8-માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિન

સૌથી પહેલા મારાથી જ શરુઆત કરું તો મે કોઇપણ ભોગે મારી ઇચ્છાઓ કે સપનાંઓને દબાવ્યાં નથી.સમય સંજોગ અનુસાર મેં સંઘર્ષ કર્યો છે મેં કોઈપણ કોશિશ બાકી નથી રાખી. હા!મને કેટલીકવાર જીતની સાથે હાર પણ મળી છે.આ હારને હું પચાવી જાણું છું કેમ કે હું મહિલા છું.મને હજું વધુને વધુ હકો મળે એવું હું દરેક મહિલાની જેમ ઇચ્છા રાખીશ જ.પણ,આ માટે મને એક દિવસ કયારેય નથી જોતો.હું જયારથી આ એક દિવસની ઉજવણી થતી જોઉં છું ત્યારથી મને સમજાય છે કે આ એક દિવસમાં મને કશું જ પ્રાપ્ત થતું નથી.અને એ જ મહિલાઓને ઉજવણી કે જાગૃતતા ફેલાવતી જોઉં છું કે જેઓને બધાં જ હકો પ્રાપ્ત થઇ ચુક્યાં છે.હા!એવી મહિલાઓ કે જેને મહિલા દિન શું છે એ ખબર જ નથી;હકો તો દુરની વાત એમનો જન્મ જ સંઘર્ષ કરવાં થયો છે એવી મહિલાઓની જાગૃતતા કે એમને મદદ કરવા માટેની કોઈ ચોક્કસ વ્યુહરચનાં ઘડી કાઢવામાં આવેલી હોય અને નક્કર પગલાની વાત હોય તો મને ચોક્કસ આગળ આવવું ગમશે.પણ,એક દિવસનાં ભોગે કયારેય નહીં.
સોશિયલ મીડિયા પર ફક્ત ને ફક્ત શુભેચ્છાઓ પાઠવી નારીઓનાં ગુણગાન ગાઇને ચોખલીયાવૃતિ કરતાં દરેક પુરુષ કે સ્ત્રી પોતાના હ્રદય પર હાથ મુકીને પોતાની જાતને પુછે કે……*શું કયારેય કોઈ શિક્ષણથી વંચિત રહેલી દીકરીઓને મદદ કરી છે તમે?

*શું કોઈ સ્ત્રીને એનાં પસંદગીના પાત્ર સાથે પરણાવવામાં મદદરૂપ થયા છો?
*શું કોઈ વિધવા સ્ત્રીને કે છુટાછેડા લીધેલ સ્ત્રીને સમાજની દંભી ને માયકાંગલી વિચારધારાને બાજુ પર મુકી અલગ નજરથી જોઇ શક્યા છો?
*કોઈ દીકરીને એમનાં અરમાનોને કચડીને પરાણે માંડવામાં બેસાડાતી હોય ત્યારે રોકવાની હિંમત કરી છે?
*જ્યારે છડેચોક મહિલા વિશે એલફેલ બોલાયું કે ઇજ્જત ઉપર આરોપો ચડતાં હોય ત્યારે તમે કાંઈ સુર પુરાવ્યો?

આ પ્રશ્નોની યાદી ઘણી લાંબી છે….આમાં ખુબ ઓછા લોકોનાં જવાબો હા હશે.તો ‘નારી તું ના હારી’ કે ‘નારી તું નારાયણી’ જેવા સુત્રો કે વ્હોટસએપ કે ફેસબુક પર ફરતાં મેસેજ કે શુભેચ્છાઓથી તમને શું લાગે છે કે તમે નારીવેદનાને વાચા આપો છો?તમે નારી દાક્ષિણ્ય રાખવી કોઇ નારી ઉપર ઉપકાર કરી રહ્યા છો? કયારેય નહીં!!!
ત્રેવડ બતાવવી હોય તો જાવ એ સમાજમાં કે જયાં નારીને હક શું એ ખબર નથી.ત્યાં જઇ કોઈ છોકરીનાં સપનાંને સાકાર કરવાં કે પસંદગીના પાત્ર સાથે લગ્ન કરાવવા ભગાડી બતાવો.સાક્ષરતાનાં નામે મીંડુ છે જયાં, ત્યાં સાક્ષરતાનાં આંદોલનો કરી નારીઓને ભણતી કરી બતાવો.જયાં વિધવા એકલી આખી જિંદગી પસાર કરે છે ત્યાં જઈ એનાં સપનાંઓને વાચા આપો.છુટાછેડા લીધેલ સ્ત્રીને સમાજની ઉપેક્ષિત નજરથી બચાવો.
પણ ના ના ના…. ત્યાં તો આપણે સભ્યતા અને સંસ્કૃતિનાં બણગાં ફુંકવાનુ કેમ ચુકશું ??

અમે આવો જ સમાજ ઉભો કરીશું તો જ અમે મહિલા દિવસનાં નામે અનેક અભિયાનોની જાહેરાતો કે રેલીઓ કાઢીશું ને….
હજું તો વિશ્ર્વની સમગ્ર નારી જાતિની ચેતનાને વિસ્તરવાનું બાકી છે ત્યાં તો અત્યારથી પુરુષપ્રધાન સમાજની વિચારસરણી વાળા કેટલાક પુરુષોને ડર પેસી ગયો છે કે અમારું શું થાશે?એટલે જ એ પુરુષદિવસ ઉજવવાની માંગના મેસેજ વહેતા કરે છે….જે હાસ્યાસ્પદ છે.. પરંતું આવનારા સમયમાં પાસા પલટાય તો કાંઈ કહેવાય નહીં;અને અત્યાર સુધી જે મહિલાઓને મળ્યું નથી એ આવનારા સમયમાં પુરુષને ન પણ મળેખેર,એ દરેક મહિલાઓને વંદન કે જેમણે સંઘર્ષ કરી પોતાના હકો પ્રાપ્ત કર્યા છે. મારા સમગ્ર પરિવારમાં દીકરીઓને અને મહિલાઓ એટલી છે કે બધાને ભેગા કરી એક ફોટો મુકું તો સૌને એવું લાગે કે જાણે આ સ્ત્રીઓની હરતી ફરતી ક્લબ છે જેનો મને ગર્વ છે.
આ લેખન નીચે c ની ફરતે કોઈ સર્કલ (copy right)નથી એટલે તમતમારે ફોરવર્ડ કરવાની છુટ હોં!

 

– “⚘ INA AMLANI”
-“રોઝિના અમલાણી”