદુથી ભરાઈ જાય છે.
પર્વની અંતિમક્રિયા બાદ રસિકભાઈ વેવાઈ નવીનચંદ્રભાઈ ને કહે છે, ” પર્વની અંતિમ ઈચ્છા નિલમને બીજે પરણાવી દેવાની હતી, જેથી કોઈ સારો મુરતિયો ધ્યાનમાં હોય તો જણાવજો”. દીકરીના સસરાના મોઢે આવી વાત સાંભળી નવીનચંદ્રભાઈની આંખોમાં ફરીથી પાણી આવે છે. રસિકભાઈ આગળ વાત વધારતા, ” નવીનભાઈ… આ વખતે કન્યાદાનનું પુણ્ય હું મેળવીશ….હવે નીલમ મારી દીકરી છે અને તેની જવાબદારી પણ મારી છે.” બન્ને વેવાઇઓ એકબીજાને ભેટી પોતાની લાગણીઓ અશ્રુ સ્વરૂપે વ્યક્ત કરતાં રહે છે.

પર્વ પાછળની વિધિઓ પૂર્ણ થતાં નવીનચંદ્રભાઈ રસિકભાઈ પાસે નિલમને પોતાની સાથે થોડો સમય લઈ જવાની પરવાનગી માંગે છે, રસિકભાઈ પણ આ વાત સાથે સહમત થઈ થોડાં દિવસ નીલમને નવીનભાઈ સાથે જવા સૂચન આપે છે.

નીલમ પોતાના પિયર સફેદ સાડીમાં વૈધવ્ય સાથે પ્રવેશતાં, નવોઢા તરીકેની વિદાય લીધેલ પળો યાદ કરી એમની ‘માં’ ના ફોટા પાસે મન મૂકી ફરી રડે છે. નવીનભાઈ પણ નિલમને રડવા દે છે.

દુઃખનું ઓસડ દા’ડા તેમ દિવસો જવા માંડ્યા નીલમ થોડી સ્વસ્થ થઈ અને પરત સાસરે જવા નીકળવાની હતી તે દિવસે જ જશોદાબેન કે જેઓ નવીનચંદ્રભાઈની બાજુની શેરીમાં રહેતાં હતાં એ એમના પુત્ર કાર્તિકના નીલમ સાથેના સગપણની વાત લઈ આવે છે. જશોદાબેનએ પણ નાની ઉંમરમાં વૈધવ્ય મેળવેલું કાર્તિક એમનો એકનો એક દીકરો હતો જેને જશોદાબેને રસોઈકામ કરી ઉછેર્યો હતો.

કાર્તિક નીલમ સાથે ભણતો અને મનોમન પસંદ પણ કરતો પણ એ પોતાની પ્રેમની વાત નીલમ સમક્ષ રાખે એ પહેલાં જ નિલમનું પર્વ સાથે સગપણ થઈ ગયેલું. કાર્તિકને છૂટક ફરસાણની દુકાન હતી.

નવીનભાઈ જશોદાબેન ને કહેતાં, “તમે મુકેલી વાત હું નીલમના સસરા રસિકભાઈ ને કરીશ અને પછી તમને જણાવીશ. જશોદાબેનની વાત નવીનભાઈ નિલમના સાસુ-સસરાને જણાવે છે. રસિકભાઈ નવીનભાઈને જશોદાબેન અને કાર્તિક સાથે મળવા બે દિવસ બાદનો સમય નક્કી કરવા જણાવે છે. રસિકભાઈ અને જશોદાબેન બન્ને નવીનભાઈને ઘરે જવા નીકળે છે.

બે દિવસ બાદ જશોદાબેન કાર્તિક સાથે નવીનભાઈના ઘરે આવે છે, અને બન્ને વચ્ચે કાર્તિક અને નીલમના લગ્નની વાતો થાય છે. રસિકભાઈ અને કુસુમબેન કાર્તિકને જોઈ પ્રભાવિત થાય છે. રસિકભાઈ જશોદાબેનને કહેતા, ” આપ વડીલ છો અને બધીજ હકીકત જાણો છો, માં વિના દિકરીને અમે અમારે ઘરે દીકરી જેમ જ આવકારેલી એની માંની કમીને અમારે ઘરે પુરી કરશુ એવા સપના સેવ્યા હતા, પણ ન જાણીયુ જાનકીના નાથે સવારે શુ થવાનુ ને મારો દિકરો જીંદગીના અડધા રસ્તે તેને છોડી જતો રહ્યો. હુ અને નવીનભાઈતો આજ છીએ અને કાલ નથી. નિલમથી કંઈ ભુલ થઈ જાય તો તમારી દિકરી સમજી માફ કરી દેજો” આટલું બોલી રસિકભાઈ ને ડૂમો ભરાઈ જાય છે.

જશોદાબેન રસિકભાઈ,નવીનભાઈ અને કુસુમબેનને સાંત્વના આપતાં બોલ્યા કાર્તિક ના પપ્પા ગુજરી ગયા પછી. મારો દિકરો અભ્યાસ અધુરો છોડી ને ફરસાણ ની દુકાન ચલાવે છે અમે અત્યારે સુખી જીવન પસાર કરી રહ્યા છીએ અમારા સુખી સંસારમાં નીલમ જેવી વહુ આવે તો જીવન સંસાર દીપી ઉઠે, મેં પણ નાની ઉંમરે વૈદ્યવ્ય મેળવેલું અને સમાજમાં કેટલું સહેવું પડે એ પણ મેં અનુભવ્યું છે જો નીલમ જેવી વહુ આપો તો મારી જવાબદારી પુરી કરુ ને તમામ જવાબદારી નિલમ ને સોંપી ને ધર્મ ધ્યાનને ઈશ્વરની સેવાપુજા કરૂ તેમજ કાર્તિકના છોકરાઓ રમાડું બસ એ જ ઈશ્વર પાસે ઈચ્છા છે.

અંતિમ ઈચ્છા નીલમ પર છોડવામાં આવે છે.રસિકભાઈ કુસુમબેન અને નવીનભાઈ ની હાજરીમાં જ નીલમને પૂછે છે “બેટા તારી શું ઈચ્છા છે? તને કાર્તિક ગમે છે?” જવાબમાં,” બાપ ક્યારેય દિકરી ને કુવા મા ઉતારીને વેતર ન કાપે. મારા ભાગ્ય માટે ચિંતા કરવા મારી પાસે તો બે પિતાની છાયા છે કે જેઓ મારી જીંદગી ને સાચા માર્ગ પર ચઢાવીને મને ખુશખુશાલ જોવે. પપ્પાજી નિસંકોચ રહી આપ જ નિર્ણય કરો.હુ કાર્તિક ને સારી રીતે ઓળખુ છુ.વેપાર ધંધામા હોશિયાર છે અને પરિવાર માટે મુશ્કેલીમાં ખડે પગે ઊભો રેહવા વાળો છોકરો છે.”

નીલમ ની સંમતિ બાદ રસિકભાઈ અને નવીનભાઈ કાર્તિક સાથે લગ્ન કરાવવા સહમત થાય છે, બન્નેના લગ્ન લેવાય છે અને નીલમનું ફરી કાર્તિક સાથે પરીણય રચાય છે. આ વખતે કન્યાદાન રસિકભાઈ અને કુસુમબેન આપે છે અને દુનિયામાં, સમાજમાં એક દાખલો બેસાડે છે. રસિકભાઈ દિકરા પર્વને આપેલ વચન પૂરું કરે છે.

કાર્તિક અને નીલમ બંન્ને જીવનની નવી શરૂઆત કરે છે. બંન્ને લગ્નજીવન પણ સંસારપથ પર સુંદર રીતે દોડવા લાગે છે. મા વગરની દીકરીને કુસુમબેન બાદ જશોદાબેન પણ લાડકોડથી સાચવે છે. નીલમ પણ જશોદાબેન ના પડ્યા બોલ જીલે છે
કાર્તિક અને નિલમને ઈશ્વર તરફે પ્રસાદ રૂપે લગ્નના દોઢેક વર્ષ બાદ એક પુત્રી અને બીજા બે વર્ષ બાદ પુત્ર અવતરે છે.

ઘરમાં સભ્યો વધતાં કાર્તિક એ જોયેલ સ્વપ્નનું મકાન બેંક લોન પર ખરીદે છે. કાર્તિકનો સંસાર સુખમય પસાર થઈ રહયો હતો. જશોદાબેનને પણ વૃદ્ધત્વએ દસ્તક દઈ દીધું હોય છે. અચાનક એક દિવસ એના પૌત્ર સાથે રમતાં ઘરમાં જ ઢળી પડે છે.

કાર્તિક જશોદાબેનને નિદાન કરાવવા દવાખાને લઈ જાય છે પણ ડોક્ટર કંઈ સ્પષ્ટ જણાવતાં નથી. જશોદાબેનને હોસ્પિટલમાં દાખલ થવાનું કહે છે. જુદા જુદા ઘણા જ રિપોર્ટ કરાવડાવે છે અને મોંઘી દવાઓ, બાટલાઓ ચડાવવાનું શરૂ થાય છે. કાર્તિક જશોદાબેન ની તબિયતની ચિંતામાં દોડતો રહે છે. લગભગ આઠેક દિવસની સારવાર બાદ ડોક્ટર શહેરની મોટી હોસ્પિટલમાં સ્પેશિયાલીસ્ટને બતાવવાનું જણાવી દવાખાના માંથી રજા આપે છે.

તણાવગ્રસ્ત હાલતમાં કાર્તિક જશોદાબેનને ઘરે લઈ આવે છે. જશોદાબેનની તબિયત દવાખાને ગયા બાદ વધુ બગડી હતી. જેથી આગળની સારવાર કરાવવી જરૂરી થઈ પડી હતી. કાર્તિક પાસે રહેલી બચત લગભગ વપરાઈ ગઈ હતી. નીલમ જશોદાબેનની સારવાર અર્થે પોતાના ઘરેણાં ગીરવે મુકવા જણાવે છે. પણ કાર્તિક એમની વાત માનતો નથી અને ગામના શાહુકાર પાસે વ્યાજે રકમનો ઉપાડ કરે છે.

ફરસાણની દુકાન હાલ બંધ હોય આવક પણ બંધ થઈ હતી, મકાનની લોનના હપ્તાઓ પણ ચાલુ હતા, અને હવે વધુમાં શાહુકાર પાસેથી પણ કર્જ લીધું હતું. કાર્તિક જશોદાબેનને લઈ શહેરના દવાખાને જાય છે, અને ફરી દવાઓ, રિપોર્ટ, અને બાટલાઓનું ચક્કર ચાલુ થાય છે. શહેરના મોટાં દવાખાને પણ પંદર દિવસની સારવાર થાય છે. દવાખાનાનો ખર્ચને પંદર દિવસ બાદ પહોંચી ન વળતાં કાર્તિક ડોકટર સાહેને એમની હકીકત જણાવે છે.

કાર્તિકની નાણાંકીય ખેંચની વાત સાંભળી જશોદાબેનને ઘરે લઈ જવા અને જશોદાબેનના બાકી દિવસોમાં ઘરે સેવા કરવાનું સૂચન આપે છે. દુનિયાની દરેક મુશ્કેલીઓનો સામનો કરવા કટીબદ્ધ યુવાન એવો કાર્તિક ડોકટર સાહેબની વાત સાંભળી ભાંગી પડે છે.

કાર્તિક જશોદાબેનને ઘરે લઈ આવે છે. નિલમને દવાખાનામાં બનેલ ઘટનાની વાત કરે છે. નીલમ કાર્તિકને થોડી હિંમત આપે છે, બીજા દિવસે કાર્તિક એમની ફરસાણની દુકાન ખોલી ફરી મૂડી ભેગી કરવા અને લીધેલ કર્જ પૂરું કરવા મહેનતમાં લાગી જાય છે. પરંતુ એ મહિનાને અંતે બેંક લોન નો હપ્તો ભરપાઈ કરી શકતો નથી. કાર્તિકને સતત તણાવગ્રસ્ત જોઈ નીલમ કાર્તિકને પોતાના સોગંદ આપી પોતાના ઘરેણાં ગીરવે મૂકી શાહુકારના કર્જમાંથી મુક્ત થવા કહે છે. સમયના મારને જીરવી ન શકતાં કાર્તિકને નીલમના ઘરેણાં ગીરવે મૂકી શાહુકારના પૈસા ચુકવવાની ફરજ પડે છે.

સમય નિયત ગતી એ આગળ વધતો જાય છે. કાર્તિક સાથે નીલમ પણ પૈસા ભેગા કરવા ઘરગથ્થુ રસોઈ બનાવવાનું, બાળકો સંભાળવાનું કામ શરૂ કરે છે. પણ જશોદાબેન ના દવાના ખર્ચ, છોકરાંઓના ભણવાના ખર્ચ ઉપરાંત ઘર ખર્ચને માંડ માંડ પહોંચી વળતાં કાર્તિક બેંકની લોનના હપ્તા ભરપાઈ કરી શકતો નથી.

પરિણામે કાર્તિકને બેન્ક દ્વારા ડિફોલ્ટર જાહેર કરી ઘર પર ઉઘરાણીએ આવી પહોંચે છે. ઘરે આવેલ બેંક કર્મચારીઓ ઘરની જપ્તી અથવા લોનના રૂપિયાની ભરપાઈ કરવાં સંદર્ભે કોર્ટમાંથી વોરંટ લઈ આવે છે. કાર્તિક અને નીલમ જેમ તેમ કરી બેંકના કર્મચારીઓને રકમ ચૂકતે કરવાનો વાયદો કરી ઘરેથી વળાવે છે.

બેંકના માણસો ઘરે પૈસાની ઉઘરાણીએ આવતા કાર્તિકના અંતરમાં ખૂબજ ઠેસ લાગી આવે છે. રાત્રે નીલમ પાસે ખુબજ રડે છે.માં ની બીમારી લંબાઇ રહી હોય છે આવક ઓછી હોવાથી મકાનની લોન ભરપાઈ થઈ શકતી ન હોય બન્ને સાથે મળી સજાવેલું સપનાંનું મકાન છોડી કોઈ ભાડાંના મકાનમાં રહેવા જતું રહેવાનું નક્કી કરી મન મનાવી સુઈ જાય છે.

બીજા દિવસે સવારે રોજ બરોજની જેમ જ દુકાને જાય છે. બપોરના સુમારે કાર્તિક આઈસ્ક્રીમ સાથે ખુશી સમાચાર લઈ ઘરે આવે છે. લોન ભરપાઈ કરવા માટે બધી સગવડતા થઈ ગઈ છે. હવે આપણાં મૃત્યુ સુધી કોઈ જ આપણને ઘરની બહાર નહિ કાઢી શકે એમ કહી બધાને આઈસ્ક્રીમ ખવડાવે છે. કાર્તિક પોતાનો આઈસ્ક્રીમ લઈ મકાનની અગાસી એ જાય છે.

બપોરનો તપતો સૂરજ સાંજ પડતાં ઠંડો પડે છે અને એ મુજબ જ ઘરની બહાર અવરજવર ઠંડી પડે છે, છોકરાઓનો કલબલાટ અને કિલ્લોલ બંધ થઈ જાય છે. કાર્તિકના પડોશમાં રહેતાં કંચનબહેનને અચાનક જ નીરવ શાંતિનો અહેસાસ થતાં કાર્તિકના ઘરે આવીને જોવે છે.
ઘરની અંદરનું દ્રશ્ય જોઈ કંચનબેનના મુખ માંથી ચીસ નીકળી પડે છે. કંચનબેનની ચીસ સાંભળી આડોશ-પદોશના લોકો ભેગા થઈ જાય છે. ઘરની ઓસરીમાં કાર્તિકભાઈની દીકરી કોમલના મોઢા માંથી ફીણ નિકળી ગયેલી હાલતમા પડી છે. ઘરના દીવાનખંડમાં જશોદાબેન પલંગ પર, સોફા પર કાર્તિકનો દીકરો અને રસોડામાં અંદર નિલમ રસોડામા પડી હોય છે. કાર્તિક ઘરમાં ક્યાંય નજર આવતો નથી પડોશીઓ પોલીસને જાણ કરી બોલાવે છે. ગણતરીની ક્ષણોમાં પોલીસ આવી તપાસ શરૂ કરે છે. કાર્તિકની શોધખોળ શરૂ થાય છે. પોલીસ ડોગસ્કોડની મદદથી અગાશી પર જઇ ચડે છે ત્યા હાથમાં દવાની બોટલ સાથે કાર્તિકનો મૃતદેહ પડેલો મળે છે.એકજ ઘર ના પાંચ સભ્યો ના મોત નુ કારણ શું???

પુરા શહેરમા હાહાકાર મચી જાય છે. દરેક ન્યૂઝ ચેનલોની હેડલાઈન્સ બની જાય છે. પોલીસે નવીનચંદ્રભાઈ ને જાણ કરે છે, દીકરી અને તેના આખા કુટુંબની આત્મહત્યાના આઘાતજન્ય સમાચાર સાંભળી નવીનભાઈનું હૃદય બેસી જાય છે અને તેમનુ પણ મૃત્ય થાય છે.

(આ વાર્તા હમણા થોડા દિવસો પેહલા જ જામનગરમા બનેલી સત્ય ધટના પર આધારિત એક કાલ્પનિક વાર્તા છે. )

 

✍🏻સંજય ભટ્ટ
લાઠી. જી.અમરેલી…..